નડિયાદ: મહુધામાં રહેતાં બે શખ્સો પોતાના સાગરિતોની મદદથી અમદાવાદના મિત્ર પાસેથી હાથઉછીના નાણાં લીધાં બાદ, તે પરત નહીં આપી રૂપિયા ૧૦,૫૦,૦૦૦ ની છેતરપિંડી આચરી હતી. તેમજ રૂપિયા પરત આપવા ન પડે તે માટે પાકિસ્તાનથી ધમકીભર્યાં ફોન કરાવ્યાં હતાં અને કાશ્મિરમાંથી માણસો મોકલી પુત્રને ઉઠાવવાની ધમકીઓ આપી હતી. આ મામલે ભોગ બનનાર ઈસમે ગૃહ રાજ્યમંત્રીને રજુઆત કરી, યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અમદાવાદમાં દિલ્હી ચકલાં વિસ્તારમાં આવેલ સજ્જન જમાદારના મહોલ્લામાં રહેતાં હબીબુલ્લાહ ફતેહમોહંમદ સૈયદ વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓએ મહુધા ખાતે રહેતી શહેનાજબાનું સાથે લગ્ન કર્યાં હતાં. જેથી તેઓ બંને અવારનવાર શહેનાજબાનુંના પિયર મહુધા ખાતે જતાં હતાં. દરમિયાન હબીબુલ્લાહને મહુધામાં રહેતાં અને ફુટવેરનો ધંધો કરતાં આશીફહુસેન નજીરમીયાં મલેક અને આબીદહુસેન ઉર્ફે તૌફીક નજીરમીયાં મલેક સાથે ગાઢ મિત્રતા બંધાઈ હતી. એવામાં આશીફહુસેન અને આબીદહુસેનને ધંધામાં મોટું નુકશાન વેઠવું પડ્યું હતું. જેથી તેઓ બંને જણાંએ હબીબુલ્લાહ સૈયદ પાસે હાથઉછીના નાણાં માંગ્યાં હતાં
. જેથી હબીબુલ્લાહ સૈયદે તારીખ ૩૧મી માર્ચ,૨૦૧૭ થી તારીખ ૨૯મી નવેમ્બર,૨૦૧૭ ના સમયગાળા દરમિયાન આ બંને મિત્રોને ચેક મારફતે ૫,૫૦,૦૦૦ રૂપિયા હાથ ઉછીના આપી મદદ કરી હતી. હબીબુલ્લાહની મદદથી આબીદહુસેન અને આશીફહુસેન નુકશાનીમાંથી બહાર આવવા લાગ્યાં હતાં. દરમિયાન તેઓ બંને જણાંએ નડિયાદમાં ડભાણ ભાગોળ વિસ્તારમાં આવેલ સપના ફુટવેરના રાજેશભાઈ સાથે હબીબુલ્લાહ સૈયદની મુલાકાત કરાવી હતી. રાજેશભાઈ ફુટવેરના ધંધામાં બહું મોટા વેપારી છે અને તેઓને રૂપિયાની જરૂર છે તેમ કહી બંને જણાંએ હબીબુલ્લાહને હાથઉછીના રૂપિયા આપવા જણાવ્યું હતું.
જેથી આબીદહુસેન અને આશીફહુસેનના વિશ્વાસે હબીબુલ્લાહે બે લાખ રૂપિયા રાજેશભાઈને હાથઉછીના આપ્યાં હતાં. જોકે, ઘણો સમય વિત્યા બાદ પણ આશીફહુસેન, આબીદહુસેન અને તેમના મિત્ર રાજેશભાઈએ હબીબુલ્લાહ સૈયદને રૂપિયા પરત આપ્યાં ન હતાં. દરમિયાન હબીબુલ્લાહને તેમની પત્નિના દાગીના ખરીદવા માટે રૂપિયાની જરૂરત પડતાં તેઓએ આબીદહુસેનનો સંપર્ક કર્યો હતો અને પોતે આપેલાં હાથઉછીના રૂપિયા પરત માંગ્યાં હતાં. તે વખતે આબીદહુસેને તેની પત્નિ નજીમબાનું મલેક અને સાળા અબ્દુલમજીદ હમીદમીયાં મલેકને બજારમાં સારી ઓળખાણ હોવાથી તમને સસ્તા ભાવમાં સોનાના દાગીનાની ખરીદી કરી આપશે તેમ જણાવ્યું હતું.
