હથોડા: પાલોદ પોલીસ ચોકી (Police Station) વિસ્તારના લીમોદરા ગામે દૂધમંડળીના પ્રમુખે મંડળીમાં ફેટ ઓપરેટરની (Fat Operator) નોકરી (Job) કરતા યુવાનને ફોન (Call) કરી ઘરે બોલાવી મોબાઈલ (Mobile) ચેક કર્યા બાદ પત્ની સાથે પ્રેમસંબંધનો વહેમ રાખી ઢોરમાર માર્યાની ફરિયાદ કોસંબા પોલીસમાં નોંધાઈ છે.
લીમોદરા ગામે રહેતા અને ગામની દૂધમંડળીમાં ફેટ ઓપરેટર તરીકે નોકરી કરતા સૂચિત મહેન્દ્ર પટેલને લીમોદરા ગામની દૂધમંડળીના પ્રમુખ રાહુલ હરકિશન પટેલે ફોન કરી પોતાના ઘરે બોલાવ્યો હતો. અને ફેટ ઓપરેટર સૂચિતનો મોબાઈલ ચેક કરતાં સૂચિતના મોબાઈલમાંથી રાહુલની પત્નીના મોબાઈલ વોટ્સએપમાં ‘હાય’ લખીને મોકલાયું હોવાનું જણાયું હતું. મોબાઇલ ચેટ જોયા બાદ રાહુલ હરકિશન પટેલે મગજનો પિત્તો ગુમાવી પોતાની પત્ની સાથે પ્રેમસંબંધનો વહેમ રાખી સૂચિતને ગાળો ભાંડી સૂચિનો મોબાઈલ ફોન જમીન પર પછાડી તોડી નાંખ્યો હતો અને સૂચિતને ઢીકામુક્કીનો તેમજ બેટ તથા ટિફિન વડે માર મારિયો હતો. એ જ સમયે રાહુલ પટેલના મિત્ર કમલ ભરત પરમાર અને પરેશ મનહર પટેલ ત્યાં આવી ચઢ્યા હતા. અને તેમણે પણ સૂચિતને ગાળો આપી ઢીકમુક્કીનો માર માર્યો હતો. અને ત્રણેય જણા સૂચિતને માર મારી કપડાં ફાડી નાંખી જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી છૂટ્યા હતા.
સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગત મુજબ ફેટ ઓપરેટરને માર મારનાર રાહુલ પટેલ વિરુદ્ધ અગાઉ એટ્રોસિટીના બે ગુના દાખલ થયા હતા. જેની સ્યાહી હજી સુકાઇ નથી, ત્યાં દૂધમંડળીના ફેટ ઓપરેટરને માર મારવાનો આ ત્રીજો ગુનો દાખલ થયો છે. કોસંબા પોલીસે બનાવ અંગે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બીલીમોરાના ગોંયડી ભાઠલામાં પત્ની સાથે આડા સંબંધ રાખનાર પ્રેમી ઉપર પતિએ હુમલો કરતા મોત
બીલીમોરા : બીલીમોરા નજીકના ગોંયડી ભાઠલા ગામે એક સપ્તાહ અગાઉ પત્ની સાથેના આડા સંબંધના પ્રકરણમાં પતિએ પ્રેમીને કુહાડીના ઘા કરી અધમુવો કરી નાખતા પ્રેમીનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે હત્યાની કલમ 302 નો ઉમેરો કર્યો છે.
છેલ્લા દસ વર્ષથી ગોંયડી ભાટલા ગામે રહેતા અશોક શંકરભાઈ પટેલની પત્ની પ્રતીક્ષાનું ગામમાં રહેતા સતીશ ધીરુભાઈ પટેલ સાથે અફેર ચાલતું હતું. જેની જાણ બંનેના પરિવાર સહિત ગામ લોકોને પણ હતી. આ કારણે અશોક પટેલે ગઈ તારીખ 15/5/2022 એ પત્નીના પ્રેમી સતીશ ધીરુભાઈ પટેલને રસ્તા વચ્ચે આંતરી કુહાડીનો જીવલેણ ઘા કરી ભાગી છુટ્યો હતો. ગંભીર ઈજા પહોંચતા સતીશ પટેલની સારવાર સુરત સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. અને તેની હાલત કટોકટ પણ હતી. જેને કારણે રવિવારની મોડી સાંજે સુરત સિવિલ હોસ્પિટલમાં સતીશ ધીરુભાઈ પટેલ (ઉ.40)નું મોત નીપજ્યું હતું. મરનારના મોટા ભાઈ નિલેશ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે બીલીમોરા પોલીસે આરોપી અશોક શંકરભાઈ પટેલની ધરપકડ કરી હતી. ત્યારે હવે સતીશ પટેલનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે અશોક શંકરભાઈ પટેલ વિરૂદ્ધ હત્યાની કલમ 302નો ઉમેરો કરી વધુ તપાસ પોસઈ ડીઆર પઢેરીયા કરી રહ્યા છે.