સુરત: (Surat) દેશભરમાં ઘણા સમયથી અઝાન અને હનુમાન ચાલીસાને લઈને શાબ્દિક યુદ્ધ છેડાયું છે. ત્યારે પોલીસ કમિશનર (Police Commissioner) દ્વારા એક રૂટિન જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં શહેરના કોઈપણ ધાર્મિક સ્થળ (Place of Worship) ઉપર જાહેરમાં મોટેથી લાઉડ સ્પીકર વગાડવા પ્રતિબંધ ફરમાવ્યો છે. લાઉડસ્પીકર (Loudspeaker) ધાર્મિક સ્થળના પરિસરની અંદર જ વાગતું હોય તેમાં કોઈ વાંધો નથી.
- ધાર્મિક સ્થળો ઉપર લાઉડ સ્પીકર વગાડવા હોય તો પોલીસની મંજૂરી લેવી પડશે
- રાત્રે 10થી 6 દરમિયાન લાઉડસ્પીકર વગાડી શકાશે, નહીં બાકીના સમયમાં પણ મંજૂરી જરૂરી
- અઝાન હોય કે હનુમાન ચાલીસા મંદિર પરિસરની બહાર અવાજ નહીં આવવો જોઈએ
મહારાષ્ટ્રમાં મનસે પ્રમુખ રાજ ઠાકરે દ્વારા રમજાન પહેલા આજાનનો મુદ્દો છેડાયો હતો. જેની અસર છેક યુપીમાં જોવા મળી હતી. અને યુપી સરકારે ધાર્મિક સ્થળોના પરિસરોમાંથી લાઉડસ્પીકર કાઢવા આદેશ જારી કર્યો હતો. હવે સુરત પોલીસ કમિશનરે એક રૂટિન જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં ધ્વનિ પ્રદૂષણને લઈને કેટલીક બાબતો સ્પષ્ટ કરાઈ છે. આ જાહેરનામું 19 મે થી 17 જુલાઈ સુધી લાગુ રહેશે. જેમાં શહેરની હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના 100 મીટર સુધીમાં શાંતિ જળવાઈ રહેવી જોઈએ.
આ સિવાય પણ કોઈપણ ધાર્મિક સ્થળ પર લાઉડ સ્પીકર જાહેરમાં મોટેથી વગાડવા રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ સિવાયના સમયમાં જો સ્પીકર વગાડવા હોય તો સ્થાનિક પોલીસ સ્ટેશન કે સંબંધિત અધિકારીની મંજુરી મેળવવાની રહેશે. તેમાયે અમુક નકકી કરેલી માત્રાથી વધારે અવાજે સ્પીકર વગાડી શકાશે નહીં. હવે કોટ વિસ્તારમાં ઘણી જગ્યા પર મોટેથી ધાર્મિક સ્થળો પર સ્પીકરના અવાજ સંભળાય છે ત્યારે તેની ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે કે કેમ તે જોવાનું રહ્યું.