Columns

સાતપુડાના વનમાં ભૂતકાળના રાજપીપળા રાજવી સ્ટેટ હસ્તકનું અને હાલમાં ઝઘડિયામાં આવેલું આ ગામ

સાતપુડાના વનમાં (Jungle) ભૂતકાળના રાજપીપળા રાજવી સ્ટેટ હસ્તકનું અને હાલમાં ઝઘડિયામાં સમાવેશ ગામ એટલે ઉચેડિયા. કાવેરી અને નર્મદા નદીના (Kaveri Narmada River) મધ્યમાં આવેલા પ્રખ્યાત ગુમાનદેવ હનુમાનજી મંદિર એ ઉચેડિયા ગામમાં આવેલું છે. સાંપ્રત સમયમાં ઝઘડિયા વિસ્તારમાં આરોગ્યની ભેખ લઈ નીકળેલા સેવા રૂરલે ૩૫ વર્ષ પહેલાં ગરીબીની છેલ્લા માનવીને રોજગારી મળે એ માટે વિવેકાનંદ ગ્રામીણ તકનિકી કેન્દ્રની સ્થાપના કરી છે, જેમાં આજે પણ આદિવાસી વિસ્તારના (Tribal Area) ૨૦૦ જેટલા ગરીબ યુવાનો તાલીમ છે. નીતનવા ટ્રેડથી ૧૦૦ ટકા ઇન્ડસ્ટ્રીઝમાં રોજગારી આપવાનું કાર્ય થાય છે. મહેનતકશ ખેડૂતો ખેતી નિર્ભર છે. ઉચેડિયા ગામે ઈતિહાસ અને તેનું નામ કઇ રીતે પડ્યું હોય એ રસપ્રદ છે. લોકવાયકા પ્રમાણે રાજપીપળા સ્ટેટમાં આ ગામનું નામ “ઉછાર્યા” હતું. ધીમે ધીમે ગામનું નામ અપભ્રંસ થતાં આજે ઉચેડિયા ગામ તરીકે પ્રચલિત થઇ ગયું છે. સાતપુડા વિસ્તારમાં ટેકરાળ જગ્યાએ માનવીઓનો વસવાટ માટે બાથ ભીડવી પડતી હતી. આજે મહેનતકશ ખેડૂતોએ જમીનને સમતળ બનાવી દેતાં ફળદ્રુપ જમીન માટે મોખરે છે. ઉચેડિયા ગામમાં આદિવાસી, માછી પટેલ, દરબારો અને હરિજનની વસતી આવેલી છે.

ઉચેડિયા ગામની વિશેષતા પ્રાચીન ધર્મ ગ્રંથોમાં પાવન નદી રેવા નામે ઓળખાય છે. જે પુણ્ય ગંગામાં સ્નાનથી મળે છે, તે નર્મદા નદીના દર્શન માત્ર પ્રાપ્ત થાય છે. આ નદીના પટ્ટમાં દરેક કંકર શંકરસમાન છે. વિશાળ પટ્ટ ધરાવતી માં નર્મદા નદીમાં ભૂતકાળમાં ઘોડાપૂર આવતા કિનારે વસેલાં ગામો તણાઈને તબાહ થઇ ગયાં હતાં. ૧૯૪૨માં નર્મદા નદીમાં પૂર આવ્યું હતું. ૧૯૬૮ અને ૧૯૭૦માં મહાવિનાશક ઘોડાપૂર આવ્યું હતું, જેમાં ૧૯૭૦માં ઘોડાપૂર આવતાં ભાલોદ પાસે ચારેક ગામો તણાઈ ગયાં હતાં. નર્મદા નદીમાં જે પૂર આવે એમાં ઠેર ઠેર મહાવિનાશ પથરાય, પણ ઉચેડિયા ગામને પાણી અડતું નથી. અને ઉચેડિયા ગામની વિશેષતા એ છે કે સામે પાર ભરૂચ નગરની લાઈટો ઉચેડિયામાંથી દેખાઈ છે. જે બાબતે અગ્રણી ઈશ્વરભાઈ પટેલ કહે છે કે, ઉચેડિયા ગામની ઊંચાઈ એટલી હદે છે કે વિશાળ પટ્ટ ધરાવતી નર્મદા નદીના પૂરના પાણીની અસર થઇ નથી. એ જ ઉચેડિયાની વિશેષતા છે.

