મનુષ્યને ગુલામ બનાવવા માટેનાં અનેક હથિયારો છે. તેમાંનું એક હથિયાર પ્રલોભન છે અને બીજું હથિયાર ડર છે. પ્રલોભન મુખ્ય ધનનું હોય છે. ધન કમાવવા ખાતર લોકો પોતાની સ્વતંત્રતા કુરબાન કરી દેતા હોય છે. મલ્ટિનેશનલ કંપનીઓના તગડા પેકેજને પામેલા આજના યુવાનો વિદેશી કંપનીઓના 24/7ના વેઠિયા મજૂરો બની જતા હોય છે. રાતે 12 વાગ્યે તેઓ સુખની નિંદર માણી રહ્યા હોય ને બોસનો ફોન આવે તો તેમણે ચૂપચાપ લેપટોપ લઈને કામે લાગી જવું પડે છે.
મનુષ્યને ગુલામ બનાવનારું બીજું મોટું હથિયાર ડર છે. ડરમાં પણ જો કોઈ મોટામાં મોટો ડર હોય તો તે માંદા પડી જવાનો અને મરી જવાનો ડર હોય છે. આજનો તબીબી ઉદ્યોગ માંદા પડી જવાના અને મરી જવાના ડરના પાયા પર ઊભો છે. જે ડૉક્ટર સાચા કે ખોટા કારણે પોતાના દર્દીમાં માંદગીનો કે મરણનો ડર પેદા કરી શકે તે સફળ પ્રેક્ટિશનર કહેવાય છે. તે પોતાની ક્લિનિકમાં કે હોસ્પિટલમાં રીતસર ચલણી નોટો છાપી શકે છે. ગંભીર માંદગીના અને મરણના ડરથી બચવા લોકો પોતાની બધી લક્ષ્મી કુરબાન કરવા તૈયાર થઈ જતા હોય છે. કારણ કે જિંદગીથી મૂલ્યવાન કંઈ હોતું નથી.
દવાઓ બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓ તેમના દલાલ જેવા કેટલાક બેઈમાન તબીબો અને હેલ્થના નામે લોકોની વેલ્થ ખંખેરી લેતી કેટલીક ફાઈવ સ્ટાર હોસ્પિટલો હકીકતમાં ડરનો બિઝનેસ કરે છે. કેન્સર, હૃદયરોગ, કિડની અને લિવરના રોગોનો ડર બતાડી તેઓ કરોડો રૂપિયાનો કારોબાર કરે છે. આજની મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલો હકીકતમાં પ્રજાને ડરાવવવા માટેના કેન્દ્રો છે.
ખાનગી હોસ્પિટલો અને ડૉક્ટરો તો ડરનો કારોબાર કરીને પોતાના પટારા ભરે તે તો જાણે સમજ્યા પણ કોઈ દેશની સરકાર તેની પ્રજામાં ભય પેદા કરીને તેની આઝાદી ઝૂંટવી લે તેવું કોરોના મહામારી દરમિયાન પહેલી વખત જોયું. કોરોનાની મહામારી કેટલી ભયાનક હતી તે શંકાનો વિષય છે પણ મીડિયા દ્વારા તેનો જે ભય પેદા કરવામાં આવ્યો, તેનો લાભ લઈને આપણી સરકારે આપણા તમામ મૂળભૂત અધિકારો પર તરાપ મારી હતી. લોકડાઉનના નામે આપણા મુક્ત રીતે હરવા-ફરવાના અધિકારો ઉપરાંત આપણો રોજીરોટી મેળવવાનો અધિકાર પણ ઝૂંટવી લેવામાં આવ્યો હતો. આપણું શરીર પણ જાણે સરકારની સંપત્તિ હોય તેમ તેને ફરજિયાત માસ્ક પહેરાવી દેવામાં આવ્યાં હતાં. મરણનો ડર બતાડી સરકારે કરોડો નાગરિકોને શંકાસ્પદ વેક્સિન લેવા મજબૂર બનાવ્યા હતા.
કોરોનાની મહામારી દરમિયાન આપણી સરકાર દ્વારા જે સખત નિયંત્રણો લાદ્યાં હતા તેને ભારતના બંધારણનું કે સંસદમાં પસાર કરવામાં આવેલા કાયદાનું સમર્થન નહોતું. દેશભરમાં અર્થતંત્રને ઠપ કરી દેનારું લોકડાઉન જે કાયદા હેઠળ લાદવામાં આવ્યું તે એપિડેમિક એક્ટ 1897ની સાલમાં બ્રિટિશ સરકાર દ્વારા ઘડવામાં આવ્યો હતો. જેનો ઉદ્દેશ ભારતની પ્રજાને ગુલામ બનાવવાનો હતો.
