અંકલેશ્વર: (Ankleahwar) અંકલેશ્વર હાઇવે ઉપર આવેલા લક્ષ્મી સ્ટીલ ગોડાઉનની બાજુમાં દહેજ અદાણીથી નીકળતો અને ટ્રાન્સપોર્ટમાં જતો ઓસ્ટ્રેલિયન કોલસો (Australian Coal) સગેવગે કરવાના કૌભાંડના મામલે વધુ 12 ઈસમને પોલીસે ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વર હાઇવે ઉપર આવેલ કાપોદ્રા પાસેના લક્ષ્મી સ્ટીલ ગોડાઉનની બાજુમાં ગત 23મી મેના રોજ દહેજ અદાણીથી નીકળતો અને ટ્રાન્સપોર્ટમાં (Transport) જતો ઓસ્ટ્રેલિયન કોલસો સગેવગે કરાતાં કોલસા કૌભાંડ પર દરોડા પાડ્યા હતા.
- પોલીસે ટ્રકમાંથી ઓસ્ટ્રેલિયન કોલસો કાઢી ફ્લાયએશ અને થાનની માટી ભેળવી દેવાનું રેકેટ પકડી પાડ્યું
- અંકલેશ્વરમાં ઓસ્ટ્રેલિયન કોલસો સગેવગે કરવાની ઘટનામાં 12 આરોપી ઝડપાયા
- દહેજ અદાણીથી નીકળતો અને ટ્રાન્સપોર્ટમાં જતો ઓસ્ટ્રેલિયન કોલસો સગેવગે કરવાનું કૌભાંડ
પોલીસે ટ્રકમાંથી ઓસ્ટ્રેલિયન કોલસો કાઢી ફ્લાયએશ અને થાનની માટી ભેળવી દેવાનું રેકેટ પકડી પાડ્યું હતું અને સ્થળ પરથી 55 ટન કોલસો, 50 ટન માટી, 20 ટન ફ્લાયએશ, ટ્રક, લોડર, 5 મોબાઈલ મળી કુલ 18.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અગાઉ સાત આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ કોલસા કૌભાંડમાં સંડોવાયેલા વધુ આરોપી કોસંબાના સારબી એપાર્ટમેન્ટમાં રહેતો અંકિત સુમેરસિંહ રાઠોડ, કિશોર વિષ્ણુપદ વિશ્વાસ, મનદીપકુમાર દેવમની તિવારી અને પરેશકુમાર સુરેશ પટેલ, વિરેન્દ્રસિંહ બળવંતસિંહ ખેર, દિનેશ હરજીવન પટેલ સહિત 12 ઈસમને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ અને અંકલેશ્વરમાં સબસીડીવાળી લોન અપાવવાના નામે ૪૮થી વધુ લોકો સાથે રૂ.૧૫ લાખની ઠગાઈ
ભરૂચ: ભરૂચ અને અંકલેશ્વરમાં સબસીડીવાળી સરકારી લોન અપાવવાના નામે ૪૮થી વધુ લોકો સાથે જતીન હર્ષવર્ધન માસ્ટરે રૂ.૧૫ લાખની ઠગાઈ કરી હતી. જે લોન અપાવવાના બહાને લોન ઇચ્છુકોના ઇન્ટરવ્યૂ પણ અલગ અલગ જગ્યાએ ગોઠવી દેતો હતો. વિવિધ બેંકો, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી સરકારી અને સબસીડીવાળી લોન અપાવવાનું કહી ડોક્યુમેન્ટ લઈ લેતો હતો. તેણે એક ગ્રાહક દીઠ રૂપિયા ૪૦થી ૮૦ હજાર સુધીની રકમ પડાવી લીધી હતી.
એક, બે અને ૬ મહિના તો કેટલાક કેસમાં એક વર્ષ વીતી જવા છતાં લોન નહીં મળતાં લોન વાંચ્છુકો સમજી ગયા કે તેઓ ઠગાયા છે. પણ આ ભેજાબાજ લાખોનું કરી નાખી ભોગ બનનારાના હાથમાં આવતો ન હતો. દરમિયાન શનિવારે ભરૂચ રેલવે સ્ટેશને જતીન માસ્ટરને મેઘા પટેલ અને તેની મિત્ર કુંતા વસાવાએ જોતાં જ અન્ય મિત્ર પ્રદ્યુમન પરમારને કોલ કર્યો હતો. આ ત્રણેય ભેજાબાજનો ભોગ બનેલા યુવાનોએ તેના ઉપર ૨૦થી ૨૫ મિનીટ વોચ રાખ્યા બાદ પકડી અંકલેશ્વર શહેર પોલીસમથકે લઈ આવ્યા હતા. પોલીસે ફરિયાદ નોંધી લોનના નામે ઠગાઈમાં આગળની કાર્યવાહી હાથ ધરવા તજવીજ હાથ ધરી છે.