ઉચેડિયા ગ્રામ પંચાયતની ટીમ
સરપંચ-મુકેશભાઈ ચુનીયાભાઇ વસાવા
ઉપસરપંચ-પારૂલબેન શાંતિલાલ પટેલ
સભ્ય-રેખાબેન યોગેશભાઈ પટેલ
સભ્ય-મહેશભાઈ રણછોડભાઈ પટેલ
સભ્ય-જગદીશભાઈ નટવરભાઈ પટેલ
સભ્ય-કાંતિભાઈ ખુશાલભાઈ પરમાર
સભ્ય:- પારૂલબેન યોગેશભાઈ પટેલ
સભ્ય-લક્ષ્મીબેન રાજેશભાઈ વસવા
તલાટી કમ મંત્રી:-રોહન સુરેશચંદ્ર જરીવાલા

વસતીનું ધોરણ
કુલ વસતી:-૨૪૩૮
પુરુષ:-૧૨૪૯
સ્ત્રી:-૧૧૮૯
કુલ ઘર:- ૫૩૮
અનુસૂચિત જાતિની વસતી:-૮૯
અનુસૂચિત જનજાતિની વસતી:-૭૫૮
સાક્ષરતા કુલ:- ૭૩.૧૭ ટકા
પુરુષ:-૮૪ ટકા
સ્ત્રી:-૬૧.૭૧ ટકા

ઉચેડિયામાં ભૌગોલિક સ્થિતિ
કુલ વિસ્તાર:-૬૦૫.૧૮ હેક્ટર
ખેડવાલાયક:-૪૩૧.૪૪ હેક્ટર
ખરાબો:-૨.૬૧ હેક્ટર(ખાડી અને નર્મદા)
ગોચર:-૧૩.૪૪ હેક્ટર
ગામતળ:- ૧૫.૪૧ હેક્ટર
ખાડી:- ૧.૧૬ હેક્ટર

આસ્થાનાં પ્રતીકરૂપ મંદિરો
૧) ગુમાનદેવ હનુમાનજી મંદિર (પ્રખ્યાત)
૨)ધમ્મ નર્મદા વિપશ્યના કેન્દ્ર (આકાર લઇ રહ્યું છે)
૩)બળિયાદેવ મંદિર
૪)પૌરાણીક સર્પેશ્વર મહાદેવ મંદિર

રાજપીપળા રજવાડા વખતે ઉચેડિયામાં પ્રાથમિક શાળાનો શુભારંભ થયો હતો
રાજપીપળાના રજવાડામાં ઉચેડિયામાં પ્રાથમિક શિક્ષણનો પાયો ૧૮૯૪માં નંખાયો હતો. તા.૨૩-૮-૧૮૯૪ના રોજ કોઈ ગામડું અશિક્ષિત ન રહે એ માટે રાજપીપળા સ્ટેટે તૈયારી આરંભી હતી. ઉચેડિયા ગામમાં સદીઓ પહેલાં ધૂળ અને ડમરીનો વિસ્તાર હતો. સવલત તો માઈલો દૂર હોવા છતાં ૧૨૮ વર્ષ પહેલાં પ્રાથમિક શિક્ષણ આરંભી દીધું હતું. એ સમયે સામાન્ય વેતનથી ગુરુજનોએ બાળકોને અભ્યાસ કરાવવું કઠીન હતું. છતાં જીવનધોરણમાં પરિવર્તન એ સમયનો નિયમ છે.

રજવાડા વખતની ઉચેડિયાની પ્રાથમિક શાળા એ આજે નમૂનેદાર પ્રાથમિક શાળા તરીકે ઓળખાય છે. આજે ઉચેડિયા પ્રાથમિક શાળામાં ધો-૧થી ૮માં ૧૯૮ બાળક અભ્યાસ કરે છે. આ પ્રાથમિક શાળાના સંકુલમાં સાંપ્રત સમયમાં સૌથી વિશેષ વિદ્યાર્થિની માટે સ્વરક્ષણ તાલીમ અપાય છે. સાથે વિજ્ઞાનમેળો, ખેલ મહાકુંભ, કલા મહાકુંભમાં શાળાનો સ્પર્ધક જિલ્લામાં ત્રણ ક્રમાંકે, ખેલ મહાકુંભ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. તેમજ શાળામાં કિચન ગાર્ડનના વાતાવરણમાં વિદ્યાર્થીઓ ઓતપ્રોત થઇ જાય છે.  

