ચીનમાં ૨૦૨૯ના ડિસેમ્બર માસથી શરૂ થયેલો કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો રોગચાળો ૨૦૨૦ની શરૂઆતમાં તો વૈશ્વિક રોગચાળો બની ગયો. આ રોગચાળો હવે ઘણે અંશે શમી ગયો છે છતાં હજી ચાલુ તો છે જ, તેનું ત્રીજું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે યુરોપના અનેક દેશોમાં, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં મંકીપોક્સ નામના રોગના કેસો આશ્ચર્યજનક રીતે દેખાયા છે. તાવ અને ફોલ્લાઓના લક્ષણો સાથેનો આ રોગ આમ તો નવો નથી. આફ્રિકાના કેટલાક દેશોમાં તે ઘણા સમયથી થાય જ છે પરંતુ આફ્રિકા ખંડની બહાર તે ભાગ્યે જ દેખાતો હતો. પરંતુ હાલમાં આ રોગના કેસો અચાનક મોટા પ્રમાણમાં અમેરિકા સહિતના પશ્ચિમી દેશોમાં દેખાયા છે અને તેના કારણે આશ્ચર્ય અને ચિંતાઓ સર્જાયા છે. ગુરુ અને શુક્રવારે તો આ રોગના કેસો દુનિયાના વધુ ચારેક દેશોમાં દેખાયા બાદ ચિંતા વધી ગઇ અને વિશ્વ આરોગ્ય સંગઠન પણ સક્રિય થઇ ગયું. ભારત સરકારે પણ તેની સંસ્થાઓને સતર્ક રહેવા આદેશો જારી કરવા પડ્યા છે.
વિશ્વના અનેક દેશોમાં મંકીપોક્સ રોગના કેસો દેખાયા છે અને તેના વધતા કેસો જોતા વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)ના ટોચના પદાધિકારીઓ એક ઇમરજન્સી બેઠક બોલાવશે એમ શુક્રવારે જાહેર કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આફ્રિકા ખંડની અંદર જ જોવા મળતો મંકીપોક્સનો રોગ હાલમાં વિશ્વના ૧૧ દેશોમાં જોવા મળ્યો છે. આજે જર્મની અને બેલ્જિયમ એ હાલના નવા દેશો બન્યા હતા કે જેમણે મંકીપોક્સના કેસો પોતાને ત્યાં દેખાયા હોવાની જાહેરાત કરી હોય. જ્યારે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા તો ગુરુવારે રાત્રે જ પોતાને ત્યાં આ વાયરસજન્ય રોગના દર્દીઓ મળી આવ્યા હોવાની જાહેરાત કરી ચુક્યા હતા. આફ્રિકાની બહાર હાલમાં સૌથી પહેલા બ્રિટનમાં આ કેસના દર્દીઓ દેખાયા હતા. બ્રિટનમાં શુક્રવારે આ રોગના દર્દીઓ બમણા થઇ ગયા હતા જ્યારે ૧૧ વધુ લોકોનો આ વાયરસ માટેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જેની જાહેરાત આરોગ્ય મંત્રી સાજીદ જાવેદે કરી હતી.
વિશ્વના અનેક દેશોમાં દેખાયેલા મંકીપોક્સના કેસોથી એવો ભય પણ સેવાય છે કે આ વૈશ્વિક રોગચાળાનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. અને વધતા જતા કેસો જોતા હુ ટૂંક સમયમાં તાકીદની બેઠક બોલવે તેવી શક્યતા છે. જો કેસો વધતા જ રહેશે તો કોઇ વ્યુહરચના અમલમાં મૂકવી પડશે એમ નિષ્ણાતો જણાવે છે. આ રોગ જો કે ઝડપથી ફેલાતો નથી છતાં તેના વધી રહેલા કેસો ચિંતાજનક છે. મંકીપોક્સમાં તાવ આવે છે અને શરીરે ફોલ્લા નિકળે છે. આ રોગનો ભોગ બનનાર દસમાંથી એક વ્યક્તિનું મોત નિપજી શકે છે પરંતુ આ રોગ કોવિડની જેમ ઝડપથી ફેલાતો નથી. પરંતુ હાલમાં જે રીતે અનેક દેશોમાં જે નવા કેસો દેખાયા છે તે બાબતે ચિંતાજનક સ્થિતિ સર્જી છે. આ રોગ પશ્ચિમી દેશોમાં જે ઝડપથી ફેલાયો છે તેનાથી નિષ્ણાતો આશ્ચર્યમાં પડી ગયા છે.
‘’પશ્ચિમી આફ્રિકી દેશોમાં અમે જે જોયું નથી તે રીતે આ રોગ પશ્ચિમી દેશોમાં ફેલાયો છે, ત્યાં કંઇક જુદુ જ બની રહ્યું છે’’ એમ એક નિષ્ણાતે કહ્યું હતું. ઘણા યુવાનોમાં આ રોગ દેખાયો છે અને હાલના તેમાના અનેક કેસો તો આફ્રિકા સાથે કોઇ કડી ધરાવતા નથી અને તેથી જ નવા કેસો વધુ ચિંતા સર્જી રહ્યા છે. આમાં એક નવી નોંધપાત્ર બાબત એ પણ બહાર આવી છે કે મંકીપોક્સના કેસો અત્યાર સુધી જેમનામાં દેખાયા છે તેમાં સજાતીય સંબંધો ધરાવતા(ગે) પુરુષોમાં આ રોગના કેસો વધુ દેખાયા છે. બ્રિટનમાં પહેલા જે નવ કન્ફર્મ કેસો હતા તેમાંથી છ કેસો એવા પુરુષોમાં હતા જેઓ પુરુષો સાથે જાતીય સંબંધો બાંધતા હતા. જે રીતે એઇડ્સના રોગની શક્યતા સજાતીય પુરુષોમાં વધુ જણાઇ હતી તેવું જ આમાં પણ હાલ તો દેખાઇ રહ્યું છે. ‘હુ’ પણ આ બાબતે વિગતવાર તપાસ કરાવશે એમ માનવમાં આવે છે.
કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુથી થતા કોવિડ-૧૯ના રોગના રોગચાળાની ચિંતાઓ હજી પુરી શમી નથી ત્યાં હવે આ મંકીપોક્સના રોગે ચિંતાઓ સર્જવા માંડી છે. તે વૈશ્વિક રોગચાળાનું સ્વરૂપ ધારણ કરે તેવી ચિંતાઓ પણ વ્યક્ત થઇ રહી છે. આમ તો આ રોગ સહેલાઇથી ફેલાતો નથી એમ કહેવાય છે પણ હાલમાં જે રહસ્યમય રીતે તેના નવા કેસો દેખાયા છે તે ચિંતાજનક બાબત છે. ભારત સરકારે પણ આઇસીએમઆર સહિતની સંસ્થાઓને સ્થિતિ પર નજર રાખવાની સૂચના આપી દીધી છે અને એરપોર્ટો પર ચિકનપોક્સના કેસો ધરાવતા દેશોમાંથી આવતા લોકોમાંથી કોઇ બિમાર જણાય તો તેને આઇસોલેટ કરવા સહિતના આદેશ જારી કરી દેવાયા છે. આ નવી ઉભી થઇ ગયેલી ચિંતા વચ્ચે આ રોગ વધુ વકરે નહીં અને વહેલી તકે શમી જાય તેવી જ પ્રાર્થના હાલ તો કરવાની રહે છે.