આ કાયદા હેઠળ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ પણ સરકારને દેશભરમાં લોકડાઉન લાદવાની કે વેક્સિનને ફરજિયાત બનાવવાની સત્તા આપવામાં આવી નહોતી. વળી, આખા દેશમાં મહિનાઓ સુધી હેલ્થ ઈમર્જન્સી લાદવાની સત્તા પણ સરકારને કોઈ કાયદા દ્વારા આપવામાં આવી નહોતી. આ કમી પૂરી કરવા કેન્દ્ર સરકાર હવે પબ્લિક હેલ્થ બિલ 2022 લાવી રહી છે. જેનો ઇરાદો મહામારીને નામે નાગરિકોની તમામ ગતિવિધિઓ ઉપર નિયંત્રણ મૂકીને તેને સરકારના ગુલામ બનાવવાનો છે.
આ પબ્લિક હેલ્થ બિલનો મુસદ્દો 2017માં તૈયાર કરવામાં આવ્યો હતો પણ કોરોના મહામારીના અનુભવ પછી તેમાં સુધારાવધારા કરીને તેને સંસદના ચોમાસું સત્રમાં રજૂ કરવાનો સરકારનો ઇરાદો છે. આ મુસદ્દો જો કાયદો બની જાય તો કેન્દ્ર, રાજ્ય, મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે ઇવન ગ્રામ પંચાયતના કોઈ પણ કર્મચારીને આપણા ઘરમાં પ્રવેશ કરીને આપણું ફરજિયાત ટેસ્ટિંગ કરવાની અને જરૂર પડે આપણને ઢસડીને ક્વોરન્ટાઇન સેન્ટરમાં લઈ જવાની અમર્યાદ સત્તા મળી જશે. આ ક્વોરન્ટાઇન સેન્ટરમાં આપણી લેખિત પરવાનગી અને જાણકારી વગર તેઓ આપણા શરીર પર કોઈ પણ દવાના અખતરાઓ કરી શકશે. આ રાક્ષસી સૂચિત કાયદા હેઠળ સરકારી કર્મચારીઓ આપણા પાળેલાં પ્રાણીઓને પણ બળજબરીથી આપણી પાસેથી ઝૂંટવી શકશે અને તેમની કતલ કરી શકશે. આપણા રસોડામાં પડેલા કોઈ પણ ખાદ્યપદાર્થને કે ઇવન આપણા ખેતરમાં લહેરાઈ રહેલા પાકનો નાશ કરવાની સત્તા પણ તેમને ચેપ રોકવાના નામે મળી જશે.
આ રાક્ષસી કાયદો અમલમાં આવી જશે તો સરકારી કર્મચારીઓ ઉપરાંત ખાનગી કંપનીના કર્મચારીઓને પણ આપણા આરોગ્યની રક્ષા કરવાના બહાને આપણને હેરાન કરવાની અમર્યાદ સત્તાઓ મળી જશે. આ કાયદો ભારતના સમવાય તંત્ર પર પણ પ્રહાર સમાન છે કારણ કે, તેમાં મહામારી જાહેર કરવાની સત્તા રાજ્ય સરકારના નહીં પણ કેન્દ્ર સરકારના હાથમાં સોંપવામાં આવશે. આ કાયદા હેઠળ કોઈ પણ સરકારી કે બિનસરકારી કર્મચારીઓ દ્વારા પ્રજા પર કોઈ પણ અત્યાચાર ગુજારવામાં આવશે તો દેશની કોઈ કોર્ટ તે કર્મચારીની પરવાનગી વિના ફરિયાદ પણ દાખલ કરી શકશે નહીં.
આ સૂચિત કાયદા દ્વારા ન્યાયતંત્રની સત્તા પણ ઝૂંટવી લઈને સરકારના હાથમાં સોંપવામાં આવશે. આ કાયદાના પરિપ્રેક્ષ્યમાં ‘વિશ્વ આરોગ્ય સંસ્થા’ દ્વારા વર્લ્ડ પેન્ડેમિક ટ્રિટીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જે મુજબ મહામારીનો મુકાબલો કરવાને નામે દેશની સરકાર કરતાં વધુ સત્તા ‘વિશ્વ આરોગ્ય સંસ્થા’ને આપવામાં આવશે. દુનિયામાં ‘વન વર્લ્ડ ગવર્નમેન્ટ’ની સ્થાપના કરવાનો તખતો તૈયાર થઈ ગયો છે.