સ્વ.કિશોરસિંહ ખેર અડીખમ અગ્રણી હતા
તા.૧૩ એપ્રિલ-૨૦૨૧ના રોજ કોરોનાથી કિશોરસિંહ ખેરનું અવસાન થયું હતું. અગ્રીમ હરોળના ૬૯ વર્ષીય કિશોરસિંહ ખેર ઉચેડિયા ગામમાં ખૂબ જાણીતા હતા. કિશોરસિંહ ખેર અત્યંત સરળ, મિલનસાર સ્વભાવના, રાજકીય, સહકારી અને સામજિક ક્ષેત્રે આગળ પડતા આગેવાન હતા. કોઈનું ગૂંચવાયેલું કામ હોય તેને હલ કરી આપવાની કુનેહ હતી. કિશોરસિંહ ખેરનું મૂળ માદરે વતન તાપી નદીના કિનારે વસેલું તરસાડા(બાર). રજવાડા વખતનાં ૯ ગામો આપતાં તેઓ “નવગામીયા ખેર” તરીકે પ્રખ્યાત થયા છે. યુવાની કાળે કિશોરસિંહ ખેરે લીલી-સૂકી જોઈ હતી. તેમણે મધ્યમ વર્ગના પરિવારમાં અભ્યાસ કર્યો હતો. જો કે, કિશોરસિંહ SSCમાં અભ્યાસ કરતા હતા એ વેળા જ પિતાજીની તબિયત સતત નાદુરસ્ત રહેતાં અભ્યાસને તિલાંજલિ આપી ઉચેડિયામાં ખેતીના કામે જોડાઈ ગયા.

કિશોરસિંહનો સ્વભાવ આગંતુકને આવકાર આપવાનો હતો. ૨૧ વર્ષની ઉંમરે ભરૂચ જિલ્લાના અગ્રીમ હરોળના નેતા સ્વ.રત્નસિંહ મહિડા સાથે સંપર્ક થતાં સામાજિક સ્તરે તેમના વિશ્વાસુ બની ગયા. આમ તો કિશોરસિંહ માટે ખેતીમાં પૂરેપૂરો શોખ હોવાથી આ પરિવાર સમૃદ્ધિના શિખરે પહોંચી ગયો. ૧૯૭૧માં ઉચેડિયા ગામમાં કિશોરસિંહની આગવી ઓળખ હતી. ગામના કોઇપણ કામ માટે તેમની હાજરી હોય જ. ૧૯૮૮-૮૯ના દાયકા વખતે જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે ખુમાનસિંહ વાંસિયાનો આખા જિલ્લામાં લોક આગેવાનને મળવા માટેનો પ્રવાસ હતો. એ વખતે પહેલી મુલાકાત કિશોરસિંહ ખેર સાથે થતાં ભાજપનો કેસરી ખેસ પહેરી લીધો હતો. બંનેનો નાતો જીવનપર્યંત રહ્યો હતો. ૧૯૯૨થી ૧૯૯૭ દરમિયાન ઝઘડિયા તાલુકા ભાજપમાં ઉપપ્રમુખ તરીકે ૩ ટર્મ રહ્યા. સને-૧૯૯૭માં ગણેશ ખાંડ ઉદ્યોગ વટારિયામાં બિનહરીફ ડિરેક્ટર, ૧૯૯૬માં ગુજરાત રાજ્ય બીજ નિગમમાં ડિરેક્ટર તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. અગાઉનાં વર્ષોમાં ઝઘડિયા તાલુકાના ત્રણ ફાર્મસ ક્લબોમાં પ્રમુખ પદે રહ્યા હતા. લગભગ નવ વર્ષ પહેલાં ભરૂચ ખાતે કપાસ સંશોધન કેન્દ્રમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રગતિશીલ ખેડૂત કિશોરસિંહ ખેરને બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડ-૨૦૧૧-૧૨ એનાયત થયો હતો. સાથે રોકડ પુરસ્કાર પણ મળ્યો હતો.

માછી પટેલ ભાઈઓની બેલડી બે દાયકા સરપંચ પદે 
ઉચેડિયા ગામમાં માછી સમાજનું વર્ચસ્વ ખરું. ગામમાં ૨૭ વર્ષ પહેલાં ઈશ્વરભાઈ ભવાનભાઈ માછી પટેલ સરપંચ પદે આરૂઢ થયા. તેમની નિષ્કામ ભાવનાથી કોઈનું કામ અટકેલું હોય તે થઈ જતું હતું. તેઓ ૧૯૯૫થી ૨૦૦૧ સુધીના સરપંચ પદે રહ્યા હતા. જો કે, તેમના મોટાભાઈ ભગવાનભાઈ ભવાનભાઈ માછી પટેલ ૧૯૮૦થી ૧૯૮૫ સુધી સરપંચ પદે રહ્યા હતા. તેમના પરિવારે બે દાયકા સુધી વહીવટ કર્યો હતો.

