Feature Stories

સુરતની પ્રથમ હોટેલ-રેસ્ટોરન્ટ બિસ્મિલ્લાહ હોટેલનો 129 વર્ષનો ભવ્ય ઇતિહાસ

બ્રિટીશ રાજ દરમિયાન સુરત રેલવે સ્ટેશને આવતા અને જતા પેસેન્જરોના ભોજન અને નાસ્તા માટે સુરત રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વારની બિલકુલ સામે વર્ષ 1893માં હાજી સુમારે બિસ્મિલ્લાહ હોટેલ લોજીંગ એન્ડ બોર્ડિંગની સ્થાપના કરી હતી. એ રીતે બિસ્મિલ્લાહ હોટેલ સુરતના ઇતિહાસની પ્રથમ હોટેલ અને રેસ્ટોરન્ટ માનવામાં આવે છે જયાં પેસેન્જરો વિરામ લઇ ભોજન આરોગતા હતા અથવા તો મોડી રાતની ટ્રેનોમાં ઉતરીને નાસ્તાપાણી કરતા હતા. સુરતમાં જયારે ટેક્સ પ્લાઝો ફરતી હોટેલ શરૂ થઇ ત્યારે તેના આર્કીટેકટ અને સ્ટ્રકચરલ એન્જીનીયર હોટેલના બાંધકામ દરમિયાન બિસ્મિલ્લાહ હોટલમાં રોકાયા હતા. ફલાઇંગ રાણી ટ્રેન જયારે સપ્તાહમાં બે દિવસ મુંબઇ-સુરત વચ્ચે ચાલતી હતી.

ત્યારે બ્રિટીશરોની બ્રેકફાસ્ટ અને ડિનરની પહેલી પસંદગી બિસ્મિલ્લાહ હોટેલ રેસ્ટોરન્ટની રહેતી હતી. હાજી સુમાર પછી આ પેઢીનું સંચાલન જાન મોહંમદ હાજી સુમાર કાસ્માનીએ કર્યું હતું અને તે પછી તેમના સાત સુપુત્રો આ વ્યવસાયમાં જોડાયા હતા જાન મોહંમદ કાસ્માનીના ચોથા નંબરના પુત્ર સફીભાઇ કાસ્માની કે જે પાછળથી શહેરમાં સફીભાઇ બિસ્મિલ્લાહવાળા તરીકે શહેરભરમાં જાણીતા થયા હતા. તેમણે 70ના દાયકામાં બિસ્મિલ્લાહ જયુસ સેન્ટરનો નવો વ્યવસાય શરૂ કર્યો હતો જે આજે તેમના સુપુત્ર આસીફ બિસ્મિલ્લાહવાળા જયુસ, થીકશેક અને આઇસ્ક્રીમની ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફ્રેન્ચાઇઝી ચેઇન ચલાવે છે. પેઢીએ ફાસ્ટફુડના વેપારમાં પણ ઝંપલાવ્યું છે. 129 વર્ષનો ભવ્ય ઇિતહાસ ધરાવનાર બિસ્મિલ્લાહ લોજીંગ એન્ડ બોર્ડિંગના સંચાલકોએ ગુજરાતમિત્ર સાથે રોચક વાતો શેર કરી હતી.

1893માં હાજી સુમારે બિસ્મિલ્લાહ હોટેલની શરૂઆત કરી હતી
બ્રિટિશ રાજ વખતે ટ્રેન મારફત અવરજવર કરતા પેસેન્જરોની સંખ્યા વધતા 1893માં હાજી સુમારે બિસ્મિલ્લાહ હોટેલ લોજીંગ એન્ડ બોર્ડિંગની શરૂઆત કરી હતી. તે સમયથી આ હોટેલની બિરયાની શહેરભરમાં લોકપ્રિય બની હતી. હાજી સુમાર પછી તેમના સાત દિકરાઓએ આ હોટેલ રેસ્ટોરન્ટનું સંચાલન કર્યું હતું. આજે તેમની ચોથી પેઢી આ વ્યવસાયમાં સક્રિય છે. સુરતના ઘણા લોકો ઘોડાગાડીમાં બેસી બિસ્મિલ્લાહ હોટેલની વાનગીઓનો ચટાકો મેળવવા આવતા હતા અને તેની સાથે સાથે બે ત્રણ ફલેવરના દૂધ કોલ્ડ્રીંકસ પણ પીવાની લિજ્જત માણતા હતા.

