3 જૂનના રોજ કમલ હસનની ચર્ચાસ્પદ ફિલ્મ‘વિક્રમ’ રિલિઝ થઈ રહી છે અને તેનું ટ્રેલર પણ આવી ચૂક્યું છે. અત્યારે આ ફિલ્મનું પ્રમોશન થઈ રહ્યું છે અને થોડા દિવસમાં યૂટ્યુબ ચેનલ ‘વિલેજ ફૂડ ફેક્ટરી’ પર તેનું પ્રમોશન થવાનું છે. ‘વિલેજ ફૂડ ફેક્ટરી’ રસોઈના વીડિયો માટેનું ખૂબ જાણીતું પ્લેટફોર્મ છે. તેના સબસ્ક્રાઈબરની સંખ્યા 45 લાખની આસપાસ છે. મતલબ કે જે ફિલ્મનું મેકિંગ કરોડો રૂપિયાનું છે તેના પ્રમોશન માટે હવે પરંપરાગત જ નહીં; બલકે આઉટ ઑફ બોક્સ પ્રમોશનનો વિચાર અમલમાં લાવ્યા છે.
આવું કરવાનું કારણ એક જ છે કે ‘વિલેજ ફૂડ ફેક્ટરી’ પાસે ડેડિકેટેડ સબસ્ક્રાઈબર છે, જ્યાં ફિલ્મનો પ્રચાર થાય તો તે ફિલ્મને વધુ વ્યૂઅર્સ મળશે. ‘વિલેજ ફૂડ ફેક્ટરી’ આટલું જાણીતું પ્લેટફોર્મ બન્યું તે અરૂમુગમ નામના વ્યક્તિની રસોઈકળાના કારણે. તેને યૂટ્યુબ પર પ્રચલિત કરનાર અરૂમુગમના જ દીકરા ગોપીનાથ છે. યૂટ્યુબ પર આવાં દેશ-વિદેશના અનેક ફૂડ બ્લોગર છે જેઓ આ રીતે રસોઈ બનાવીને અથવા તો દેશના શ્રેષ્ઠ ફૂડ પ્લેસને દર્શાવીને જાણીતા બન્યા છે. અરૂમુગમ જેમ તમિલનાડુના છે, તેમ ત્યાંનું બીજું એક પ્લેટફોર્મ યૂટ્યુબ પર ખાસ્સું જાણીતું બન્યું છે અને તેનું નામ છે ‘વિલેજ કૂકિંગ ચેનલ.’ આ ચેનલ માટે પરિવારના પાંચ સભ્યો જ વિવિધ વ્યંજન બનાવવાના વીડિયો બનાવે છે.
‘વિલેજ કૂકિંગ ચેનલ’ના સભ્યોની સંખ્યા 15 લાખની નજીક પહોંચી ગઈ છે અને તેથી જ જ્યારે રાહુલ ગાંધી જાન્યુઆરી 2021માં તમિલનાડુ ગયા હતા ત્યારે આ ચેનલની ટીમ સાથે તેઓ પણ રસોઈ બનાવવામાં સામેલ થયા હતા. ‘વિલેજ કૂકિંગ ચેનલ’ સારી એવી કમાણી પણ કરે છે; એટલે જ કોવિડના રિલિફ ફંડમાં તમિલનાડુ સરકારને 10 લાખ રૂપિયાની તેઓ મદદ કરી શક્યા હતા. તેઓને અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે. રસોઈ બનાવીને તેઓએ નામ અને દામ મેળવ્યું છે.
ફૂડ વ્લોગર્સ કે બ્લોગર્સ માટે આ બે જ દાખલા કાફી છે. જો કે આ બંને યૂટ્યુબર્સની વિશેષતા એ છે કે તેઓ ખુલ્લા મેદાનમાં જમવાનું બનાવે છે. અને સામાન્ય રીતે આપણે વ્યંજન બનાવવાનું રસોઈઘરમાં જોતાં હોઈએ છીએ તેમ નથી, બલકે તેઓ સમૂહ ભોજન કરવાનું હોય તે રીતે રસોઈ બનાવે છે. ઉપરાંત, પારંપરિક રસોઈની શૈલીને વળગી રહે છે. આધુનિક રસોઈના સાધનો પણ ઉપયોગમાં લેતા નથી. નોન-વેજિટેરિયન માટે આ બંને વ્લોગ ખાસ ભલામણ થઈ શકે તેવાં છે.