સરપંચ મુકેશ વસાવાનો ગામના વિકાસમાં ઉમદા ફાળો
ઉચેડિયામાં ૨૨ વર્ષની ઉંમરે મુકેશભાઈ ચુનિયાભાઈ વસાવા સામાન્ય નોકરી કરી જીવનનિર્વાહ ચલાવતા હતા. ૨૦૦૭માં ઉચેડિયા ગ્રામ પંચાયતની ચૂંટણી આવતાં લોકોની નજરમાં મુકેશભાઈ વસાવા આવ્યા હતા. અને તેઓ સરપંચ પદે આરૂઢ થઇ ગયા હતા. ત્યારબાદ ૨૦૧૨માં પણ બીજી ટર્મ પણ મુકેશભાઈ વસાવા સરપંચ પદે રહ્યા હતા. ૨૦૧૭ની સાલમાં સરપંચની ચૂંટણી આવતાં તેમનાં ધર્મપત્ની સુભદ્રાબેન વસાવા નિયુક્ત થયાં હતાં. અને હાલમાં ફરીવાર ૨૦૨૧માં ગ્રામ પંચાયતની ચૂંટણી આવતાં મુકેશભાઈ વસાવાની નિમણૂક થઇ હતી. તેમના દાયકાથી વધુ શાસન કાળમાં રસ્તા, ગટર લાઈન, પાણીની લાઈન, સ્ટ્રીટ લાઈટ અને બ્લોક બેસાડવાનું કાર્ય થયું હતું. સરપંચ મુકેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ઉચેડિયા એ એકરાગીતાથી સંપેલું ગામ છે.
 આગોતરું આયોજન
–  પ્રવેશદ્રાર
–  બસ સ્ટેન્ડ
–  પાઈપલાઈન આધારીત ગેસ લાઈન

નૈસર્ગિક વાતાવરણમાં ૨૦ કરોડના ખર્ચે આકાર લઇ રહેલું ધમ્મ નર્મદા વિપશ્યના કેન્દ્ર
સમગ્ર ભરૂચ જિલ્લામાં પહેલી વખત નર્મદા નદીના કિનારે ધમ્મ નર્મદા વિપશ્યના કેન્દ્ર આકાર લઇ રહ્યું છે. સાત એકરના વિશાળ સંકુલમાં આ આધ્યાત્મિક વિપશ્યના કેન્દ્ર બની રહ્યું છે. નર્મદા નદી કિનારે આ કેન્દ્ર એટલા માટે મહત્ત્વનું છે. કારણ કે, નર્મદા નદીનો આખો તટ ધર્મ તરંગોથી તરંગીત છે. હાલમાં જ ઉચેડિયા ખાતે આકાર લઇ રહેલા કેન્દ્રના પહેલા ચરણનું નિર્માણ કાર્ય લગભગ રૂ.૪ કરોડના ખર્ચે પૂર્ણ થશે અને આગામી તા.૨૫/૫/૨૦૨૨થી પ્રથમ ૧૦ દિવસીય શિબિર શરૂ થઇ રહી છે. સમગ્ર ગુજરાતમાં ૬ વિપશ્યના કેન્દ્ર પૂર્ણ રૂપે ચાલે છે અને ૩ કેન્દ્ર નિર્માણ હેઠળ છે.

વિપશ્યના ભારતની અત્યંત પુરાતન સાધના વિધિ છે. લગભગ ૨૬૦૦ વર્ષ પૂર્વે ગૌતમબુદ્ધે આ વિલુપ્ત થઈ ગયેલી સાધના વિધિને ફરી શોધી જનકલ્યાણ અર્થે સર્વ સુલભ બનાવી. પ્રાચીન પાલી ભાષામાં પસ્સ એટલે જોવું અને વિપશ્યના એટલે વિશેષ દૃષ્ટિથી જોવું એ વિપશ્યના શબ્દનો અર્થ છે. વિપશ્યના સાધનાનો ઉદ્દેશ લૌકિક અને પારલૌકિક બંને છે. વિપશ્યના સાધના દ્વારા જીવનમાં આમૂલ પરિવર્તન આવે છે. જેનાથી આત્મમંગલ સાથે સર્વમંગલ ચરિતાર્થ થાય છે. વિપશ્યના સાધના આધ્યાત્મિકતાની ઊંચી સાધના છે. આ સાધનાનો હેતુ મનના વિકારો દૂર કરવાનો છે. આ સાધનાનું મુખ્ય લક્ષ્ય તો સંપૂર્ણપણે વિકારમુક્તિ કે ચિત્તશુદ્ધિ કરી જીવન-મરણના દુ:ખમાંથી સંપૂર્ણપણે વિમુક્ત થવાનું છે.

