રિવારના ગૃહવ્યવહાર માટે અને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરવા માટે જેમ ભાઈને ભાઈની આવશ્યક્તા રહે છે તે જ રીતે પરિવારના આંતરિક વ્યવહારો, ગૃહકાર્યો, ગૃહસંચાલન વગેરે માટે દેરાણીને જેઠાણીની અને જેઠાણીને દેરાણીની આવશ્યક્તા રહે જ છે. જે એકમેક માટે ભૂજારૂપી બની બોજો વહન કરવામાં મદદગાર થઈ શકે છે. ઘરસંસારના આંતરિક બોજાને વિભક્ત કરવા માટે દેરાણી-જેઠાણીને એકમેકની જરૂર પડે જ છે. દેરાણી-જેઠાણીનો સંબંધ એ એક સિક્કાની બે બાજુનો છે. ઘર-પરિવારને જોડી રાખવાનું તથા કુટુંબના અને પરિવારના સંબંધો સાચવવા માટે એકમેકને અનુરૂપ બનીને જીવતાં પાસાં એ દેરાણી-જેઠાણીનો સંબંધ.
સાસુમાના મનમાં પોતાની પુત્રવધૂ લાવવાના કોડ જાગતા હોય છે. તેમ જેઠાણીને પણ પોતાના લાડકા નાના દિયરિયા માટે દેરાણી લાવવાના મીઠા કોડ હોય છે. વળી મનમાં એ પણ હોંશ હોય છે કે મને મારી નાની બહેન મળ્યાનો સંતોષ થશે. હું એને મારી નાની બહેનની જેમ રાખીશ અને અમે બંને સમગ્ર પરિવારને સ્વર્ગસમાં સુખ-શાંતિ બક્ષી શકીશું. જેઠાણી આવા વિચારે જ દેરાણી લાવવા થનગનતી હોય છે.
આજે સમાજમાં વિભક્ત કુટુંબપ્રથાએ જોર પકડ્યું છે ત્યારે દેરાણી-જેઠાણીના સંબંધોનાં સમીકરણો પણ બદલાયાં છે. વિભક્ત કુટુંબોની પાછળ કંઈક અંશે દેરાણી-જેઠાણીના સંબંધો પણ જવાબદાર છે. તો બીજી બાજુ વિભક્ત કુટુંબમાં દેરાણી-જેઠાણી વચ્ચે ખટરાગ પણ પ્રમાણમાં ઓછો થાય છે એટલે કે દેરાણી- જેઠાણીના સંબંધોમાં મધુરતા વધી છે.
હું એક પરિવારમાં રહેતાં દેરાણી-જેઠાણીને સારી રીતે જાણું છું. જેઠાણી સુજાતાને તેની બે દેરાણીઓ છે. તે કહે છે, ‘મને આજ સુધી અમારો સંબંધ દેરાણી-જેઠાણી જેવો લાગ્યો જ નથી.
અમે ત્રણેય સાથે હોઈએ તો અમારે બીજી કોઈ વ્યક્તિની જરૂર રહેતી જ નથી. પ્રસંગોમાં હંમેશાં સાથે જ હોઈએ. મોટા ભાગે બાળકોનાં કપડાંની અને ઘરની વસ્તુઓની ખરીદી કરવા અમે સાથે જ જઈએ છીએ. મારી બંને દેરાણીઓ ઉષ્મા અને સુષ્મા પોતાની મુંઝવણોની ઘણી વાર મારી સાથે ચર્ચા પણ કરે છે અને હું પણ મારી વાતો તેમની સાથે શેર કરું છું. અમે ત્રણેય એકબીજા સાથે હળી-મળીને આનંદથી રહીએ છીએ.’
દેરાણી ઉષ્મા અને સુષ્મા કહે છે.- ‘અમારી જેઠાણી સાથે અમારે સખી જેવો સંબંધ તો ખરો જ પણ મોટી બહેન જેવી લાગણી તેમનામાં વધુ જોવા મળે છે. સાથે હોઈએ ત્યારે ઘણી વખત મતભેદ થાય પણ મનભેદ રાખતા નથી. જેમ બહેનોમાં મીઠો ઝઘડો થાય અને પછી એક થઈ જતાં હોય છે, તેમ અમે પણ હંમેશાં સાથે જ હોઈએ છીએ. અમારી જેઠાણી પાસેથી અમને કુટુંબ અને સમાજનાં સગપણો અને રીતિરિવાજો વિશે જાણવા-સમજવા મળે છે. અમે ક્યાંક ગુંચવાઈએ તો તે અમને રસ્તો શોધી આપે છે. રવિવારે કે રજાના દિવસોમાં અમે સાથે ફરવા જઈએ છીએ. અમારા બાળકો એકબીજા સાથે ઘણી લાગણીઓ ધરાવે છે.’
