સુરત: (Surat) આ વખતે ધારણા કરતાં વહેલા જ ચોમાસાનું (Monsoon) આગમન થઇ ચૂક્યું છે. આંદામાન નિકોબારમાં વરસાદની શરૂઆત બાદ ચોમાસું આગળ વધી રહ્યુ છે. દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસથી પ્રિ-મોન્સૂન (Pre Monsoon) એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. તેથી સુરત મનપાનું (SMC) તંત્ર પણ એલર્ટ (Alert) થઇ ગયું હોય, મંગળવારે મનપાના પદાધિકારીઓની હાજરીમાં મનપા કમિશનરે પ્રિ-મોન્સૂન કામગીરી બાબતે મીટિંગ લીધી હતી, જેમાં તા.24મી મેથી જ નવા ખોદકામને મંજૂરી નહીં આપવા મનપા કમિશનરે તાકીદ કરી દીધી હતી. સામાન્ય રીતે 1લી જૂનથી નવા ખોદકામોને મંજૂરી અપાતી નથી અને 10મી જૂન સુધીમાં તમામ કામો સેઇફ સ્ટેજ પર લઇ જવાના હોય છે.
- શાસકોની મમતના કારણે બે વર્ષથી ખાડીઓનું ડ્રેજિંગ ન થતાં આ વખતે ખાડીપૂરનું જોખમ તંત્ર માટે ચિંતાનો વિષય
- શહેરમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વહેલી શરૂ થતાં તાબડતોબ મીટિંગ બોલાવાઈ, અન્ય વિભાગોને પણ હાજર રખાયા
શહેરમાં હાલની સ્થિતિ એવી છે કે, મેટ્રો તેમજ પાણી અને ગટર લાઇન તેમજ બ્રિજનાં કામો ચાલતાં હોવાથી ઠેર ઠેર ખોદકામ થયેલાં છે. આવી સ્થિતિમાં જ ચોમાસાના વહેલા આગમનની શક્યતા અને શહેરમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ જતાં તંત્ર સફાળું જાગ્યું છે. તેથી મહાનગર પાલિકાના તંત્રએ પ્રિ-મોન્સૂનને લઇ તાબડતોડ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, મનપા કમિશનર, સેન્ટ્રલ વોટર કમિશન, સિંચાઇ વિભાગ તથા પાલિકાના તમામ ઝોનના અધિકારીઓ, વિવિધ વિભાગના ડિપાર્ટમેન્ટ હેડ હાજર રહ્યા હતા. આ બેઠકમાં હવે પછીથી રોડ-રસ્તા પર નવાં ખોદાણો ન કરવા સૂચના અપાઇ છે. આ માટે ગેસ તથા પાવર કંપનીઓને તાકીદે જાણ કરવા જણાવાયું છે.
જો કે, મનપાના વહીવટી તંત્રની મોટી ચિંતા એ છે કે, 2020ના ખાડીપૂરનાં બે વર્ષ પછી મીઠી ખાડી ડ્રેજિંગ થઇ નથી. બે વાર ટેન્ડરો મંગાવ્યાં અને બંનેવાર ટેન્ડરો શાસકોની મમતના કારણે દફ્તરે કરાયાં હતાં. આમ, ખાડી ડ્રેજિંગ ન થવાથી શહેર અને જિલ્લામાં ભારે વરસાદ થાય તો મીઠી ખાડીમાં પૂરનું સંક્ટ સર્જાઇ શકે છે. જે પાલિકા માટે ચિંતાનો વિષય બન્યો છે. પર્વત ગામ, સણિયાહેમાદ, મીઠી ખાડી કિનારેવાળા વિસ્તારના લોકો સાથે બેઠક કરી તકેદારીનાં પગલાં લેવા તમામ ઝોનના અધિકારીઓને સૂચના અપાઇ છે. ખાડીમાં સફાઇ માટે પોકલેન મશીનો મૂકવામાં આવ્યાં હોવાનું કમિશનરે જણાવ્યું હતું.
પાંચમી સુધીમાં રસ્તા અને 31મી સુધીમાં તમામ કામો સેઇફ સ્ટેજ પર લઇ જવા આદેશ
હાલમાં કોટ વિસ્તાર સહિત ઠેર ઠેર પાણી-ડ્રેનેજ સહિતનાં કામો ચાલતાં હોવાથી ખોદકામોનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. ત્યારે આ કામો ૩૧ મે સુધીમાં તાત્કાલિક ધોરણે સેઇફ સ્ટેજ પર લઇ જવા સૂચના આપવામાં આવી છે. રોડનાં પેચ વર્કનાં કામો મહત્તમ ૫ જૂન સુધીમાં પૂર્ણ કરી લેવા જણાવાયું છે. વરસાદમાં રોડ પર ખાડા પડી જાય એ માટે પેચવર્કની કામગીરી ઝડપથી થઇ શકે એ માટે ઝોનવાઇઝ 1-1 પેચર મશીન મૂકવામાં આવશે. નોંધનીય છે કે, બેઠકમાં સૂચના બાદ સમયમર્યાદામાં કામો નહીં થાય તો જ્યાં ખોદકામો થયાં છે. તેવા કોટ સહિતના વિસ્તારોમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવશે.
આ વખતે 10 જૂનથી કંટ્રોલ રૂમ શરૂ થઈ જશે
સામાન્ય રીતે સુરત મનપા દ્વારા 15મી જૂનથી તમામ ઝોનમાં ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવે છે. પરંતુ આ વખતે વહેલા ચોમાસાના કારણે મનપા દ્વારા 10 જૂનથી ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવશે તેવું મનપા કમિશનરે જણાવ્યું હતું. ઉપરાંત દર વખતની જેમ આ વખતે પણ ઝોનવાઇઝ અલગ અલગ વોટ્સએપ ગ્રુપ બનાવી ફ્લડ સંબંધિત માહિતી સમયાંતરે અપલોડ કરવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં સિંચાઇ વિભાગ, સેન્ટ્રલ વોટર કમિશનને સંકલનમાં રહી ઉકાઇ ડેમના કેચરમેન્ટ એરિયા મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રના વિવિધ ડેમ તથા વરસાદની સ્થિતિની માહિતી સમયાંતરે ઓનલાઇન મળી રહે એ માટે સૂચના આપી હતી.