ભરૂચ: (Bharuch) ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ (Narmada Maiya Bridge) પર સતત ત્રણ દિવસથી અંધારપટ છવાતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. અંકલેશ્વર-ભરૂચ વચ્ચે નિર્માણ પામેલા નર્મદા મૈયા બ્રિજ શરૂ થયાને માંડ ૬ મહિના જેટલો સમય થયો છે, ત્યારે આ બ્રિજ પર મૂકવામાં આવેલી લાઇટો સતત ત્રણ દિવસથી બંધ હોવાને પગલે ચાલકોને હાલાકી પડી રહી છે. જો કે આ અગાઉ પણ એક વખત રાત્રે લાઈટ (Light) બંધ રહી હતી.
- છ મહિના પહેલા જ ખુલ્લો મુકાયેલા નર્મદા મૈયા બ્રિજ પર અંધારપટ
- ત્રણ દિવસથી લાઈટો બંધ હોવાથી ચાલકોને હાલાકી, લાઈટો તાત્કાલિક ચાલુ કરાવવા માંગ
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર વાહનોનું ભારણ વધતાં અકસ્માતની ઘટનાઓ પણ દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે આ બ્રિજ ઉપર મુકવામાં આવેલી લાઈટો સતત ત્રણ દિવસથી બંધ હોવાની બુમરાણ ઉઠી છે. અકસ્માત ઝોન તરીકે પ્રચલિત આ બ્રિજ પર લાઇટોનો અભાવ અકસ્માતોને વધુ આમંત્રણ આપી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા બંધ પડેલી લાઈટો તાત્કાલિક ચાલુ કરાવવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઉભી થઇ છે.
ભરૂચ જિલ્લા નેશનલ હાઈવે પર સર્વિસ રોડ બનાવી આપવા માંગ
ભરૂચ: નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ભરૂચ જિલ્લામાં જ્યારે પણ નેશનલ હાઇવેનું કામ થયું ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોના અવરજવરના માર્ગનો ઉપયોગ કરાયો હોવાની ફરિયાદ લોકોના મનમાં ઉઠી રહી છે. ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતી ચેરમેન દ્વારા ફરી એકવાર આ અંગે પ્રદેશ ભાજપ પ્રમુખને રજૂઆત કરી છે.
ભરૂચ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન તેમજ ઝાડેશ્વર ના પૂર્વ સરપંચ નરેશ પટેલ દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલને તાજેતરમાં જ રજૂઆત કરાઈ છે કે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ છે. ભરૂચ જિલ્લાના હલદરવા-કવિઠા અને ઓસારા ગામથી લઇ અંગારેશ્વર સુધી કામદારો દ્વિચક્રી વાહનો ઉપર અવરજવર કરે છે. આ તમામ કામદારો દ્વિચક્રી વાહનો ઉપર અવરજવર કરે છે અને તેમણે ન્યાયમંદિર હોટલ પટેલ ની વાડી હોટલ જેવા વિસ્તારોમાં રોંગ સાઈડ પર વાહનો હંકારી ને જવું પડે છે જેમાં અત્યાર સુધીમાં કેટલાય અકસ્માતો સર્જાયા છે અને અનેકના મોત પણ નિપજ્યા છે. વડદલા ગામના ક્રોસિંગ પાસે સૌથી વધુ અકસ્માતો સર્જાયા છે. ન્યાયમંદિર હોટલ થઈ શ્રીનાથજી ટાવરથી સરકારી રસ્તો આવેલો છે. જે સ્વામિનારાયણ મંદિરથી નીકળી સીધો હલદરવા ગામને મળે છે. જો એને સુરક્ષિત બનાવી શકાય તો 20 ગામના લોકોને આ રસ્તાનો ફાયદો મળી શકે છે.