અમારી પાડોશમાં એક ફેમિલીમાં રહેતાં જેઠાણી માયાબેન પોતાની દેરાણી નીતુના વખાણ કરતા થાકતાં નથી. તેઓ કહે છે, ‘નીતુ એટલે મારી જાણે સગી બહેન. મારો વરસ પહેલાં અકસ્માત થયો હતો અને આજે પણ હું બરાબર હલન-ચલન કરી શકતી નથી. મારા પતિ અને બાળકોને, મારા પિયરનાને તકલીફ ના પડે એટલે મારી બહેન જેવી દેરાણી મને તેના ઘરે લઈ આવી. તેમણે વરસ સુધી મારી સેવા કરી ચાલતી કરી છે. મારે મન મારા અંગત સગાં કરતાં પણ વિશેષ છે. અમારા મન એકબીજા સાથે મળી ગયા છે.’ દેરાણી નીતુએ પણ જેઠાણીના દીકરાના લગ્નમાં બધી ખરીદી, કામની જવાબદારી હોંશે હોંશે ઉપાડી પ્રસંગને પાર પાડ્યો હતો. તે માને છે કે દેરાણીની છાયા હેઠળ ખૂબ સુખી છીએ.
ઘણાં કુટુંબોમાં દેરાણી-જેઠાણીની પ્રેમાળ જોડી જોવા મળે છે. ઘરમાં આવનારા મહેમાનને પણ ખ્યાલ ન આવે કે બંને દેરાણી-જેઠાણી હશે. બલકે બંને બહેનો જ છે એમ માની લે છે. એકના સુખે સુખી અને દુ:ખે દુ:ખી બનીને જીવતી દેરાણી- જેઠાણીની એકતાને કારણે બંનેના પતિઓ, સાસુ-સસરા વચ્ચે એટલો મનમેળ વધવા માંડે છે કે, જેથી કુટુંબમાં ક્યારેય ઝધડો થતો નથી. બાળકોની સંભાળ પણ એ રીતે લેવાય છે કે બાળકને પોતાને ય ખબર ન પડે કે પોતાની માતા કોણ છે? તેઓ પણ આખો દિવસ ‘મોટી મમ્મી’, ‘નાની મમ્મી’ના નામે પુકારતા હોય છે. આટલી ગહન કુટુંબ ભાવનાને હૃદયપૂર્વક પ્રેમ કરીને જીવન જીવતી આ દેરાણી-જેઠાણી કુટુંબને એક તાંતણે જોડી રાખે છે. બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ સમજી તેને જીવનભર ટકાવી રાખે છે.
કુટુંબને સંયુક્ત પ્રથામાં જીવાડતા દેરાણી-જેઠાણીનાં આ પાત્રોની વાત જોઈ, પણ આ જ દેરાણી-જેઠાણી કુટુંબને વિભક્ત કરવામાં સુંદર ભાગ ભજવે છે. આજના 21 સદીમાં જીવાતા ગૃહજીવનમાં બંનેનો પરસ્પર સ્નેહ ભાગ્યે જ જોવા મળે છે. જ્યારે જ્યારે ભેગા મળે ત્યારે ત્યારે લગભગ કજિયો થાય. સાસુ મને જ બધું કામ સોંપ્યા કરે, દેરાણીને કેમ નહીં? દિયર વધુ કમાય છે – સાથે દેરાણી વધુ દહેજ લાવી એટલે એ માનીતી અને જેઠાણીના પતિ ઓછું કમાય પિયર પૈસેટકે સાધારણ એટલે એ સાસુને મન અળખામણી. ખાવામાં-પહેરવામાં મને આ મળ્યું, તેને તે મળ્યું-તેવી સ્પર્ધાઓ રહે છે.
