બારડોલી: ગ્લોબલ વોર્મિંગની (Global Warming) અસર કેરીના (Mango) પાક પર જોવા મળી રહી છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી દરમિયાન ભારે ધુમ્મસ અને કમોસમી વરસાદને (Rain) કારણે કેરીના મોરને નુકસાન થવાથી કેરીની સિઝન મોડી શરૂ થઈ છે. હાલ બજારમાં પણ ખૂબ જ ઓછી માત્રામાં કેરી જોવા મળી રહી છે. બીજી તરફ બે દિવસ પહેલા પડેલા વરસાદી ઝાપટાંને કારણે ખેડૂતોની (Farmer) પણ ચિંતિત બન્યા છે.
- પાકી કેરીમાં ઈયળ પડતાં તે ખાવાલાયક પણ રહી નથી
- બજારમાં કેરીનો વધુ ભાવ સામાન્ય લોકોની પહોંચ બહાર
ફળોના રાજા કેરી લોકોને ખાવા માટે તો દુર્લભ થઈ છે. પરંતુ વેપારી અને ખેડૂતોને પણ રડાવી રહી છે. ખાસ કરીને વેપારીઓ આંબા પર મોર આવવાની શરૂઆત થાય ત્યારે જ આંબાવાડી ભાડે રાખી લેતા હોય છે. મોરને જોઈને ભાવ નક્કી કરી ખેડૂતોને ચૂકવી દેવામાં આવે છે. આ વખતે આંબા પર મોર સારા પ્રમાણમાં આવતા ખેડૂતો અને વેપારીઓને પર કેરીની સિઝન સારી રહેવાની આશા બંધાઈ હતી. પરંતુ જાન્યુઆરી ફેબ્રુઆરી દરમિયાન ભારે ધુમ્મસ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતો અને વેપારીઓની આશા પર પાણી ફરી વળ્યું હતું. તેમ છતાં દવાનો છંટકાવ કરી પાકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ધુમ્મસ અને વરસાદને કારણે મોર નીચે ખરી પડ્યો હતો. તો કેટલીક જગ્યાએ મોર કાળો પડી જવાથી કેરીના પાકને મોટું નુકસાન થયું હતું. કમોસમી વરસાદ અને ધુમ્મસને કારણે કેરીનું ફળ પણ મોડું થતાં મેનો અંતિમ સપ્તાહ ચાલી રહ્યો હોવા છતાં ખૂબ જ ઓછી માત્રામાં કેરી બજારમાં આવી છે. જેને કારણે લોકોને કેરી ખાવા મળી શકી નથી.
વરસાદ અને ધુમ્મસને કારણે પાકી કેરી બગડવાની પણ શક્યતા વધી ગઈ છે. પાકી કેરીમાં ઈયળ પડતાં તે ખાવાલાયક પણ રહી નથી. બજારમાં પણ ઘણી કેરીનો ભાવ વધુ હોવાથી આ વખતે કેરી ખાવું સામાન્ય લોકો માટે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.
સુરતીઓને આ વર્ષે કેરી ખાવા જ નહી મળશે કે શું? જુનમાં પણ આટલી જ કેરી આવશે
સુરત: વાતાવરણ(Atmosphere)માં આવેલા બદલાવને કારણે તેમજ વિતેલા બે દિવસમાં સવારના સમયે દક્ષિણ ગુજરાત(South Gujarat)માં પડેલા માવઠાને કારણે કેરી(Mango)ના પાકને ભારે નુકસાન(lose) થયું છે. પરિણામે આ સિઝનમાં સુરતી(Surat)ઓ સારી કેરી ખાઇ શક્યા નથી. બજારમાં મે મહિનાનાં અંત ભાગમાં આવી જતી કેસર કેરી આ વખતે 10 દિવસ મોડી આવશે તેવું ખેડૂત અગ્રણીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે. સુરત ઉપરાંત તાપી, નવસારી, વલસાડ ડાંગ જિલ્લામાં 50 હજાર વધુ હેક્ટર જમીનમાં પથરાયેલી આંબાવાડીઓમાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકને આ સિઝનમાં નુકસાન થયું છે. જેના કારણે પણ કેરીની સિઝન આ વખતે મોડી પડી છે.
શહેરની બજારોમાં હાલ ગીર તાલાલાની કેસર કેરી, મહારાષ્ટ્ર-સતારા અને નાસિકની આફૂસ તેમજ ઉત્તર પ્રદેશની તોતા કેરી વેચાઇ રહી છે. દર વર્ષે મે મહિનાના પહેલા અઠવાડિયામાં અલગ-અલગ રાજ્યથી તેમજ દ.ગુજરાતની વલસાડી આફૂસ તેમજ કેસર કેરી વેચાણ અર્થે આવી જતી હોય છે. પરંતુ આ વર્ષે સુરતીઓને ફળોના રાજા કેરીનો સ્વાદ ફિક્કો પડ્યો છે. કેસર કેરીની ડિમાન્ડ વધારે રહે છે. પરંતુ કેસર કેરીની સિઝન આ વખતે 10 દિવસ મોડી પડી છે. કમોસમી વરસાદને કારણે 60થી 70 ટકા જેટલો કેરીનો પાક બગડ્યો છે. વલસાડી આફૂસ, લંગડો તેમજ કેસર કેરી હજી બજારમાં વેચાવા માટે આવી નથી. જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં કેસર સહિતની દ.ગુજરાતની કેરી બજારમાં આવશે.