સુરતનાં તે સમયનાં સિંઘમ ગણાતા DSP દારૂવાલા અને સ્વ. કાશીરામ રાણાની અહીં બેઠક હતી
પેઢીના સંચાલક મર્હુમ શફીભાઈ બિસ્મિલ્લાહના સેવાભાવી સ્વભાવને લીધે સુરતમાં એક જમાનામાં પોલીસ કમિશનરેટના સ્થાને DSP રેન્જ હતી ત્યારે તે સમયનાં સિંઘમ ગણાતા DSP દારૂવાલા શફીભાઈની મિત્રતાને લીધે દિવસમાં એકવાર આ હોટેલની મુલાકાતે અચૂક આવતા હતાં. એવીજ રીતે શહેરની બહારથી સ્વ. કાશીરામ રાણા જ્યારે પણ આવતાં ત્યારે રેસ્ટોરન્ટની મુલાકાતે અચૂક આવતાં અને અહીં આઈસ્ક્રીમનો ટેસ્ટ કરીને જ ઘરે જતા હતાં. સુરતમાં એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ તરીકે જાણીતા નિવૃત્ત DYSP એમ.જી. કનેરિયાની પણ શફીભાઈ સાથે ગાંઢ મિત્રતા હતી. 2005માં શફીભાઈનું નિધન થયા પછી જ્યુસ-થીક શેક અને આઈસ્ક્રીમનો વેપાર તેમના સુપુત્રો આસિફ બિસ્મિલ્લાહે મોરના ઈંડાને ચિતરવા ન પડે એ કહેવતને સાચી પાડી શહેરની બહાર ગુજરાત અને મહારાષ્ટ્રના શહેરો સુધી વિસ્તાર્યો છે.

રેલ્વેમાં બિનવારસી લાશોને અંતિમધામ પહોંચાડવાની શરૂઆત શફીભાઈએ કરી
પેઢીના મર્હુમ સંચાલક શફીભાઈ બિસ્મિલ્લાહે 60ના દાયકામાં રેલ્વેમાં બિનવારસી હાલતમાં મૃત્યુ પામતાં જુદાજુદા ધર્મમાં લોકોની અંતિમ ક્રિયા જે તે ધર્મની વિધિ મુજબ થાય તે માટે બિસ્મિલ્લાહ હોટલના પ્રવેશદ્વારે દાન પેટી મુકી હતી. આ કાર્ય વિસ્તારવા માટે 1994માં તેમણે એકતા ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટે 1994 થી 2022 સુધી હજારોની સંખ્યામાં બિનવારસી મૃત્યુ પામતાં લોકોની જે તે ધર્મની વિધિ મુજબ અંતિમ ક્રિયા કરી હતી. રેલ્વેમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધી હતી ત્યારે સ્વ. શફીભાઈ બિસ્મિલ્લાહવાલા ઘરના રૂપિયા નાંખીને પણ સેવા કરતા હતા.

બ્રિટીશર અને પ્રવાસીઓ બિસ્મિલ્લાહ હોટેલમાં રોકાતા હતા : જાવીદ બિસ્મિલ્લાહ હોટલવાળા
બિસ્મિલ્લાહ હોટેલના સંચાલકો પૈકીના એક જાવીદ અ. કાદર કાસ્માની (બિસ્મિલ્લાહ હોટેલવાળા) કહે છે કે અમાર વડીલો પાસેથી સાંભળવા મળ્યું હતું કે બ્રિટિશર અને રાંદેરમાં રહેતા સફરીઓ તે જમાનામાં સુરત રેલવે સ્ટેશને એક માત્ર હોટેલ અને રેસ્ટોરન્ટ હોવાથી અહીં રોકાતા હતા અને ભોજનની લીજ્જત માણતા હતા. તે સમયે સુરતમાં કાર કે ઓટો રિક્ષાનું ચલણ ન હતું. રેલવે સ્ટેશનથી રાંદેર સુધી માત્ર ઘોડાગાડી ચાલતી હતી એવી સ્થિતિમાં રાંદેરમાં રહેતા લોકો વહેલી સવારે ફલાઇંગરા ણીમાં મુંબઇ જવા માટે આગલી રાતથી બિસ્મિલ્લાહ હોટેલમાં આવીને રોકાતા હતા અને બીજા દિવસે સવારે ટ્રેનમાં મુંબઇ જતા હતા. રેસ્ટોરન્ટની સાથે ગેસ્ટ હાઉસની સુવિધા હોવાથી તે સમયે પણ આ વિસ્તાર ભીડભાડથી ભરેલો રહેતો હતો.