એક સમયે આપણને દૂરસુદૂરના વ્યંજનોના સ્વાદ ભાગ્યે જ માણવા મળતો. દક્ષિણ ભારતીય અને ઉત્તર ભારતની ખાસ કરીને પંજાબની વાનગીઓએ ગુજરાતમાં લોકપ્રિયતા મેળવી. પરંતુ દેશના જુદા જુદા ભાગોમાં થતાં વ્યંજનો ભાગ્યે જ અહીં જોવા મળ્યા છે. પરંતુ હવે યૂટ્યુબના કારણે દેશભરના વ્યંજનો હાથવગા છે અને તે કેવી રીતે બનાવી શકાય તે પણ જાણી શકાય છે. એટલે હવે આ વ્યંજનો ઘરે બનાવવાના પ્રયોગ પણ થઈ શકે છે. જેમ ‘વિલેજ ફૂડ ફેક્ટરી’ અને ‘વિલેજ કૂકિંગ ચેનલ’પરંપરાગત રસોઈ બનાવે છે તેવી રીતે યમન અગ્રવાલનું પ્લેટફોર્મ છે ‘કૂકીંગશૂકીંગ’. મૂળ હૈદરાબાદના યમનને બાળપણથી જ કૂકીંગનો શોખ હતો અને તેની મમ્મી જ્યારે રસોઈ બનાવતી ત્યારે તે કલાકો સુધી રસોઈમાં ઇન્વોલ્વ રહી શકતો. આ રીતે તેનો રસોઈ પ્રત્યેનો રસ કેળવાતો ગયો અને તેનું સંશોધન કરવા સુધી તે પહોંચ્યો. તેણે સૌ પ્રથમ હૈદરાબાદના શ્રેષ્ઠ ફૂડને જાતે બનાવવાનો પ્રયાસ કર્યો.
અને પછી તેમાં પ્રયોગ કરતો રહ્યો. આ રીતે તેણે રસોઈ બનાવવાની તેની નવી પદ્ધતિ વિકસાવી. આજે યૂટ્યુબ પર તેના લાખોમાં ફોલોઅર્સ છે અને રમત રમતમાં તે સારી રસોઈ બનાવી શકે છે. આપણે ત્યાં ફૂડમાં નવું નવું કરવાનો ખૂબ અવકાશ છે અને આ અવકાશને ફૂડ બ્લોગર્સે ભર્યો છે. સોશ્યલ મીડિયા અગાઉ ટેલિવિઝન પર ફૂડ શો આવતા હતા અને તેમાં ખૂબ મર્યાદિત વાનગીઓ જોવા મળતી હતી. ગુજરાતના ચેનલ વ્યૂઅર્સને પણ માત્ર રાજ્યના ફૂડ આ શોમાં જોવા મળતા, પરંતુ હવે આ ક્ષેત્રમાં દેશભરના ફૂડને જગ્યા મળી છે. નિશા મધુલિકા એવું જ એક નામ છે. તેઓ શેફ અને અનેક રેસ્ટોરાંના કન્સલ્ટન્ટ છે. તેમની ફૂડ પરની કોલમ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં અવારનવાર આવે છે.
ઉત્તર પ્રદેશના મૂળ નિશા એકલવાયાપણાંની બીમારીથી પીડાય છે. અને તેમાંથી બહાર નીકળવા તેમણે આ રીતે યૂટ્યુબ ચેનલ શરૂ કરી અને તે પોપ્યુલર બની. તેઓ ભારતના ટોપ યૂટ્યુબ શેફમાં સામેલ છે અને તેમને અનેક એવોર્ડસ પણ મળ્યા છે. તેમના સબસ્ક્રાઈબરની સંખ્યા એક કરોડની આસપાસ છે. યૂટ્યુબનું આવું જ એક પ્લેટફોર્મ અનુભવ સપ્રા ચલાવે છે. તેઓ ‘ધ દિલ્હી ફૂડ વોક’માં પોતાના ફૂડ સંબંધિત અનુભવ શેર કરે છે. કોલેજકાળથી જ તેમને જુદા જુદા વ્યંજનો ખાવાનો શોખ હતો અને એ રીતે તેમણે દિલ્હીના મોટા ભાગની નાસ્તાની જગ્યા શોધીને લોકો સમક્ષ તેની વાતો મૂકી. તેઓના સબસ્ક્રાઈબરની સંખ્યા દસ લાખની છે.