૫૦૦ વર્ષનો ઇતિહાસ સાચવીને બેઠું છે ગુમાનદેવ મંદિર
શ્રાવણ માસ તેમજ શનિવાર અને મંગળવારે ભક્તોની ઊમટે છે ભીડ
હનુમાન ચાલીસાની તમામ ચોપાઈ ગવાય તો દરેક હનુમાન ભક્તને જરૂર આધ્યાત્મિક શ્રદ્ધા વધે. આખા ગુજરાતમાં નાના ડેરાથી લઈને મસમોટાં મંદિરોમાં હનુમાનજીની ગૂંજ અવશ્ય સંભળાય છે. હજી પણ જ્યારે રાત્રે ડર લાગે ત્યારે સૌ પ્રથમ હનુમાન દાદાનું જ નામ યાદ આવે, ભૂત-પિશાચને ભગાડવા માટે પણ હનુમાન ચાલીસા જ બોલવાનું શરૂ કરી દેતા હોઈએ છીએ. આખા ભરૂચ જિલ્લામાં ચોર ને ચૌટે હનુમાનજી માટે ગુમાનદેવ મંદિર શ્રદ્ધાનું આધ્યાત્મિક સ્થાન છે.

ઝઘડિયા તાલુકામાં આવેલું આધ્યાત્મિક કેન્દ્ર ગુમાનદેવ મંદિર આખા ગુજરાતમાં ઘણું પ્રખ્યાત છે. શ્રાવણ મહિનામાં આ મંદિરનું મહત્ત્વ ઘણું વધી જાય છે. ભાવિક ભક્તો હનુમાનજીના દર્શન માટે ટેક લઈને પગપાળા આવે છે. ગુમાનનો અર્થ થાય છે ‘ઘમંડ’ અને ગુમાનદેવ મંદિરએ માણસનું ઘમંડ દૂર કરનારા દેવ તરીકે આ સ્થળે પૂજવામાં આવે છે. આ મંદિરની સ્થાપના વિશે પણ એક ઇતિહાસ છે. જે જાણવા જેવો છે.

કાવેરી અને નર્મદા નદીના સંગમની મધ્યમાં આવેલા ગુમાનદેવના મંદિર સાથે એક દંતકથા છે. રામાનંદ સંપ્રદાયના મહાન સંત એવા શ્રી સ્વામી ગુલાબદાસજી મહારાજ અયોધ્યાના હનુમાનગાધિની સાગરિયા પટીના સંત હતા. આશરે ૫૦૦ વર્ષ પહેલા તેમણે ઝઘડિયા નજીક આવેલા મોટા સાંજા ગામ પાસે આવીને રહ્યા. ગુલાબદાસજી મહારાજ જ્યારે સૂતા હતા ત્યારે અચાનક તેમને એવો આભાસ થયો કે હનુમાનજી તેમને કંઈક કહેવા આવ્યા છે. અને એમનાથી થોડા જ અંતરે દાદાની મૂર્તિ પણ છે અને એમણે જ્યારે જોયું ત્યારે એક શિયાળ એ મૂર્તિને વળગી રહ્યું છે તેમજ કેટલાક ગોવાળિયાઓ એ શિયાળને મારવા પ્રયત્ન કરી રહ્યા છે.

ગુલાબદાસજીએ સમયનો વિલંબ કર્યા વિના જોયું તો એ આભાસ ન હતો એ જગ્યા ઉપર પહોંચી ગયા અને જોયું તો તે હકીકત હતી, ગોવાળિયાઓને શિયાળને મારતા રોક્યા અને શિયાળને ત્યાંથી ચાલ્યા જવાનો આદેશ કર્યો. આ ઘટના વાયુવેગે આસપાસનાં ગામોમાં ફેલાઈ ગઈ અને લોકો દર્શન કરવા માટે પણ આ જ જગ્યા ઉપર આવવા લાગ્યા તેમને ત્યાં રહેલા પથ્થરમાં હનુમાન દાદાનાં દર્શન થયાં અને તેમણે હનુમાન જયંતીના દિવસે જ સ્થાપના કરી અને મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી.

માણસનું ગુમાન દૂર કરતા હોવાના કારણે આ મંદિરને ગુમાનદેવ નામ પણ આપવામાં આવ્યું. આ મંદિરમાં રહેલી મૂર્તિ જે રૂપમાં એ જ રીતે હાજર છે. જે મૂર્તિની સ્થાપના ગુલાબદાસ મહારાજે કરી હતી એ જ મૂર્તિ આજે પણ ત્યાં સ્થાપિત છે અને જોનારને તેમાં હનુમાનજીનાં દર્શન આજે પણ થાય છે.

