વડોદરા : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ઓમ શાંતિ ભુવન, બહુચરાજી નગર પાસેના મુખ્ય માર્ગ પર મસમોટો ભ્રષ્ટાચારનો ભૂવો નિર્માણ પામ્યો છે. હજી તો ચોમાસાની ઋતુની શરૂઆત નથી થઈ તે પહેલાં જ શહેરમાં ભુવા પડવાની શરૂઆત થતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. સ્માર્ટ સિટી વડોદરામાં એક તરફ પાણી ડ્રેનેજ સહિતની સમસ્યાઓની ભરમાર જોવા મળી રહી છે.બીજી તરફ વિકાસ કામોને વેગ આપવા પાલિકા તંત્રે કમર કસી છે.પરંતુ શહેરના કેટલાક વિસ્તારોમાં હજીએ વિકાસ શોધે મળતો નથી તેવા વિસ્તારના રહીશો આક્ષેપ કરી રહ્યા છે.તેવામાં કારેલીબાગ વિસ્તારમાં આવેલ ઓમ શાંતિ ભવન પાસે ભર ઉનાળે પડેલા ભુવાએ તંત્રની પોલ ઉઘાડી પાડી દીધી છે.
મહત્ત્વની બાબત તો એ છે કે હજી તો ચોમાસાની શરૂઆત નથી થઈ તે પહેલા જ ભર ઉનાળે ભુવો નિર્માણ પામતા કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવાના કામોમાં હલકી ગુણવત્તાવાળી કામગીરી કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું સપાટી પર આવવા પામી છે.જોકે આવા કોન્ટ્રાક્ટરો સામે પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા કોન્ટ્રાક્ટરોને છૂટો દોર મળી ગયો છે.જ્યારે શાષકોના માનીતા પાંચ કોન્ટ્રાક્ટરોને જ કામ આપવામા આવે છે અને આ પાંચ કોન્ટ્રાક્ટર દ્વારા જ અનેક વિસ્તારોમાં રોડના કામો કરવામાં આવે છે.
જેમાં થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કરનારને મલાઈ મળતી હોવાના આક્ષેપ શહેરના જાગૃત નાગરિકોએ કર્યા હતા.તેઓએ જણાવ્યું હતું કે લોકોના પૈસાને ખાડામાં નાંખવામાં માહેર કોર્પોરેશન અને એના અધિકારીઓ ઉપર ચૂંટાયેલા પાંખનો કોઈપણ પ્રકારનો અંકુશ નથી. જેના કારણે બેલગામ બની ચૂકેલા અધિકારીઓ અને એમના મળતિયાઓ સાથે લઈને લોકોના પૈસાનું પાણી કઈ રીતે થાય છે.તેનું જીવતું જાગતું ઉત્તમ ઉદાહરણ એટલે કારેલીબાગ વિસ્તારમાં પડેલ ભૂવો છે.એક તરફ કોર્પોરેશનમાં શાસકો લાખો કરોડો રૂપિયા ચા નાસ્તા પાછળ ખર્ચ કરે છે.
પરંતુ ખરેખર આ પૈસા એના કરતાં જો લોકોની સુવિધામાં અને તેમને પડતી તકલીફોને દૂર કરવા માટે ઉપયોગ કર્યો હોય ત્યારે સારું કહેવાય.એક તરફ લોકો કમરતોડ વેરો ભરે છે.પરંતુ તેની સામે તેમને દૂષિત પાણી મળે છે.લોકોને ખાડોદરા જેવા ઉપનામોમાં રહેવાની પરિસ્થિતિ થઈ છે.તેનું સૌથી મોટું કારણ છે ચૂંટાયેલા પાંખના પ્રતિનિધિઓનો અંકુશ અધિકારીઓ પર નથી.જે વડોદરા સયાજીરાવ ગાયકવાડની નગરી હતી.તે આ લોકોના પાપે ખાડોદરા નગરી થઈ ગઈ છે.અને હવે આ ભુવા નગરી થઈ રહી છે.જે ન થાય માટે એને તાત્કાલિક ધોરણે બંધ કરે અને જ્યાં ભૂવા પડતા હોય તેને તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી માંગણી કરી હતી.