નાનામાં નાની વાતથી માંડીને મોટી વાત સુધી ઈર્ષ્યાખોર પ્રકૃતિથી તેઓ અંતરમાં પરસ્પર સળગ્યા જ કરે છે. નાનાં-નાનાં બાળકો ખાવાની નાની અમથી ચીજો આપવામાં પણ એકબીજાની વૃત્તિનું પ્રદર્શન કરે છે અને તે બાળકની માને ખબર પડતાં જ તે લડવા તૈયાર થઈ જાય છે. છોકરાંઓ પરસ્પર રમતાં-રમતાં લડી પડે તો તેની પાછળ માતાઓ (દેરાણી-જેઠાણી) લડવામાં બાકી રાખતી નથી. પછી આ ઝઘડો પુરુષોમાં એટલે બે ભાઈઓમાં શરૂ થાય છે.
ધીમે ધીમે બંને ભાઈઓના પરસ્પર સ્નેહ આવી નાની નાની બાબતોમાં બળીને એટલી હદે પહોંચે છે કે છૂટા હાથની મારામારી, ગાળાગાળી અને ખૂનખરાબી સુધી પણ પહોંચે છે. તેનું નિમિત્ત સ્ત્રીઓ દેરાણી-જેઠણી બને છે. કેટલાક કિસ્સાઓ તો એવા બને છે, ભાઈ-ભાઈઓ કોર્ટે ચઢે છે. જ્યાં સુધી ભાઈઓ પરણ્યા ન હોય, ત્યાં સુધી તેમનો પ્રેમ-સ્નેહભાવ ખૂબ જ ગાઢ હોય છે. એક વહુ આવે ત્યાં સુધી બરાબર બીજી વહુ આવતા જ દેરાણી-જેઠાણીના ઝઘડા ધીમે ધીમે શરૂ થઈ જાય છે.
આવી સ્થિતિ પેદા થવા પાછળ સાસુની અણઆવડત કે વહુઓ વચ્ચેની અસમાનતા એ ઝઘડાનું બીજ હોઈ શકે. બંનેએ માયાળુ થવું ઘટે. આટલું લક્ષ અપાય તો બાકીની બીજી વસ્તુઓ તો સાવ ગૌણ જ થઈ જાય. દેરાણી-જેઠાણી આવા ભાવથી બંને બહેનોની જેમ રહે તો કુટુંબ કલહ ન થાય અને ગૃહસ્થાશ્રમના દરેક કાર્યમાં સરળતા રહે.
મારી બહેનો! તમે પણ કોઈકના ઘરમાં દેરાણી-જેઠાણી હશો.
તો વાચકમિત્રો! જેઠાણીના અનુભવમાંથી દેરાણીએ ઘણું બધું શીખીને આગળ વધવાનું છે. તેથી જેઠાણીને મોટી બહેન સમજીને વર્તવું. જેઠાણીએ પણ દેરાણીને નાની બહેન સમજી બધી ભૂલો માફ કરી દેવી. બીમારીમાં એકમેકનો પરિવારને સાચવી લેવાની ભાવના ઉત્કટ બને છે. એકમેકના સહકારથી ઘર-જીવનને સર્વાંગ સુંદર બનાવી શકાય છે. આખું કુટુંબ જો સંયુક્ત ભાવનાથી રહે તો આર્થિક દ્રષ્ટિએ ખૂબ મોટો ફાયદો છે. વળી ઘરની નારી શક્તિઓ સાસુ, દીકરી, દેરાણી, જેઠાણી ભેગી થાય એટલે કૌટુંબિક શક્તિ પણ અનેક ગણી વધવા પામે છે. આજે દેરાણી-જેઠાણીના સંબંધોમાં મધુરતા આવી છે. આ મધુરતા કુટુંબને એક તાંતણે બાંધે છે, તો બે ભાઈઓ વચ્ચેના પ્રેમને સમજી તેને જીવનભર ટકાવી રાખી સંપ-એકતા સાચવી રાખવાનું મોટું કામ કુટુંબમાં કોણ કરી રહ્યું છે?
દેરાણી-જેઠાણી…!
સુવર્ણરજ
માત્ર પોતાને માટે જ નહીં
અન્યોને માટે પણ જ્યાં હૃદય
ધબકતા હોય તે ઘર….!