Charchapatra

જે થવા જોઈતા હતા તે સાહિત્યિક કાર્યક્રમ કેમ ન થયા?

વિવિધ ઉપક્રમો અને સિદ્ધિઓ માટે નર્મદનગરી સુરત એ પોતાનું નામ રોશન કર્યું છે. સુરતમાં અનેક સાહિત્ય, સંગીત, નાટ્યપ્રવૃત્તિ કરતી સંસ્થાઓ છે. નર્મદ સાહિત્ય સભાએ સાહિત્યના ક્ષેત્રે અનન્ય કામગીરી કરતી વર્ષો જૂની સંસ્થા છે. સાહિત્ય સંગમ અને નર્મદ સાહિત્ય સભા બંને એકબીજાના અભિન્ન અંગ જેવા. શ્રી ભગવતીકુમાર શર્મા, મુરબ્બી શ્રી નાનુ બાપા, શ્રી રમેશભાઈ ઓઝા, શ્રી જનકભાઈ નાયક – આ બધાએ સાહિત્ય સંગમ અને નર્મદ સાહિત્ય સભાને સતત પ્રવૃત્તિશીલ રાખવા પોતાનું યોગદાન આપ્યું. સાહિત્ય સંગમ વિવિધ સાહિત્ય, સંગીત, નાટ્યની પ્રવૃત્તિઓ કરવા માટે વિનામૂલ્યે નર્મદ સાહિત્ય સભા અને અન્યને આપતા રહ્યા.

પરિવર્તન એ સંસારનો નિયમ છે એ અનુસાર નર્મદ સાહિત્ય સભા અને સાહિત્ય સંગમના દિગ્ગજોની વિદાઈ બાદ તથા કોરોનાની મહામારીને કારણે સાહિત્ય સંગમમાં પ્રવૃત્તિઓ થતી બંધ થઈ. નર્મદ સાહિત્ય સભા દ્વારા પ્રતિ વર્ષ જાહેર કરાતા ચંદ્રકો માટે ઓનલાઈન કાર્યક્રમો થતા થઈ ગયા. તાજેતરમાં નર્મદ સાહિત્યસ ભાના પ્રમુખશ્રીના પુસ્તકોનું વિમોચન પણ શહેરની અન્ય સંસ્થાના સભાગૃહમાં કરવામાં આવ્યું. ઉપરાંત પ્રતિવર્ષ જનકભાઈની પુણ્યતિથિએ સાહિત્ય સંગમમાં થતો કાર્યક્રમ પણ થયો નહીં. નર્મદ સાહિત્ય સભા અને સંગમના હાલના સંચાલકો સંયુક્ત આયોજન કરી શક્યા નહી અને જનકભાઈની સ્મૃતિમાં કાર્યક્રમ થઈ શક્યો નહી.

જનકભાઈ અને નાનુ બાપાનું ઋણ આ શહેર પર ન ચૂકવી શકાય એવું છે. એ બંનેના ટેકે શહેરના અનેક સાહિત્યકારો ઉજળા દેખાયા છે. એ સાહિત્યકારોએ પણ યેનકેન પ્રકારે સાહિત્ય સંગમમાં કાર્યક્રમ કર્યો નહીં કે થવા દીધો નહીં. એક એવુ ચિત્ર ઉપસ્યું કે નર્મદ સાહિત્ય સભાની કેટલીક ચોક્કસ વ્યક્તિઓએ પડદા પાછળ રહીને સાહિત્ય સંગમ સાથે ફરીથી કાર્યક્રમ ન થાય એ રીતે વર્તન કર્યું. આ બધામાં મુરબ્બી શ્રી નાનુ બાપા, શ્રી જનકભાઈનું જાણે – અજાણે અપમાન થયું. શહેરના સાહિત્યકારોને માટે પોતાનું ભવન વિનામૂલ્યે આપી દેનાર કોઈપણ નવોદિત સાહિત્યકારને પ્રોત્સાહન આપવા માટે કદાચ અગ્રેસર રહેનાર શ્રી જનકભાઈ નાયકની પુણ્યતિથિએ એક કાર્યક્રમ પણ ન થઈ શક્યો.

સાહિત્ય સભાના ભૂતપૂર્વ પ્રમુખોએ આપેલા યોગદાનને કોરાણે મૂકીને પોતપોતાનો હેતુ સિદ્ધ કરવાનો પ્રયત્ન થયો એવું લાગે છે. જેમની લાકડીના ટેકે તમે આગળ વધ્યા એ જ વ્યક્તિને સંસ્થાને વિસારીને પોતાનું મહત્ત્વ વધારવા માટે કાર્ય કરે એ સંસ્થાનું અહિત જ કરે છે. હવે પછી નર્મદ સાહિત્ય સભા અને સાહિત્ય સંગમ સહિયારું આયોજન કરે એ શહેર અને સાહિત્ય પ્રેમીઓના હિતમાં છે. જેમને હૈયે સાહિત્યપ્રીતિ છે તેઓ આ દિશામાં આગળ આવે. ફરી એકવાર સાહિત્ય સંગમ પ્રવૃત્તિઓથી ધમધમતું થાય એવી શુભેચ્છા.
સુરત     – મનહર દેસાઈ    – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top