શનિવારે વિદ્યુત કાપ હોઈ બપોરે જમીને હું ગરમીને ડામવા વૃક્ષ નીચે હિંચકા પર બેઠો. સદ્નસીબે સમીરનો સથવારો હતો. ત્યાં જ મામા મજૂરોની પલટન સડક સમારવા આવી પહોંચી. ૬-૭ યુગલો અને બાળકો આવીને સૌ પ્રથમ જમવા બેઠાં. સૌ ટીફીન લાવ્યાં હતાં. આ બાજુ મારે ત્યાં ટાંકી ખાલી થઇ ગઈ હતી. મને ફાળ પડી કે આટલાં બધાં જણ પાણી માંગશે તો થશે શું. અમે જ મિનરલ વોટરવાળાના સંપર્કમાં હતાં. પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે સૌએ પાંચેક લીટરનો પાણીનો જગ કાઢ્યો, જે ભીનાં કંતાનથી ઢંકાયેલ હતો, જેથી પાણી ઠંડું રહી શકે. લોકો કેવી કેવી તરકીબો શોધી કાઢે છે! આપણે કેવી ધારણાઓ બાંધી બેસીએ છીએ! સૌ એ અત્યંત શાંતિથી રોટલો અને શાક આરોગ્યાં. બાળકોમાં પણ કોઈ ધમાલ નહિ. વાંધા વચકા નહિ. પતિ પત્ની ધીરે ધીરે વાતો કરતાં રહે, હસતાં રહે. જમીને ડામરની સડક પર જ થોડી વાર આડાં પડ્યાં, જાણે છત્તર પલંગ પર. બાળકો પોતાની મસ્તીમાં.
બે છોકરા નાના છોકરાને બંને હાથે પકડી ચલાવવાની કોશિશ કરતા હતા ને નાનું બાળક રાજકુંવરશું, ખુશ થતું થતું, ચાલવાના પ્રયાસો કરતું હતું. આપણે હોઈએ તો દસ વાર સૂચનો અને સૂચનાઓ આપીએ. એક ગીયરવાળી સાઇકલ હતી જેને સૌએ આગળ પાછળ ફરી કુતૂહલવશ નિહાળી. કોઈ મુકાદમ ન હતો છતાં સમય થતાં સૌ ઊઠી કામે વળગ્યાં. આપણે પ્રશ્નો પૂછીએ તેનાં ટૂંકા પરંતુ ટુ ધ પોઈન્ટ જવાબો આપે. પરિસ્થિતિવશ થોડી કરડાકી દેખાય યા લઘુતાગ્રંથી હોઈ શકે. બેએક કલાક રોકાઈ, કામ પૂર્ણ કરી, એકાંત અને સ્મરણો છોડી, સૌ નીકળી ગયાં. શું આ લોકોને કોઈ પ્રશ્નો ન હશે? શું આ લોકોને ગરમી અકળાવતી ન હશે? શું સગાં-લગન-મરણ-વહેવાર આ પ્રજાને નડતાં ન હોય? શું આ લોકે TV, ફ્રીજ કે અન્ય ઉપકરણો નહિ વસાવવાનાં? આ લોકોને CL મળતી હશે કે? અને DA અને ઇન્ક્રીમેન્ટ અને પેન્શન? પ્રવાસ-પર્યટન-પાર્ટી? મંદિર-પૂજા-પ્રાર્થના? શું આ લોકોએ ગાળ જ ખાવાની કે પરિસ્થિતિ તેઓને કઠોર બનાવી દેતી હશે? કે સૌ મજબૂર હશે? અનેક પ્રશ્નો છે જે અનુત્તર રહી જાય છે. શું આ જ આ લોકોની નિયતિ હશે?
બારડોલી – વિરલ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.