બાળકને મનગમતું ન મળે તો એ રિસાય-તોફાને ચઢે ને જોઈતું મેળવીને જ જંપે પણ મા-બાપની ઈચ્છા મુજબ એમને જો ન મળે તો? વેલ, તો દીકરા પર કેસ ફટકારે!
જી હા, હમણાં આવું જ કંઈક થયું છે. હરિદ્વાર રહેતાં માતા-પિતાએ એના પુત્ર તથા પુત્રવધૂ પર કેસ માંડ્યો છે કે હવે અમને એકાદ વર્ષમાં દાદા-દાદી બનાવી દો,નહીંતર…….
આ બાપાએ એના દીકરાને કહી દીધું છે કે નાનપણથી અત્યાર સુધી પેટે પાટા બાંધી તારા ઉછેર – અભ્યાસ ઈત્યાદિ પાછળ અમે તારી જે સાર-સંભાળ રાખી એના વળતર પેટે અમને રૂપિયા પાંચ કરોડ ચૂકવી દે…!
નિવૃત્ત પિતાએ સ્થાનિક કોર્ટમાં આવી અરજી દાખલ કરીને કહ્યું છે કે અમે પુત્રને અમેરિકા મોકલી પાઈલટ બનાવ્યો. ફાઈવ સ્ટાર હૉટેલમાં ધામધૂમથી લગ્ન કરાવ્યા પછી મોંઘી કાર ભેટ આપી અને એમને વિદેશમાં હનીમૂન કરાવ્યું. …કુલ રૂપિયા 60 લાખનો ખર્ચ કર્યો. અમારી મોટાભાગની બચત આમાં વપરાઈ ગઈ…. મેરેજને હવે 6 વર્ષ થઈ ગયાં પણ હજુ અમને પૌત્ર પ્રાપ્તિ નથી થઈ. પાઈલટ દીકરાની જોબ અત્યારે ગૌહાટીમાં છે જ્યારે પુત્રવધૂ હમણાં નોઈડા સિટીમાં નોકરી કરે છે. આમ બન્ને ભાગ્યે જ સાથે રહે છે…. અમારી હવે ઉંમર થઈ છે. પૌત્રનું મોં જોવા – એને ઉછેરવા તલસીએ છીએ. પુત્રવધૂને એની જોબની ચિંતા છે તો અમે કહ્યું છે કે તમારા સંતાનને અમે ઉછેરીશું. એની ચિંતા ન કરો… પણ દીકરો-વહુ બન્ને અમારી વાત કાને ધરતાં જ નથી. માનસિક રીતે અમે ત્રસ્ત થઈ ગયાં એટલે છેલ્લે અમારે આ રીતે કોર્ટના દરવાજા ખટખટાવા પડ્યા! બડો પેચીદો મામલો છે આ…!
જોઈએ, નામદાર ન્યાયમૂર્તિ આ કેસનો ઉકેલ કઈ રીતે લાવે છે?… પુત્ર અને એની વહુ એક નયે મહેમાનના આગમનના ખબર આપે છે કે તારીખ પે તારીખ લે છે કે પછી સાસુ-સસરાને રૂપિયા પાંચ કરોડ રોકડા ગણી દે છે…?!
આ તે કેવું આધાર કાર્ડ…?!
આપણે ત્યાં હવે દૂર દૂરનાં ગામડાંમાં પણ લોકોને પૅન કાર્ડ- આધાર કાર્ડનું મહત્ત્વ સમજાવા લાગ્યું છે. અભણ કહેવાતા-ગણાતા ગામલોકોની યુવા પેઢી પણ ATM કાર્ડથી બૅન્કમાંથી પૈસા કેમ કઢાવવા કે ઓનલાઈન આર્થિક વ્યવહાર કેમ કરવો એ ઝડપથી શીખી રહી છે. નોટબંધી પછી ડિજિટલ વ્યવસ્થા ગોઠવાઈ રહી હતી ત્યારે શરૂઆતમાં જે અંધાધૂંધી મચી હતી એ ધાર્યા કરતાં વધુ ઝડપે દૂર પણ થઈ ગઈ.