24 કલાકનું લાઈસન્સ ધરાવનાર બિસ્મિલ્લાહ શહેરની પ્રથમ રેસ્ટોરન્ટ: આસિફ બિસ્મિલ્લાહવાલા
પેઢીના સંચાલકો પૈકીના એક આસિફ બિસ્મિલ્લાહવાલા (કાસ્માની) કહે છે કે રેલ્વે સ્ટેશનની નજીક એક માત્ર હોટેલ-રેસ્ટોરન્ટ હોવાથી ટ્રેનો મારફત આવતા-જતાં પેસેન્જરોને ધ્યાનમાં રાખી બિસ્મિલ્લાહ રેસ્ટોરન્ટને 24 કલાક લાઈસન્સ મળ્યું હતું. હોટેલ-રેસ્ટોરન્ટ માટે લાઈસન્સ પ્રથા આવી ત્યારે પ્રથમ લાઈસન્સ આ હોટેલ-રેસ્ટોરન્ટને મળ્યું હતું. પેઢી પાસે 1976 પછીના લાઈસન્સની નકલો પણ સાચવીને રાખવામાં આવી છે. બિસ્મિલ્લાહ હોટેલની બિરયાની ખૂબ પોપ્યુલર હોવાથી હાવડા એક્સપ્રેસ સુરતમાં જ્યારે 20-30 મિનિટ રોકાતી ત્યારે પેસેન્જરો ટ્રેન છોડી પાર્સલ લેવા માટે આવતા હતા.

  • વંશવેલો
    હાજી સુમાર
  • જાન મોહંમદ હાજીસુમાર કાસ્માની
  • અ. રહેમાન જાનમોહંમદ કાસ્માની
  • ઇસ્માઇલ જાનમોહંમદ કાસ્માની
  • અ. કાદર જાનમોહંમદ કાસ્માની
  • મોહંમદસફી જાનમોહંમદ કાસ્માની
  • અ. રઝાક જાનમોહંમદ કાસ્માની
  • મો. યાકુબ જાનમોહંમદ કાસ્માની
  • મો. ઐયુબ જાનમોહંમદ કાસ્માની

હોટેલ-રેસ્ટોરન્ટની સાથે જામ બેર્ક્સ નામની બેકરી પણ ચાલતી હતી
પેઢીના સંચાલકો પૈકીના એક આસિફ બિસ્મિલ્લાહવાલા (કાસ્માની) કહે છે કે હોટેલ રેસ્ટોરન્ટ સાથે પેઢીની જામ બેકર્સના નામે બેકરી પણ હતી. સુરત રેલ્વે સ્ટેશનની સામે હોટલ-રેસ્ટોરન્ટને લાગુ બેકરીમાંથી પ્રવાસીઓ પરવારી, નાનખટાઈ અને અન્ય બિસ્કીટની ખરીદી કરી મુંબઈ લઈ જતા હતા. 1995 સુધી આ બેકરી ચાલી હતી. 1995માં સુરતના તે સમયના મ્યુનિસિપલ કમિશ્નર એસ.આર. રાવે ચોકબજારથી સ્ટેશન સુધીનો રાજમાર્ગ પહોળો કરવા ઓપરેશન ડિમોલિશન ચલાવતા દાયકાઓ જુની આ બેકરી કપાતમાં જતી રહી હતી.

