વડોદરા : દંતેશ્વર ગામમાં વચલા ફળિયામાં 3 મહિનાથી પાણી નહીં આવતા રોષે ભરાયેલી મહિલાઓએ દંતેશ્વર બુસ્ટર પંપીંગ સ્ટેશન ખાતે માટલા ફોડી સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વડોદરા શહેરના પૂર્વ બાદ હવે દક્ષિણ વિસ્તારમાં પાણીનો કાળો કકળાટ સર્જાયો છે.એક તરફ આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ પાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી હાથધરવામાં આવી રહી છે.તો બીજી તરફ ઉનાળાની શરૂઆતથી જ શહેરમાં પાણીની બુમો ઉઠી હતી.જે આજે પણ યથાવત જોવા મળી છે.શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા દંતેશ્વર ગામ વચલા ફળિયામાં છેલ્લા ત્રણ મહિનાથી પાણી નહીં આવતા વિસ્તારના રહીશો હેરાન પરેશાન થઇ ઊઠ્યા છે.અનેક વખત સ્થાનિક કોર્પોરેટર,વોર્ડ કચેરીમાં અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી નહીં હાલતા વિસ્તારની મહિલાઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.
મહિલાઓએ માટલા સાથે મોરચો માંડી દતેશ્વર બુસ્ટર પંપીંગ સ્ટેશન ખાતે પહોંચી માટલા ફોડી પાલિકા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.મહિલાઓએ આક્ષેપ કર્યા હતા કે વિસ્તારના કાઉન્સિલરને પાણીની ટાંકીની વ્યવસ્થા માટે કહેતા તેઓએ બુસ્ટર પંપીગ બનાવી દીધું છે.છતાં પણ પાણી આવતું જ નથી.જેના કારણે બધી બહેનો મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.દરરોજ ખર્ચ કરીને પાણીનો જગ મંગાવવો પડે છે. અને ત્રણ દિવસે એક વાર નાહીએ છીએ. અમે કોર્પોરેટરને બોલાવીને વારંવાર રજૂઆત કરતાં કહે છે કે, નવી લાઇન નાંખીશું.પરંતુ અમારા વિસ્તારમાં છેલ્લાં ત્રણ મહિનાથી પાણી મળતું નથી.નોંધનીય છે કે પાણીની સમસ્યા વર્ષોથી ઉદભવી રહી છે તેમ છતાં આજદિન સુધી સંકલનના અભાવે કાયમી ધોરણે સમસ્યાનું નિરાકરણ કરવા તંત્ર તદ્દન નિષ્ફળ નિવડતા લોકો હાલાકી વેઠવા મજબુર બન્યા છે.
બુસ્ટર પંપીંગ સ્ટેશન બનાવ્યું પણ વર્ષોથી પાણી આવતું નથી
ટાંકીની વ્યવસ્થા કરવાની કીધી તો બુસ્ટર પંપીંગ સ્ટેશન બનાવ્યું પણ વર્ષોથી પાણી આવતું નથી.પરેશાન થઇ ઊઠ્યા છે.જે કોર્પોરેટરો અહીં આવે છે ખાલી વાયદા કરે છે ચૂંટણી જીતે છે, પછી આવતા નથી. અમે કંટાળી ગયા છે,અમે ઘરના કામો કરીએ કે અહીં ભાગોળે પાણી ભરવા જઈએ.તળાવોની પણ એવી હાલત નથી કે અમે કપડા ધોઈ શકીએ. પાણીના જગ મંગાવીએ છીએ. ત્રણ મહિનાથી નળમાં પાણીનું એક ટીપું આવતું નથી. રજૂઆતો કરવા જઈએ છીએ તો એકબીજા ખો આપે છે અમારી માંગણી એક જ છે કે અમને પાણી આપો.-શોભનાબેન,સ્થાનિક