આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગુરૂવારના રોજ યોજાયેલી સિન્ડીકેટ સભામાં રજીસ્ટ્રારની ભરતી સહિતના મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યાં હતાં. વિશ્વકક્ષાની ગણાતી યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ વર્ષથી રજીસ્ટ્રારની જગ્યા ખાલી છે. તેમાંય કુલપતિના વિવાદ બાદ તે જગ્યા પર ઇન્ચાર્જથી જ ચાલી રહી છે. આમ ઇન્ચાર્જના રગશિયા ગાડાની જેમ ચાલતી યુનિવર્સિટીમાં આખરે એક મહત્વપૂર્ણ જગ્યા રજીસ્ટ્રાર માટે કાયમી વ્યક્તિ આવતા થોડા ઘણા અંશે વહીવટ સુધરવાની આશા બંધાઇ છે.
વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની બુધવારના રોજ સિન્ડીકેટ સભા મળી હતી. આ સભામાં વિવિધ 31 બાબતે નિર્ણય લેવામાં આવ્યાં હતાં. સરદાર પટેલ યુનિવર્સિટીમાં લાંબા સમયથી રજીસ્ટ્રાર, સબ સરજીસ્ટ્રારની મહત્વની જગ્યા ઇન્ચાર્જથી ચાલતી હતી. જેની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં રજીસ્ટ્રાર તરીકે ડો. ભાઇલાલ પી. પટેલની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી રજીસ્ટ્રારમાં સૂર્યકાંતભાઈ પરીખ અને ડો. બિરજ પટેલની પસંદગી કરવામાં આવી છે. આ સિન્ડીકેટ સભા પ્રોફેસરની ભરતી, ઓનલાઇન સેન્ટ્રલાઇઝડ પ્રવેશ પ્રક્રિયાના નિયમો સહિત વિવિધ મુદ્દે નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પેમેન્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ ઘરે બેઠાં જ તેની ફિ વધી ભરી શકશે. આ અંગે સિન્ટીકેડમાં નિર્ણય કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થી ન મળતાં કોલેજ દ્વારા કોર્ષ બંધ કરાશે
સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન વી.પી. એન્ડ આરપીટીપી કોલેજમાં ચાલતા બીએસસી (ઇન્સ્ટ્રુમેન્ટેશન) વોકેશનલ સ્વનિર્ભર અભ્યાસક્રમ અને નડિયાદની સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટના અમૃત મોદી કોલેજ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ કોલેજ, નડિયાદમાં શૈક્ષણિક વર્ષ 2020-21થી બીએ (માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ)નો સ્વનિર્ભર અભ્યાસક્રમ તથા સરદાર પટેલ કોલેજ બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.
નવા રજીસ્ટ્રાર ડો. ભાઇલાલ પી. પટેલ કોણ છે ?
વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર તરીકે ડો. ભાઇલાલ પી. પટેલની પસંદગી કરવામાં આવી છે. તેઓ પાંચ વર્ષ માટે રજીસ્ટ્રાર તરીકે પદભાર સંભાળશે. ડો. ભાઇલાલ 1996થી મેથેમેટીક વિભાગના હેડ છે. આ ઉપરાંત તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીમાં બે ટર્મ સુધી સેનેટ સભ્ય રહિ ચુક્યાં છે. ડો. ભાઇલાલ પટેલે એમએસસી, એમફિલ, પીએચડી (મેથેમેટીક)નો અભ્યાસ કર્યો છે. જેમાં એમએસસીમાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે. વહીવટી અનુભવમાં તેઓએ પરીક્ષા વિભાગમાં સેન્ટ્રલ કો ઓર્ડીનેટર, બોર્ડ ઓફ સ્ટડીઝ અને સેનેટ સભ્ય તરીકેનો અનુભવ રહ્યો છે.
હોસ્પિટલ સાથે એમઓયુ વગર ચાલતી બે ફિઝીયોથેરાપી કોલેજને નોટીસ અપાશે
કનેરાની દાલીયા ફિઝીયોથેરાપી કોલેજ અને આમસરણની એમ.એમ. શાહ ફિઝીયોથેરાપી કોલેજમાં જૂન – 2020 અને જૂન-2021થી નાણાકીય સ્વનિર્ભરતા ધોરણે બેચરલ ઓફ ફિઝીયોથેરાપીનો સ્નાતક અભ્યાસક્રમ શીખવવા એક વર્ષ માટે ચાલુ જોડાણ આપવા સેનેટે નક્કી કરેલી શરતોનું કોલેજે પરિપાલન કર્યું છે કે કેમ ? તે અંગે તપાસ કરતા બન્ને કોલેજ દ્વારા કોઇ હોસ્પિટલ સાથે એમઓયુ કરવામાં આવ્યા ન હોવાનું ખુલ્યુ હતું. આથી, સમિતિના રિપોર્ટ આધારે આ બન્ને કોલેજને નોટીસ આપવામાં આવશે.
સરદાર પટેલ યુનિવર્સિટીએ કોમન એન્ટ્રસ માટે સૈદ્ધાંતિક મંજુરી આપી
સરદાર પટેલ યુનિવર્સિટીની સિન્ડીકેટ બેઠકમાં અન્ડર ગ્રેજ્યુએટ માટેની એન્ટ્રસ ટેસ્ટ માટે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. યુજીસીની ગ્રાન્ટ મેળવતી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં શૈક્ષણિક વર્ષ 2022-23થી સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટરન્સ ટેસ્ટનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જેની સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સૈદ્ધાંતિક મંજુર આપવામાં આવી છે. આગામી વરસોમાં પ્રવેશ પ્રક્રિયા સમયે ટેસ્ટ લેવામાં આવશે. જેના મેરિટ પર જે તે વિદ્યાર્થીને કોલેજ અને યુનિવર્સિટી ફાળવવામાં આવશે.