સુરત: (Surat) સુરત મેટ્રો ડ્રીમ પ્રોજેક્ટની કામગીરીમાં જીએમઆરસી દ્વારા ચોક્કસાઈથી કામગીરી કરવામાં આવી રહી છે. તમામ પાસાઓ ચકાસી જીએમઆરસી (ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન) કામગીરી આગળ વધારી રહ્યું છે. મેટ્રો પ્રોજેક્ટ સુરતીજનો માટે ડ્રીમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ સાકાર થતા શહેરીજનોને પણ ઘણા લાભ થશે પરંતુ આ પ્રોજેક્ટની (Project) કામગીરીને પગલે ઓછામાં ઓછા લોકોને નુકસાન થાય તે માટે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર, જીએમઆરસી દ્વારા એન્વાયરમેન્ટલ એન્ડ સોશિયલ ઈમ્પેક્ટ સ્ટડી કરવામાં આવી હતી. અને આ સ્ટડી મુજબ, સુરત મેટ્રોની કામગીરીમાં શહેરમાં કુલ 676 (ખાનગી તેમજ સરકારી) જેટલી મિલકતો અસરમાં આવતી હોવાનું જાણવામાં આવ્યું છે જેથી જીએમઆરસી (GMRC) દ્વારા ઓછામાં ઓછા લોકો અસરગ્રસ્ત થાય તે રીતે મેટ્રોના અમુક સ્ટેશન (Metro Station) અને એલાઈમેન્ટની ડિઝાઈનમાં ફેરફાર કરવાનું નક્કી કર્યુ છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ના અધિકારીઓએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરત મેટ્રોના નિર્માણને કારણે ઘણી મિલકતો અસરમાં આવી રહી છે. જેથી મેટ્રોના 50 ટકા સ્ટેશનની ડિઝાઈનમાં આંશિક ફેરફાર કરી આ અસરગ્રસ્તોની સંખ્યા ઘટાડવાનું નક્કી કરાયું છે. સાથે સાથે મેટ્રોના એલાઈમેન્ટમાં પણ થોડે અંશે ફેરફાર કરવામાં આવશે. સુરત મેટ્રો માટે તૈયાર કરવામાં આવેલા ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટમાં અસરગ્રસ્તોની સંખ્યા ઓછી હતી. પરંતુ ત્યારબાદ જીએમઆરસી દ્વારા કરવામાં આવેલા એન્વાયરમેન્ટલ અને સોશિયલ ઈમ્પેક્ટ સ્ટડી મુજબ, અસરગ્રસ્તોની સંખ્યા વધી છે. આ સ્ટડી મુજબ મેટ્રોના રૂટમાં 676 જેટલી મિલકતો અસરમાં આવી રહી છે જેથી આ સંખ્યા ઘટાડી શકાય તે માટે જીએમઆરસી દ્વારા પ્રયાસ કરવામાં આવશે. હાલ જીએમઆરસી દ્વારા ડિઝાઈન અને એલાઈમેન્ટમાં આંશિક ફેરફાક કરીને અસરગ્રસ્તોની સંખ્યામાં 70 ટકા ઘટાડો થઈ શકે તે રીતની તૈયારી કરી છે.
સ્ટેશનના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટમાં ફેરફાર કરી ડિઝાઈન ફરી તૈયાર કરાશે
અસરગ્રસ્તોને ઓછામાં ઓછી અસર થાય તે માટે એલાઈમેન્ટમાં 20 થી 25 મીટરનો ફેરફાર તે ઉપરાંત રહેણાંક મિલકત તેમજ કોમર્શિયલ મિલકતો માટે મેટ્રો સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટમાં ફેરફાર કરીને મેટ્રો સ્ટેશનોની ડિઝાઇનમાં ફેરફારો કરવાનો પ્રયાસ કરાયો છે. સુરત મેટ્રોના 50 ટકા સુચિત સ્ટેશનોમાં આવા ફેરફારો લાવવામાં આવ્યા છે તેમ જીએમઆરસીના અધિકારીએ જણાવ્યું હતું.
મેટ્રો પ્રોજેક્ટમાં અસરગ્રસ્તો માટે 375 કરોડની ફાળવણી પણ કરાઈ છે
સુરત મેટ્રો પ્રોજેક્ટમાં જીએમઆરસી દ્વારા ફેરફારો કરીને અસરગ્રસ્ત મિલકતોની સંખ્યા 676 થી ઘટાડીને 192 થાય તે રીતનો હાલ પ્રયાસ કરાયો છે. આ રીતના પ્રોજેકટોમાં મિલકતોનું સંપાદન કરવામાં આવે છે અને તેથી પ્રોજેક્ટ રિપોર્ટમાં અસરગ્રસ્તો માટે કુલ રૂા. 375 કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે.