કામરેજ: નવસારીના (Navsari) કુંભાર ફળિયા ગામે મણી ફળિયામાં રહેતા નાનુ મણી પટેલ (ઉં.વ.55) અને પત્ની કોકીલાબેન રવિવારે કામરેજના અંત્રોલી ગામે નવા ફળિયામાં રહેતી પુત્રી અનીતા તેમજ જમાઈ ગૌરાંગ શંકર ઢોડિયા સોમવારે પાવાગઢ ખાતે માનતા પૂરી કરવા જવાના હોવાથી મળવા માટે બાઇક નં.(જીજે 19 એક્યુ 2769) લઈ આવી રહ્યા હતા. ત્યારે અંત્રોલીની સીમમાં નવી પારડીથી હજીરા જતાં રોડ પર ગામના ક્રોસિંગમાં દંપતી બાઇકને પાછળથી નવી પારડી તરફથી આવતી કપચીના હાઈવા ડમ્પર નં.(જીજે 05 સીયુ 9111)ના ચાલકે બાઇકસવાર દંપતીને અડફેટે (Accident) લેતાં બાઇક હાઈવેની નીચે આવી ગઈ હતી. જેથી બાઇકચાલક નાનુભાઈનું ઘટના સ્થળે જ મોત (Death) નીપજ્યું હતું.
જ્યારે પાછળ બેસેલા કોકીલાબેનનો બચાવ થયો હતો. આથી ગામમાં જ રહેતા પુત્રી જમાઈ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાઈવનો ચાલક ફરાર થઈ ગયો હતો. કામરેજ પોલીસમથકમાં જમાઈ ગૌરાંગે હાઈવાચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
જંબુસરમાં ટેમ્પાચાલકે અડફેટે લેતાં લારીવાળાનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ
જંબુસર: જંબુસરમાં ફોર વ્હીલ ટેમ્પોના ચાલકે પોતાનો ટેમ્પો પૂરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી લારીવાળાને અડફેટે લેતાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેઓનું મરણ થયું હતું. આ બનાવ અંગે જંબુસર પોલીસમથકે ફરિયાદ નોંધાઇ છે.
- બેફામ રીતે ટેમ્પો હંકારતાં નિર્દોષનો ભોગ લેવાયો
પ્રાપ્ત માહિતી અનુસાર કાલુ અહેમદ ગોરી લારી ચલાવી મહેનત મજૂરી કરી પોતાના પરિવારનું જીવનનિર્વાહ ચલાવે છે. કાલુ ગોરી દરરોજના નિયમ મુજબ હાથલારી લઈ લારીમાં કેરી ભરી રોજગાર અર્થે ડેપો તરફ જતા હતા. એ સમય દરમિયાન એસ.ટી. ડેપો રિંગ રોડ પર એક ફોર વ્હીલ ટેમ્પોચાલકે પૂરપાટ ઝડપે ગફલતભરી રીતે ટેમ્પો હંકારી લાવી કાલુ અહેમદ ગોરી તથા લારી સહિત ધડાકાભેર ટેમ્પો અથાડતાં કાલુ ગોરીને શરીર તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
ઈજાગ્રસ્તને સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર કરી હતી. બાદ ગંભીર ઈજાને લઈ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતાં જ ફરજ પરના ડોક્ટરે કાલુ ગોરીને મૃત જાહેર કરતાં આ બનાવ અંગે શબ્બીર મહંમદ દીવાને જંબુસર પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જંબુસર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ સંદર્ભે પીઆઈ કે.વી.બારિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.