સુરત: સુરત(Surat) શહેરના માત્ર 16 વર્ષના દોડવીર(Runner) અનિષ રાજપૂતે હાલમાં ડિસ્ટ્રીક્ટ લેવલે ખેલ મહાકુંભ(Khel mahakumbh)ની 1500 મીટર અને 3 કિમીની દોડની સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવ્યો હતો અને આવતીકાલે તે સ્ટેટ લેવલની ખેલ મહાકુભમાં ભાગ લેવા જઇ રહ્યો છે. અનિષે આ બંને ઇવેન્ટમાં પ્રથમ ક્રમે આવ્યો તેમાં મહત્વની વાત એ છે કે તેને હેમસ્ટ્રીંગ ઇન્જરી થઇ હોવા છતાં તેણે આ બંને ઇવેન્ટ જીતી હતી. હાલમાં પણ તે ઘાયલ જ છે અને તેના કોચ તેમજ ફિઝિયોએ તેને ના પાડી હોવા છતાં આવતીકાલે તે સ્ટેટ લેવલની ખેલ મહાકુંભ સ્પર્ધામાં ભાગ લેવાનો છે.
- ‘મન કે જીતે જીત તુમ્હારી, મન કે હારે હાર’ પંક્તિને સાર્થક ઠેરવતો સુરતનો અનિષ રાજપૂત
- મિત્ર વર્તુળમાં મિલ્ખા ઉપનામ ધરાવતા અનિષે હેમસ્ટ્રીંગ ઇન્જરી હોવા છતાં ખેલમહાકુંભમાં 1500 મીટર અને 3 કિમીની દોડમાં પહેલા સ્થાને આવ્યો
- માત્ર 16 વર્ષની વયનો અનિષની ઇજા હજુ સંપૂર્ણપણે સારી નથી થઇ અને કોચ-ફિઝિયોની ના છતાં આજે સ્ટેટ લેવલ ખેલ મહાકુંભમાં તે ભાગ લેશે
પોતાના મિત્ર વર્તુળમાં ‘મિલ્ખા’ના ઉપનામથી જાણીતા અનિષ રાજપૂતે ટેલિફોનિક વાતચીતમાં ગુજરાતમિત્રને જણાવ્યું હતું કે ખેલ મહાકુંભ માટે છેલ્લા ત્રણ વર્ષથી તૈયારી કરતો હતો અને તેની ટ્રેનિંગ સતત ચાલતી જ હતી. જ્યારે સ્પર્ધા નજીક આવી તે સમયે જ મને હેમસ્ટ્રીંગ ઇન્જરી થવાની સાથે પગના નીચલા ભાગના સ્નાયુ ખેંચાઇ ગયા હતા. તબીબો તેમજ મારા કોચ અને ફિઝિયોએ મને ખેલ મહાકુંભમાં ભાગ લેવાની ના પાડી હતી. છતાં મને મનમાં વિશ્વાસ હતો તેથી હું પાટો બાંધીને અને પેનકિલર લઇને દોડીને મારી જીદ પર જ આ ઇવેન્ટ જીત્યો છું. તેણે કહ્યું હતું કે આવતીકાલે સાંજે નડિયાદમાં સ્ટેટ લેવલની ખેલ મહાકુંભમાં પણ હું મારી આ ઇજા સાથે જ ભાગ લેવાનો છું.
9મીએ ખેલમહાકુંભમાં ભાગ લેવા માટે 6મેએ બહેનના લગ્નમાં પણ હાજરી ન આપી
અનિષ રાજપૂતે કહ્યું હતું કે ડિસ્ટ્રીક્ટ લેવલની ખેલ મહાકુંભમાં મારી સ્પર્ધા 9મીમેના રોજ હતી અને એ સ્પર્ધાના કારણે હું મારી સગી બહેનના 6મેના રોજ યોજાયેલા લગ્નમાં હાજરી આપી શક્યો નહોતો. તેણે કહ્યું હતું કે લગ્નમાં ખાવામાં કાળજી ન રહે અને તેનાથી મારા પ્રદર્શન પર અસર પડે અને લગ્નમાં હોવાથી ઇવેન્ટ પર ધ્યાન ન આપી શકાય તેના કારણે હું આ લગ્નમાં ગયો નહોતો અને 14 દિવસ સુધી એકલો રહીને જાતે રાંધીને ખાધુ હતું. મને જમવાનું બનાવતા આવડતું ન હોવાથી યૂટ્યૂબ પર જોઇ જોઇને રાંધીને મેં ખાધુ હતું એવું તેણે ઉમેર્યું હતું.