જેમાં પણ હબીબુલ્લાહે વિશ્વાસ મુકતાં નજીમબાનું અને અબ્દુમજીદ મહુધામાં આવેલ ગોકળદાસ મગનલાલ ચોક્સીની દુકાનમાં સોનાના દાગીનાની ખરીદી કરવા માટે હબીબુલ્લાહને લઈ ગયાં હતાં. જ્યાં હબીબુલ્લાહ સૈયદે રૂપિયા ૩,૦૦,૦૦૦ ના સોનાના દાગીના ખરીદ્યાં હતાં. પરંતુ, ખરીદેલા દાગીનાની પુરેપુરી રકમ ચુકવ્યાં બાદ જ હબીબુલ્લાહને દાગીના આપવામાં આવશે, અને ત્યાં સુધી દાગીના દુકાનદાર ગોકળદાસ પાસે જ રહેશે તેવી શરત થઈ હતી. જે મુજબ હબીબુલ્લાહ સૈયદે થોડા થોડા કરી તમામ રૂપિયા નજીમબાનું અને અબ્દુલમજીદ મારફતે ગોકળદાસ ચોક્સીને ચુકવી દીધાં હતાં. જે બાદ હબીબુલ્લાહ અને તેમના પત્નિ સોનાના દાગીના લેવા માટે ગોકળદાસ ચોક્સીની દુકાને ગયાં હતાં.
તે વખતે તેમના દાગીના નજીમબાનું અને અબ્દુલમજીદ લઈ ગયાં હોવાનું ગોકળદાસ ચોક્સીએ જણાવ્યું હતું. જેથી હબીબુલ્લાહે તાત્કાલિક નજીમબાનું અને અબ્દુલમજીદનો સંપર્ક કર્યો હતો. તે વખતે તેઓએ દાગીના આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેથી હબીબુલ્લાહ સૈયદે આ મામલે આબીદહુસેન અને આશીફહુસેન સાથે વાત કરી હતી. જોકે, તેઓએ પણ ઉડાવ જવાબ આપ્યો હતો અને હાથ ઉછીના લીધાં રૂપિયા પરત આપવાની ના પાડી, ધમકીઓ આપી હતી. ત્યારબાદ હબીબુલ્લાહ સૈયદે નડિયાદના ફુટવેર વેપારી રાજેશભાઈને હાથઉછીના આપેલાં બે લાખ રૂપિયા પરત માંગ્યાં હતાં. જોકે, આ બે લાખ રૂપિયાના બદલામાં આશીફહુસેન અને આબીદહુસેન બુટ-ચંપલનો માલ લઈ ગયાં હોવાનું રાજેશભાઈએ જણાવ્યું હતું. જેથી હબીબુલ્લાહ સૈયદે સોનાના દાગીનાના રૂ.૩,૦૦,૦૦૦, આબીદ અને આશીફહુસેનને હાથઉછીના આપેલાં નાણાં રૂ.૫,૫૦,૦૦૦ તેમજ રાજેશભાઈને હાથઉછીના આપેલાં નાણાં રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૧૦,૫૦,૦૦૦ જેટલી ફસાયેલી રકમ પરત મેળવવા માટે આબીદહુસેન, આશીફહુસેન, નજીમબાનું અનેઅબ્દુલમજીદનો અવારનવાર સંપર્ક સાધ્યો હતો.
જોકે, દરેક વખતે તેઓએ ગમેતેમ અપશબ્દો બોલી, ઝઘડો કરી, જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જે બાદ હબીબુલ્લાહના ફોન પર અવારનવાર ધમકીભર્યા ફોન આવવાના શરૂ થઈ ગયાં હતાં. જેમાં મહુધાના વજીરોદ્દીન ઉર્ફે લંગડો અમીરોદ્દીન કાજીએ કાશ્મિરમાંથી માણસો મોકલી હબીબુલ્લાહના પુત્રને ઉઠાવી લેવાની ધમકીઓ આપી હતી. તેમજ આ બંને શખ્સોએ પાકિસ્તાનના કરાંચીમાં રહેતાં શહેજાદ બાવા અને શાહીદબાવા સહિત અન્ય પાકિસ્તાનીઓ મારફતે પણ ફોન કરાવી હબીબુલ્લાહને ધાકધમકીઓ અપાવી હતી.