શ્રાવણ માસમાં આ મંદિરમાં ભારે ભીડ જોવા મળે છે, તેમજ શનિવાર અને મંગળવારના દિવસે પણ ભક્તોનું મહેરામણ ઊમટે છે. દાદાના આ મંદિરનું મહાત્મ્ય પણ ઘણું છે. એટલે જ ભક્તો દૂર દૂરથી દાદાનાં દર્શને આવતા હોય છે અને દર્શન કરીને ધન્ય થાય છે. આજે મંદિરનું પૂરતું ધ્યાન મહંત મનમોહનદાસ આપી રહ્યા છે.

વિવેકાનંદ ગ્રામીણ તકનિકી કેન્દ્રમાં થાય છે ‘ચારિત્ર્ય અને મૂલ્યોનું ઘડતર’
૧૯૮૬માં ઝઘડિયાના વિલેજ હોલમાં વિવેકાનંદ ગ્રામીણ તકનિકી કેન્દ્રની શરૂઆત થઈ હતી
ઝઘડિયા તાલુકાનું ઉચેડિયા ગામે ઊંડાણ વિસ્તારના ૨૦૦ જેટલા ગરીબ તાલીમાર્થીઓને સેવા રૂરલ સંચાલિત વિવેકાનંદ ગ્રામીણ તકનિકી કેન્દ્રમાં ચારિત્ર્ય અને મૂલ્યો આધારિત ઘડતર થાય છે. સેવા રૂરલ એક વિકાસલક્ષી સંસ્થા છે. જે દક્ષિણ ગુજરાતમાં ગ્રામીણ અને આદિવાસી વિસ્તારમાં આરોગ્ય અને તબીબી સેવાઓ તેમજ અન્ય ગ્રામ વિકાસનાં કામોમાં છેલ્લા ચાર દાયકાથી કાર્યરત છે. સેવા રૂરલનો ધ્યેય છેવાડાના માણસની સેવા, કાર્યમાં મૂલ્યોની જાળવણી અને કાર્યકરોનો સ્વવિકાસ છે. ભરૂચ જિલ્લો એટલે ઔદ્યોગિક પાટનગર કહેવાય. ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, દહેજ અને ઝઘડિયા GIDCમાં મોટા પ્રમાણમાં ઓદ્યોગિક એકમો આવેલાં છે.

ઇન્ડસ્ટ્રીઝ હોય ત્યારે મહેનતુ અને શિસ્તબદ્ધ કામદારો જોઈએ. જે માટે ઝઘડિયામાં બેનમૂન સેવા રૂરલ દ્વારા છેલ્લા માણસોને રોજગારી માટે છેલ્લાં ૩૬ વર્ષથી ઉચેડિયામાં વિવેકાનંદ ગ્રામીણ તકનિકી કેન્દ્ર ચાલી રહ્યું છે. મૂળ તો સેવા રૂરલ ઝઘડિયા સંસ્થા આરોગ્ય માટે ૧૯૮૦માં શરૂઆત થઈ હતી. આ વિસ્તાર સહિત ટ્રાયબલ બેલ્ટમાં રોજગારીનું કોઈ સાધન નહીં. ત્યારે સેવા રૂરલ સંસ્થાને યુવાનોને રોજગારી મળે એ હેતુ માટે ૧૯૮૬માં ઝઘડિયાના વિલેજ હોલમાં વિવેકાનંદ ગ્રામીણ તકનિકી કેન્દ્ર (વીજીટીકે)ની શુભ શરૂઆત કરી. અને ૧૯૯૦માં ઉચેડિયામાં સંસ્થાની જમીનમાં વર્કશોપ, હોસ્ટેલ, લાઇબ્રેરી જેવી સગવડોથી કાર્યરત બન્યું. આ કેન્દ્રનો મૂળ હેતુ એ હતો કે આદિવાસી અને ગરીબ કુટુંબોના યુવકોને ટેક્નિકલ તાલીમ દ્વારા રોજગારીની તકો પૂરી પાડવી. સાથે જીવન અને ચારિત્ર્ય ઘડતર દ્વારા જવાબદાર નાગરિક બનાવવો. સમૂચિત ટેક્નોલોજી અને સ્વરોજગાર એકમો દ્વારા રોજગારની તકો ઊભી કરવી. અને આ સંસ્થાનો ગરીબો અને વંચિતો કેન્દ્રીત, મૂલ્ય આધારિત અને કાર્યકરોનો વિકાસ કરવાનો છે.