B-CREAMY જ્યુસ-થીકશેક-આઈસ્ક્રીમ ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્ય શહેરો સુધી વિસ્તર્યુ
પેઢીના સંચાલકો પૈકીના એક આસિફ બિસ્મિલ્લાહવાલા (કાસ્માની) એ પોતાની માર્કેટીંગ સ્કીલ અને આ ફિલ્ડમાં સંશોધન થકી B-CREAMY જ્યુશ-થીકશેક-આઈસ્ક્રીમ ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્ય શહેરો સુધી પહોચાડયું છે. આસિફ બિસ્મિલ્લાહના MD પદ હેઠળ B-CREAMY ને સુરતની ટોપ 100 બ્રાન્ડમાં સ્થાન મળ્યું છે. નેવું ના દાયકામાં શરૂ થયેલી આ ફર્મ થીકશેકમાં 100 પ્લસ જ્યારે આઈસ્ક્રીમમાં 30 પ્લસ ફલેવરનું વેચાણ કરે છે. જેલી વીથ આઈસ્ક્રીમની રેસિપીની દેશમાં શોધ આ ફર્મે કરી છે. B-CREAMY ની જેલી મલાઈ, ગોટાળા, જ્યસ સેન્ટરની સિઝનલ ફ્રેશ ક્રિમ, ડ્રાયફુટ ક્રિમ ખૂબ લોકપ્રિય રહ્યા છે. જેલી મલાઈ, પાઈનેપલ ફલેવરમાં અને ગોટાળા જેલી મેંગો ફલેવરમાં પ્રથમવાર અહીં બનાવવામાં આવી હતી.

શફીભાઈ બિસ્મિલ્લાહએ સુરતના પ્રથમ જ્યુસ સેન્ટરની સ્થાપના કરી હતી
પેઢીના સંચાલકો પૈકીના એક આસિફ બિસ્મિલ્લાહવાલા (કાસ્માની) કહે છે કે મારા પિતા મર્હુમ શફી બિસ્મિલ્લાહવાલાએ સુરતમાં પ્રથમવાર જ્યુસ સેન્ટરની સ્થાપના કરી હતી. રેસ્ટોરન્ટમાં દૂધ કોલ્ડ્રીકની એક-બે વેરાયટી વેચાતી હતી ત્યારે શફી ભાઈએ રેસ્ટોરન્ટની બહાર દુકાન લઈ જ્યુસ સેન્ટરની સ્થાપના કરી હતી તે સમયે પ્રારંભમાં હેન્ડમેડ મિલ્કશેક, રોઝ, પાઈનેપલ અને મોસંબી-સંતરાનું જ્યુસ હાથથી ચાલતી મશીનરીથી બનાવવાનું શરૂ કર્યુ હતું. પેઢીમાં હું જોડાયો ત્યારે મુંબઈથી થિકશેક બનાવવાની આધુનિક મશીનરી લાવવામાં આવી હતી. કાજુ-અંજીર, ચોકલેટ ચીપ્સ અને ડ્રાયફુટનું થીકશેક પીવા લોકો છેક મુંબઈ અને અમદાવાદથી આવતા બિસ્મિલ્લાહ જ્યુસ સેન્ટરને ધ થીકશેક કિંગ ઓફ સુરત તરીકે ઓળખવામાં આવતું હતું. સેન્ટર આજે ફાલુદાની 12 આઈટમો બનાવે છે.

સહારાનો લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ પેઢીને 2003માં મળ્યો હતો
પેઢીના સંચાલકોને 2003માં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. 2019માં ઝાેમેટોએ બેસ્ટ બેવરીઝ એવોર્ડ આપ્યો હતો. એક સમયે આ રેસ્ટોરન્ટ સાફ સફાઈ માટે રાત્રે 2 થી સવારે 6 વાગ્યાં સુધી બંધ રહેતી હતી. બાકીના સમયે સતત ધમધમતી રહેતી હતી. સુરતના પૂર, પ્લેગ, તોફાનો, 1975ના અનામત વિરોધી આંદોલન વખતે પણ હોટલ-રેસ્ટોરન્ટ ચાલુ રહી હતી. પોલીસ સહિત સરકારી અધિકારીઓના ભોજન અને નાસ્તા માટે વિશેષ સુવિધા અહિં રાખવામાં આવતી હતી.

Most Popular

To Top