સુરતઃ (Surat) મોટા વરાછા ખાતે ગઈકાલે સાંજે ગોપીન ગામ રોડ વેદાંત એલિગન્સની સામે કેનન કેમેરામાં (Camera) ફોટો શુટ (Photo) કરી રહેલા રત્નકલાકાર અને તેના પિતરાઈને ત્રણ અજાણ્યા ચપ્પુના ઘા મારી કેમેરાની લૂંટ (Loot) કરી ભાગી ગયા હોવાની ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મોટા વરાછા ખાતે વોરાજી ફળિયામાં રહેતો 23 વર્ષીય સમીર સલીમ સમા રત્નકલાકાર છે. તે મૂળ અમરેલી સાવરકુંડલાનો વતની છે. સમીરભાઈએ અમરોલી પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ સમીરના મામાનો દીકરો રઇશ મહેબૂબ રાઠોડ (ઉં.વ.17) ગઈકાલે સાંજના છ વાગ્યે મોટા વરાછા ગોપીન ગામ રોડ વેદાંત એલિગન્સની સામે કેનન કંપનીનો 1300 ડી કેમેરો લઇ ફોટા પાડતા હતા. ત્યારે એક બાઈક ઉપર આશરે 20થી 25 વર્ષના ત્રણ અજાણ્યા ધસી આવ્યા હતા. જેમાં બે વ્યક્તિએ મોં ઉપર રૂમાલ બાંધ્યો હતો. અને બાઈકચાલકનો ચહેરો ખુલ્લો હતો. બે પૈકી એક અજાણ્યાએ રઇશને ડાબા હાથ ઉપર તેમજ ડાબા પગના ઘૂંટણના ભાગે ચપ્પુ માર્યું હતું. અને સમીરના હાથમાંથી કેનન કંપનીનો 1300 ડી કેમેરો લૂંટી ભાગી ગયા હતા. સમીરે 20 હજારના કેમેરાના લૂંટની ફરિયાદ નોંધાવતાં પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
જ્યાં પેટ્રોલ ખૂટી જાય ત્યાં વાહન મૂકી બીજુ વાહન ચોરી કરતો સગીર પકડાયો
સુરત : વરાછામાં પોલીસે ચોરીની રિક્ષા સાથે એક સગીરને પકડી પાડ્યો હતો. પોલીસની પુછપરછમાં પકડાયેલા સગીરે અગાઉ ચાર વાહનોની ચોરી કરી હોવાની વિગતો બહાર આવી હતી. જેમાં ચોરી કરેલા વાહનમાં જ્યાં પેટ્રોલ ખાલી થાય ત્યાં વાહન મુકીને બીજા વાહનની ચોરી કરતો હોવાની પણ કબૂલાત થઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ વરાછા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓએ એક રિક્ષાચાલકને પકડ્યો હતો. આ રિક્ષાનો ડ્રાઇવર સગીર હતો. તેની પુછપરછ કરીને રિક્ષાના દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા. પરંતુ સગીર પાસે કોઇ ડોક્યુમેન્ટ ન હતા. ત્યારબાદ વરાછા પોલીસે ઇ-કોપના આધારે નંબર ચેક કરતા રિક્ષા ચોરીની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સગીરની કડક પુછપરછ કરતા તેને અગાઉ એક હીરો પેશન મોટરસાઇકલ, બે હોન્ડા એક્ટિવા અને એક પ્લાઝર મોપેડ ઉપર હીરોહોન્ડા સીડી-100ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.