ભરૂચ જિલ્લામાં લગભગ ૪૦૦ જેટલી ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી વીજીટીકે સંસ્થામાંથી દર વર્ષે ૨૦૦ તાલીમાર્થીને ૧૩ કોર્સ તાલીમ અપાય છે. જેમાં ટર્નર, એન્વાયરમેન્ટ કમ કેમિકલ પ્લાન્ટ ઓપરેટર, ફિટર, મશીનીષ્ટ, ઈલેક્ટ્રિશિયન કમ મોટર રિવાઇન્ડિંગ, કોમ્પ્યુટર, પ્રિન્ટિંગ ટેક્નોલોજી, વેલ્ડર, સોલાર, ફાયર-સેફ્ટી, સ્પીનિંગ, વિવિંગ અને પ્રોસેસ ઓટોમેશન કોર્સમાં તાલીમ અપાય છે. એક તાલીમાર્થી દીઠ આખા વર્ષના રૂ.૬૦૦૦ ફી લેવામાં આવે છે અને આ સંસ્થા વર્ષે દહાડે રૂ.૭૦,૦૦૦નો ખર્ચ કરે છે. સંસ્થામાં તાલીમાર્થીઓને દોઢ કરોડનો નિભાવ ખર્ચ થાય છે. ગુજરાત સરકારની ૭૫ ટકા આર્થિક સહાય ૧૦ વર્ષ માટે મળી હતી.

ત્યારબાદ દેશ-વિદેશના શુભેચ્છકો, ઉદ્યોગો પાસેથી દાનનો પ્રવાહ મળતો રહે છે. સાથે ઝઘડિયામાં ૪૦ જેટલી બહેનો માટે નર્સિંગ આસિસ્ટન્ટ, ગારમેન્ટ, મેડિકલ લેબ આસિસ્ટન્ટ, બ્યુટિશિયન જેવા કોર્સ ચલાવાય છે. તાલીમાર્થીઓ માટે અઠવાડિક અને ત્રિમાસિક શિબિરોનું આયોજન થાય છે. આ તાલીમથી ઇન્ડસ્ટ્રીઝમાં વહેલી જોબ મળી જાય છે. ૧૦૦ % જોબ પ્લેસમેન્ટ થયા પછી એક વર્ષ સુધી નિયમિત રીતે વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીઝમાં ટકી રહેવા માટેનો ટેકો સંસ્થા દ્વારા પૂરો પાડવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીઝમાં કદમથી કદમ મિલાવીને મૂલ્યો આધારિત જોબવર્ક અને તાલીમાર્થીને ટેક્નિકલ ફેરફાર આ સંસ્થા કરતા હોય છે. મૂળ તો સેવા રૂરલની આ સંસ્થા ટેક્નિકલ સપોર્ટ કરતા હોય છે.

ખાસ કરીને જે તાલીમાર્થીઓને ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી માટે જોઈએ થયા બાદ આ સંસ્થા એક વર્ષ માટે કોમ્યુનિકેશન સંકલન રાખે છે.તેમજ નોકરિયાતોને પણ જરૂરિયાત હોય તો બે મહિના ટ્રેનિંગ પણ આ સંસ્થા આપે છે.ત્રણ દાયકામાં આ સંસ્થાએ ૩૬ બેંચમાં કુલ ૩૭૦૨ તાલીમમાં જોડાયા.જેમાં ૩૩૧૯ તાલીમાર્થીઓએ તાલીમ પૂરી કરી.જેમાં આદિવાસી સમાજના ૨૧૬૯,દલિત/બક્ષીપંચ ૮૫૦,અન્ય આર્થિક રીતે ગરીબ ૩૦૦,જોબ કાર્યરત ૭૫,સ્વરોજગાર એકમો ૭૨ તાલીમાર્થીઓએ તાલીમ લીધી છે.તેમજ સેલ્ફ એમ્લોયમેન્ટ માટે જરૂરી મદદ આપે છે.

