હાલોલ: યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર બિરાજમાન જગતજનની મહાકાળી માતાજીના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુ ભક્તજનોની સુખ સુવિધા અને સહુલત ખાતર મહાકાળી માતાજીના મંદિરને અતિ ભવ્ય અને વધુ વિશાળ બનાવવા કરોડોના ખર્ચે મહાકાળી માતાજીના મંદિરની પુનઃ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મંદિરની આસપાસ મહાકાળી માતાજીના ભક્તજનોની સુખ-સુવિધા અને સહુલત ખાતર અન્ય વિકાસકીય બાંધકામોની પણ કરોડો રૂપિયાના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત મહાકાળી માતાજીના મંદિરના પગથિયા પાસે દુધિયા તળાવ નજીક આવેલ જૂનું પતરાના શેડવાળું અન્નક્ષેત્ર તોડી 500 ઉપરાંત માણસોનો સમાવેશ થઈ શકે તેવું નવીન ભવ્ય અન્નક્ષેત્ર બનાવવાની તેમજ નવીન ડોટમેટરી હોલનું નિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જેમાં 12 કરોડ જેટલી રકમના ખર્ચે બનનાર ભવ્ય અન્નક્ષેત્ર અને ડોટમેટરી હોલનું શુક્રવારે ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું જેમાં અન્નક્ષેત્ર અને વિશ્રામગૃહનું ખાતમુહૂર્ત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, રાજ્ય આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર સહિત પૂર્વ મંત્રી અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, તથા મહાકાળી માતાજી મંદિર ટ્રસ્ટ ચેરમેન સુરેન્દ્રભાઈ પટેલ કાકાના વરદહસ્તે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને પૂજા પાઠ સાથે યોજાયું હતું આ પ્રસંગે પંચમહાલ જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિનભાઇ પટેલ હાલોલ પ્રાંત અધિકારી સહિત અન્ય મહાનુભવોએ વિશેષ હાજરી આપી હતી જેમાં ખાતમુહૂર્ત બાદ અર્જુનસિંહ ચૌહાણ,નિમિષાબેન સુથાર,જયદ્રથસિંહ પરમાર સહિત ઉપસ્થિત મહાનુભવોએ મહાકાળી માતાજીના દર્શન કરી માતાજીના આર્શીવાદ મેળવી ધન્યતા અનુભવી હતી. જ્યારે તમામ રાજકીય મહાનુભાવોએ પાવાગઢ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.