આમ છતાં, હજુય કયાંક ને કયાંક ગોટાળા થતા રહે છે અને આવા ગોટાળા માટે અભણ ગામલોકો કરતાં વધુ જવાબદાર હોય છે આપણા ‘ભણેલા-ગણેલા’ સરકારીબાબુ…. થોડા સમય પહેલાં આવી એક સરકારી ટીમ ગઈ હતી ઉત્તર પ્રદેશના બરેલી શહેર નજીકના એક ગામમાં. એમની ડયુટી હતી ગામવાળાના આધાર કાર્ડ બનાવી આપવાની. ગામવાળાનાં ઘર-ઠેકાણાં-નામ અને બીજી જોઈતી વિગત લઈને તાત્કાલિક આધાર કાર્ડ એ સરકારી ટીમ તૈયાર કરી આપતી હતી. આવી ટીમ ગામેગામ ફરે-સવારથી સાંજનો કૅમ્પ લગાવે-કામ પતાવી ઉપડે બીજે ગામ. …આવા એક ગામની મધુદેવી નામની મહિલાની 6 વર્ષીય દીકરી આરતીનું પણ બધાની સાથે આધાર કાર્ડ બની ગયું. ઘરવાળા બધા ખુશ હતા કારણ કે આરતીને અક્ષરજ્ઞાન આપવા નિશાળમાં બેસાડવાની હતી અને નવા નિયમ મુજબ એ માટે આધાર કાર્ડ જરૂરી હતું. મધુદેવી અને એના પતિદેવ એમની દીકરીને લઈને સ્કૂલે ગયાં. આરતીનું આધાર કાર્ડ જોઈને નિશાળના શિક્ષકો- કલાર્ક, ઈત્યાદિ બધા હસવા માંડયાં કારણ કે આરતીના આધાર કાર્ડ પર એના નામને બદલે લખ્યું હતું :
‘મધુ કા પાંચવા બચ્ચા..!’ પેલી ભણેલી-ગણેલી સરકારી ટીમના આવા લોચાને લીધે આરતીને નિશાળમાં એડમિશન ન મળ્યું. આરતીનાં મા-બાપ તો અભણ. આધાર કાર્ડને કોની પાસે સુધરાવી-નવું કાર્ડ કઈ રીતે મેળવવું એની વિધિ તો એમને ખબર ક્યાંથી હોય? એ મુંઝાઈને બેસી રહ્યાં. સરકારી કર્મચારીઓની આવી બેદરકારીની વાત ફરતી ફરતી હવે જિલ્લા અધિકારી પાસે પહોંચી છે. એમણે આરતીનું નવું આધાર કાર્ડ તૈયાર કરાવી એને શાળામાં પ્રવેશ અપાવી દેવાની બાંયેધરી આપી છે..જય હો!
લો, હવે આ બંદર કી તારીખ પે તારીખ…
‘તારીખ પર તારીખ’ના ચક્કર સિવાય પણ ક્યારેક તો સાવ ભળતા કારણસર જ કોર્ટ કેસ લંબાઈ જાય છે. તાજેતરનો આ કિસ્સો જાણશો તો હસવું કે રડવું એ નક્કી કરવા માથું ખંજાળવું પડશે. કિસ્સો જયપુરનો છે. 6 વર્ષ પહેલાં એક યુવાનની હત્યા થઈ. પોલીસ તપાસમાં બે આરોપીની ધરપકડ થઈ. હત્યાના હથિયાર સહિત ઘટનાસ્થળેથી પોલીસે કુલ 12 પુરાવા એકઠા કર્યા. કોર્ટમાં રાબેતા મુજબ મંદ ગતિએ કેસ ચાલી રહ્યો હતો. ગયે અઠવાડિયે કોર્ટે અચાનક બધા પુરાવા પેશ કરવા કહ્યું ત્યારે સરકારી વકીલ નમાણું મોં કરીને ઊભા રહ્યા. જજસાહેબે પુરાવા માટે પૂછયું તો કારણ જાણવા મળ્યું કે પુરાવા ચોરાઈ ગયા છે. ‘કઈ રીતે ?’ તો જવાબ મળ્યો કે સંબંધિત પોલીસ સ્ટેશનમાં જગ્યા ન હોવાથી એ પુરાવાની પેટી પોલીસ સ્ટેશન બહારના એક વૃક્ષના છાંયડે મૂકી હતી, જેને એ વિસ્તારની વાંદરાઓની એક ટોળકી ઊંચકી ગઈ હતી…!
ગિન્નાયેલી કોર્ટે ફરી કેસની તારીખ પાડીને કડક ફરમાન કર્યું છે. એ અનુસાર પોલીસવાળા પેલી બંદર ટોળકીની સઘન તલાશમાં નીકળી પડ્યા છે, જે પેલાં પુરાવાવાળાં ચોરાયેલાં શસ્ત્રો સાથે ગાયબ છે…!
ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ
કોરોનાની ઘરબંધી વખતે મોટાભાગના લોકો TV ઉપરાંત સોશ્યલ મીડિયા પર ખાસ્સો સમય વીતાવતા હતા. હવે બહુ ઝડપથી બધા એમનાં મૂળ કામ -ધંધે લાગી ગયા છે. આમ છતાં તાજેતરમાં ‘સ્ટાટિસ્ટા’નામની એક ગ્લોબલ વેબ ઈન્ડેક્સ એજન્સીએ 16થી 64ની આયુવાળા આશરે 9 લાખ લોકોનું સર્વેક્ષણ કર્યું, જેમાં ક્યા દેશના લોકો કેટલા કલાક સોશ્યલ મીડિયા પર ગાળે છે એનું તારણ રસપ્રદ છે. એના અનુસાર, નાઈજીરિયાવાળા રોજના 4 કલાક અને 7 મિનિટ સોશ્યલ મીડિયા પર ગાળે છે તો…
ફિલિપાઈન્સ (4 કલાક-6 મિનિટ)
ભારત (2.36)
અમેરિકા (2.14)
ચીન (1.57)
બ્રિટન (1.48)
જર્મની (1.29) અને છેલ્લે, ઊંધું ઘાલીને પોતાનાં જ કામમાં વ્યસ્ત કામઢાં જાપાનીઓ દિવસ દરમિયાન માંડ 51 મિનિટ જ સોશ્યલ મીડિયા પર લટાર મારવા નીકળે છે…!
- ઈશિતાની એલચી *
સુખ તો બેરર ચેક જેવું છે.
મળે કે તરત જ વટાવી લેવું!!