સેવા રૂરલ સંચાલિત વિવેકાનંદ ગ્રામીણ તકનિકી કેન્દ્ર ટ્રસ્ટીમંડળ

-ડો.પંકજભાઈ શાહ (મેનેજિંગ ટ્રસ્ટી)
-બંકીમભાઈ શેઠ (મેનેજિંગ ટ્રસ્ટી)
-પદ્મશ્રી ડો.લતાબેન દેસાઈ
-ભીખુભાઈ વ્યાસ
-ગીરીશભાઈ શાહ
-ડો.હસમુખભાઈ સાધુ
-ડો.શ્રેયભાઈ દેસાઈ
-ડો.અમીબેન યાજ્ઞિક
-ડો.ગાયત્રીબેન દેસાઈ
-ધીરેનભાઈ મોદી

ગુમાનદેવ સંસ્થાનાં પ્રણેતા ડો.લતાબેન દેસાઈને પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો હતો
હાલમાં ભરૂચ અને ગુજરાતનું ગૌરવ એવા ઝઘડિયા સેવા રૂરલનાં સ્થાપક ડો.લતાબેન દેસાઈને પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો હતો. લગભગ ૪૨ વર્ષથી ઝઘડિયા વિસ્તારમાં આરોગ્ય અને ગરીબ માનવી માટે ટેક્નિકલ શિક્ષણનું ઉમદા કાર્ય કરનાર ડો.લતાબેન દેસાઈને એવોર્ડ મળતાં ભરૂચ જિલ્લાનું ગૌરવ વધ્યું છે. ભલે તેઓ ઝઘડિયામાં રહેતા હોય તો પણ ઉચેડિયા તકનિકી કેન્દ્રમાં પ્રવૃત્ત છે. ડો.લતાબેન દેસાઈએ આ સન્માનનો શ્રેય તેના સ્વર્ગસ્થ પતિ અને કર્મચારીઓને આપ્યો છે. અમેરિકાથી તબીબી ક્ષેત્રે ઉચ્ચ ડિગ્રી મેળવી દેશ અને ખાસ કરી ગરીબ વંચિત લોકોની સેવા કરવા પરત ફરેલા ડો.દેસાઈ દંપતીએ ઝઘડિયામાં ૪૨ વર્ષ પહેલાં સેવા રૂરલ સંસ્થાનો પાયો નાંખ્યો હતો. આદિવાસી અને ગરીબોના જીવનમાં બદલાવ લાવનારા સંસ્થાનાં સ્થાપક ડો.લતાબેને કહ્યું કે, તેઓને જે પદ્મશ્રીથી નવાજ્યા એ લોકોએ ભગવાનને કરેલી મૂક પ્રાર્થનાનો પુરસ્કાર છે.

40 વર્ષની સેવા રૂરલની આરોગ્ય, શિક્ષણ, રોજગારી સહિતના ક્ષેત્રેની સફરમાં ૭૯ વર્ષનાં ડો.લતાબેન દેસાઈના પતિ ડો.અનિલ દેસાઈનું ૪ વર્ષ પહેલાં અવસાન થયું હતું. ડો.લતાબેનના વડપણમાં હાલ ૨૦૦ બેડની કસ્તુરબા હોસ્પિટલ ૧૫૦૦ ગામના લોકોને શ્રેષ્ઠ તબીબી સેવા રાહત દરે કે નિઃશુલ્ક આપી રહી છે. સગર્ભા મહિલાઓ, નેત્ર રક્ષા, વિવેકાનંદ ગ્રામીણ તકનિક કેન્દ્ર, અંધજન પુનઃ વસન કાર્યક્રમ સહિતની પ્રવૃત્તિઓમાં ૩૦૦ વ્યક્તિનો સ્ટાફ નિરંતર ફરજ બજાવી રહ્યો છે. સાથે વિવેકાનંદ ગ્રામીણ તકનિકી કેન્દ્રમાં ગરીબ યુવાનોને રોજગારી આપવાનું શ્રેય પણ તેમને જાય છે.

૮૦ ટકા ખેડૂતો માટે કાવેરી નદીની પેલે પાર ખેતી કરવું અતિમુશ્કેલ
ઉચેડિયા ગામના મહેનતુ ખેડૂતોને ખેતી કરવા કાવેરી નદીને પેલે પાર જમીન ખેડવા જવું પડે છે. ચોમાસાના ચાર મહિના સામે પાર જવા માટે લગભગ ૭ કિલોમીટર ફરીને જવું પડતું હોય છે. ઉચેડિયા ગામના કેળ અને શાકભાજી પકવતા ૮૦ ટકા ખેડૂતોની જમીન સામે પાર જવું પડે છે. ભર ચોમાસામાં તકલીફ વેઠવાનો વારો આવે છે. બાંધકામ મંત્રી અને ભરૂચના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી પાસે ગ્રામજનોની એક જ માંગ છે કે, ગામના ખેડૂતોનાં હિત માટે ચેકડેમ કમ કોઝવે બનાવી આપો. જો કે, ગ્રામજનોએ વારંવાર સ્થાનિક લેવલે રજૂઆત છતાં કોઈ પરિણામ આવ્યું નથી. જેના કારણે ઉચેડિયા ગામના ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે.

Most Popular

To Top