ગાંધીનગરઃ લાંબી રાહ જોયા બાદ આખરે આજે શનિવારે તા. ૪ જૂનના રોજ ધો. ૧૨ કોમર્સનું (Commerce) પરિણામ (Result) જાહેર થયું છે. ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૮૬.૯૧ ટકા રિઝલ્ટ આવ્યું છે. રાજ્યમાં સૌથી ઊંચું પરિણામ દક્ષિણ ગુજરાતના (South Gujarat) ડાંગ (Dang) જિલ્લાનું ૯૫.૪૧ ટકા રહ્યું છે, જ્યારે વડોદરાનું (Vadodara) પરિણામ સૌથી ઓછું ૭૬.૪૯ ટકા આવ્યું છે. આ વર્ષે વિદ્યાર્થી કરતા વિદ્યાર્થીનીઓ આગળ રહી છે. વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થીનીઓનું પરિણામ ૪.૫૬ ટકા વધુ આવ્યું છે.
કોરોનાના લીધે બે વર્ષથી વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શક્યા નહોતા. ૨૦૨૦માં ૭૬.૨૯ ટકા પરિણામ રહ્યું હતું તેની સરખામણીએ ચાલુ વર્ષે સારું પરિણામ જોવા મળ્યું છે. રિઝલ્ટ બાદ મોટા ભાગના વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આ વખતે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓના પરિણામ સારા રહ્યાં છે. સૌથી વધુ ડાંગ જિલ્લાનું પરિણામ રહ્યું છે, તેમાંય સુબીર, છાપી અને અલારસા કેન્દ્રમાં ૧૦૦ ટકા પરિણામ રહ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ ડભોઈ કેન્દ્રનું રહ્યું છે. ડભોઈનું પરિણામ માત્ર ૫૬.૪૩ ટકા રહ્યું છે. જ્યારે રાજ્યની ૧૦૬૪ સ્કૂલ એવી છે જેનું પરિણામ ૧૦૦ ટકા રહ્યું છે. આ વર્ષે ૪.૨૨ લાખ વિદ્યાર્થીઓએ ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી.
હવે તા. ૬ જૂનને સોમવારે એસએસસી ધો. ૧૦ બોર્ડનું રિઝલ્ટ જાહેર થશે. સવારે ૮ વાગ્યે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ gseb.org પર પરિણામ જોઈ શકાશે. ત્યાર બાદ સ્કૂલમાંથી માર્કશીટ મળી શકશે.
પરિમાણ મોડું આવ્યું પણ સારૂ આવ્યું
ગુજરાત બાર્ડ શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાયો હતા. જેના કારણે તમામા શિક્ષકો અને અધિકારીઓ આ કાર્યક્રમમાં વ્યસ્ત હતા. કોન્ફરન્સનો કાર્યક્રમ પૂર્ણ થતાં જ અધિકારીઓ અને શિક્ષકો પરિણામના કામમાં લાગી ગયા હતા અને 4 જૂને અને 6 જૂને બોર્ડનું પરિણામ અને જાહેર થશે તેવી જાહેરાત કરી હતી. આજે 4 જૂને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી ઊંચું પરિણામ દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યું હતું. હેવા આવતી 6 જૂને ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.52 સુરતનું પરિણામ
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી ઊંચું પરિણામ દક્ષિણ ગુજરાતનું જોવા મળે છે. ત્યારે સુરતમાં ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86.52 ટકા નોંધાયું છે. સુરતમાં 643 વિદ્યાર્થીઓએ A 1 ગ્રેડ મેળવ્યો છે.