હથોડા: કોસંબા (Kosamba) પોલીસ સ્ટેશન (Police Station) હદ વિસ્તારની હથુરણ ગ્રામ પંચાયત કચેરીમાં ભાજપની મહિલા કાર્યકરને ગામના ડેપ્યુટી સરપંચ મારવા દોડી ગયાની ફરિયાદ નોંધાયા બાદ ગ્રામ પંચાયતની મહિલા તલાટી કમ મંત્રીએ એ જ ભાજપની મહિલા કાર્યકરે પંચાયતમાં આવી તમે આદિવાસી બહેનોના વિધવા સહાયનાં ફોર્મ કેમ ભરતા નથી તેવું જણાવી મહિલા તલાટીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાયો હતો.
- હથુરણ ગ્રા.પં.ની મહિલા કાર્યકરને ડેપ્યુટી સરપંચ મારવા દોડ્યાની ફરિયાદ બાદ મહિલા તલાટીને ધમકી
હથુરણ ગામે રહેતી સલમા અમીરખાન પઠાણ દ્વારા હથુરણ ગ્રામ પંચાયત કચેરીમાં ફરજ બજાવતી મહિલા તલાટી આદિવાસી મહિલાના વિધવા સહાય તેમજ પેન્શનનાં ફોર્મ ભરતી નથી તેવી રજૂઆત માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાને પાલોદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ તલાટી વિરુદ્ધ રજૂઆત કરનાર સલમા અમીરખાન પઠાણ પંચાયતમાં જતાં તેને પંચાયતના ડેપ્યુટી સરપંચ અબ્બાસ યુસ ઓફ બોડી મારવા દોડ્યો હોવાની ફરિયાદ કોસંબા પોલીસ નોંધાઈ હતી.
જ્યારે હથુરણ પંચાયતની મહિલા તલાટી કમ મંત્રીએ ગામમાં રહેતી ભાજપની મહિલા કાર્યકર સલમા અમીરખાન પઠાણ સામે કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૨૭-૫-૨૦૨૨ના રોજ આ સલમાનબેન હથુરણ ગ્રામ પંચાયત કચેરી ખાતે એક પેઢીનામામાં સાક્ષી તરીકે સહી કરવા આવ્યા હતા. ત્યારે મહિલા તલાટીને ઊંચા અવાજે જણાવ્યું કે, તમે મારું વિધવા પેન્શનનું ફોર્મ કેમ ભરતા નથી? તેમજ આદિવાસી વિધવા બહેનોના વિધવા પેન્શનનાં ફોર્મ ભરતાં નથી તેમ કહી ઊંચા અવાજે જોરજોરથી ટેબલ ઉપર હાથ પછાડી પછાડી મહિલા તલાટીને ગાળો આપી સલમાબેન પોતે ટીમ મોદી સપોર્ટર એસોસિએશન ભારતના ગુજરાત પ્રદેશ મહિલા મહામંત્રી છે તેવું કહી તેમનો આઇડી કાર્ડ ટેબલ ઉપર પછાડી હતી અને તલાટીને મારવા માટે હાથ ઉગામ્યો હતો.
એ સમયે પંચાયત કચેરીમાં હાજર ડેપ્યુટી સરપંચ અબ્બાસ યુસુફ બોડીએ રોકવાનો પ્રયાસ કરતાં સલમાબેને તેમને પણ ગાળો આપી અસભ્ય વર્તન કર્યુ હતું. સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચની હાજરીમાં સલમાબેને મહિલા તલાટી કમ મંત્રીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બાબતે કોસંબા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.