Gujarat

ગુજરાતનાં આ શહેરોમાં વરસાદી ઝાપટા, કેરીના પાકને ભારે નુકસાન

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) પ્રિ-મોન્સૂન (Pre Monsoon) એક્ટિવીટી શરૂ થઈ ગઈ છે. કેટલાક શહેરોમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. ભારે પવન સાથે વાતાવરણમાં ઠંડક પસરી હતી. દક્ષિણ ગુજરાતના (South Gujarat) કેટલાક શહેરોમાં રવિવારની સાંજથી જ વાતાવરણમાં ઠંડક પસરી હતી. જ્યારે વહેલી સવારે વરસાદી (Rain) હળવો વરસાદ પણ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર 25 મેથી ચોમાસાનું આગમન થશે.

રાજ્યમાં આકરી ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવતા લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. રવિવારે સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે હિંમતનગરમાં તો વહેલી સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલું હતુ. તેમજ રાજ્યના અન્ય શહેરોમાં ગત રાત્રિથી ભારે પવન ફૂંકાવાની સાથી વરસાદી ઝાપટાં પાડ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. આ સિવાય મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ હાલ પણ યથાવત છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે ચોમાસાનું આગમન વહેલું રહેશે તેમજ ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેશે.

દક્ષિણ ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ રહેતા રવિવાર સાંજે સુરત સહિત અન્ય શહેરોમાં સાંજ પછી હિલ સ્ટેશન જેવું વાતાવરણ થઈ ગયું હતું. તેમજ સુરત સહિત અનેક શહેરોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. શહેરમાં આખો દિવસ ભારે પવન ફુંકાયા બાદ મોડી રાત્રે અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા જોવા મળ્યાં હતાં. આ સાથે જ અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટું પણ પડ્યું હતું. તો બીજી તરફ વલસાડ જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી ઝાપટા પડ્યાં હતાં. જેને લઈને સમગ્ર વલસાડ પંથકમાં ભારે ઠંડક પ્રસરી હતી.

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રવિવારે વાતાવરણમાં આવેલા પલટાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરતાં લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર અગામી 48 કલાક સુધી ભારે પવન ફૂંકાવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. 

વાતાવરણમાં અચનાક પલટો આવતા કેરીના પાકને ભારે નુકસાન થવાની ખેડૂતો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી કેસર કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતો મુશકેલીમાં મૂકાયા છે. માહિતી પ્રમાણે આ વર્ષે ગીરની કેસર કેરીને વાતાવરણ અનુકૂળ નહી હોવાથી 50 % ઉત્પાદન ઓછું જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ વંથલી તાલુકામાં કેરીનો પાક સદંતર નિષ્ફળ જોવા મળી રહયો છે. ખેડૂતોના કહ્યા પ્રમાણે દર વર્ષે એક આંબા પરથી 10 થી 15 મણ કેરીઓ ઉતારવામાં આવતી હોય છે જ્યારે આ વર્ષે 5 કીલો કેરી પણ આંબા ઊપર જોવા મળતી નથી. આવી પરિસ્થિતિમાં સરકાર કંઈક સહાય કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top