અને તેમને દરેક ફૂડ સાથે જોડાયેલી સ્ટોરીમાં વિશેષ રસ છે, જેને તે પોતાના વીડિયોમાં સરસ રીતે બયાન કરે છે. આમાં એક નામ અમર સિરોહી છે તેઓ મેરઠના છે અને હવે દિલ્હી રહે છે. પણ તેઓ દેશભરમાંથી જ્યાં જ્યાં ફૂડમાં કશુંક વિશેષ હોય તેનો વીડિયો બનાવી યૂટ્યુબથી માંડીને બધા જ સોશ્યલ મીડિયા પર મૂકે છે. તેમના ફોલોઅર્સની સંખ્યા ફેસબુક પર 25 લાખની છે અને ઇનકારનેટ નામનું તેમનું પ્લેટફોર્મ છે જ્યાં તમને ફૂડને લઈને તદ્દન નવા વીડિયો જોવા મળશે. અમર સિરોહી ખૂબ ઓછા સમયના વીડિયો હોય છે અને તેઓ પૂરી ફૂડની પ્રક્રિયાને ઝડપથી સરળ રીતે દર્શાવે છે. છેલ્લા ઘણા વખતથી અમર સિરોહી ગુજરાતભરની ફૂડ આઈટમના વીડિયો બનાવ્યા છે. 19 મેનો તેમનો એક વીડિયો સુરતની રિમઝિમ સેન્ડવીચનો છે. આ સેન્ડવીચની કિંમત 120 રૂપિયાની છે અને તેનું વજન એક કિલો જેટલું છે.
અમર સિરોહી વીડિયો એ રીતે નિર્માણ કરે છે કે ફૂડ આરોગવા માટે તમે લલચાવો. મહદંશે અમર સ્ટ્રીટ ફૂડને ફોલો કરે છે. જો કે અમર એવું માને છે કે ડિજિટલ વર્લ્ડમાં કશુંય સ્થાયી નથી. અહીં સતત લોકોની પસંદ બદલાતી રહે છે તેથી ટ્રેન્ડ સાથે રહેવું પડે છે. આજે જે કન્ટેન્ટ ચાલે છે, મહિના પછી તેનો કોઈ વ્યૂઅર ન પણ હોય. ડિજિટલ વર્લ્ડ પર શરમ રાખ્યા વિના પ્રયોગ કરતાં રહેવું તે જ ત્યાં ટકવાનો રસ્તો છે અને તે રીતે ટ્રેન્ડ સેટ કરી શકીએ તો ઉત્તમ છે એટલે અમર સિરોહી કે અન્ય બ્લોગર્સ કે વ્લોગર્સ માત્ર રસોઈ નિર્માણ કરવાનો કન્ટેન્ટ જ ક્રિએટ નથી કરતાં, બલકે તેઓ માર્કેટમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને ત્યાં તેઓ પોતાનું અસ્તિત્વ કેવી રીતે ટકાવી શકશે તેના પર પણ ધ્યાન આપે છે.
આ રીતે બ્લોગિંગ કરનાર પુજનિત સિંઘ પણ છે અને તેમનું યૂટ્યુબ પ્લેટફોર્મનું નામ ‘ભૂકાસાંડ’ છે. તેઓ ખાસ કરીને દિલ્હી અને ઉત્તરના રાજ્યોમાંથી અજાણી ફૂડ પ્લેસ શોધીને લોકો સમક્ષ મૂકે છે. તેઓ મહદંશે સ્ટ્રીટ ફૂડ દર્શાવે છે અને તેમાં તેમના વીડિયો લાંબા લાગી શકે એવા છે. જો કે કેટલીક જગ્યા વ્યૂઅર્સ સામે પુજનિત સિંઘે જ મૂકી આપી છે. આ નામોમાં હેરી ઉપ્પલ, વિશાલ શર્મા, કબિતાઝ કિચન, કરન દુઆ, તન્મય શર્મા અને અન્ય પણ ઘણાં નામો છે જેમના નામે લાખો સબસ્ક્રાઈબર બોલે છે. મૂળે પૂરી વાત અજાણ્યા વ્યંજનોની ઓળખ અને શક્ય હોય તો તેને ઘરે બનાવવાની છે. ગુજરાતમાંથી આવું નામ નિકુંજ વસોયાનું છે. તેઓ પણ પોતાના જામનગરમાં આવેલા ખિજડીયા ખાતે જ વિવિધ ગુજરાતી ફૂડ બનાવીને જાણીતાં બન્યાં છે. ફૂડ વ્લોગર્સ અને બ્લોગર્સની આ દુનિયા આવનારા સમયમાં હજુ પણ વિસ્તરશે.