Entertainment

વૅબસિરિઝમાં ય છવાયો ‘પુષ્પા’નો જાદુ

કરુણા પાંડે હવે ‘પુષ્પા ઇમ્પોસીબલ’ તરીકે નવી શરૂઆત કરશે. ‘વો રહેનેવાલી મહેલોં કી’માં તે આવી ત્યારે આલોકનાથ, કનિકા કોહલી, શગુફતા અલી વગેરે કળાકારો વચ્ચે નજરે ચડી નહોતી. પણ ધીરે ધીરે તે જગ્યા બનાવતી ગઇ. ‘યહાં મેં ઘર ઘર ખેલી’ માં તેને શૈલી વિમલ પ્રસાદની ભૂમિકા મળેલી. શરૂના વર્ષો પોતાની ઓળખ બનાવવામાં જતા હોય છે પણ ‘દેવાંશી’માં તે મા કુસુમ સુંદરી તરીકે અલગ ઓળખ મેળવી શકી અને હવે જે.ડી. મજિથીયાની ‘પુષ્પા ઇમ્પોસિબલ’માં તે એવી મા બની છે જેને ત્રણ સંતાનો છે અને મા તરીકે તે આ સંતાનોને ખાસ બનાવવા માટે મથે છે. હવે તે આ સિરીઝથી ‘દેવાંશી’ને ય વટાવી જવા માગે છે. જો કે ઘણા કહે છે કે આ સિરીયલ ‘અનુપમા’ સામે સ્પર્ધા કરશે પણ કરુણા કહે છે કે આ ધારણા ખોટી છે. હા, અમે ટીઅારપીમાં ઊંચે રહેવા જરૂર પ્રયત્ન કરીશું.

‘પ્રેમ રતન ધન પાયો’ જેવી ફિલ્મ કરી ચુકેલી કરુણા પાંડે મૂળ લખનૌની છે. એક સમયે ખાસ્સું શરીર ધરાવતી કરુણા હવે સરસ બોડી ધરાવે છે. ૭૪ કિલો વજનમાંથી ૫૫ કિલો સુધી પહોંચી ગઇ છે. જોકે ‘પુષ્પા ઇમ્પોસીબલ’માં મા દેખાવા માટે તે સાવ પાતળી નહીં રહેશે. છેલ્લા બે-ત્રણ વર્ષ તેના માટે પરિવર્તક રહ્યા છે. બે વર્ષ પહેલાં તેણે નવુ ઘર ખરીદ્યું છે. પણ ‘મોતીચુર ચકનાચુર’, ‘લવહેકર્સ’ જેવી ફિલ્મો મળવાથી તે ખુશ પણ રહી હતી. તે કહે છે કે ફિલ્મ હોય યા ટી.વી. હું કયાંય પાછી પડવા માંગતી નથી. આ વર્ષે તેની ‘મિ. ખુજલી’ ફિલ્મ પણ આવી રહી છે. ‘બોલીવુડ ડાયરીઝ’ની લતા તરીકે નામના મેળવ્યા પછી તે ફિલ્મો મેળવવામાં પસંદગી ધરાવતી હોય છે.

મૂળ દહેરાદૂનની કરુણા પાંડેના પિતા લશ્કરમાં હતા. ઇંગ્લિશ સાથે બી.એ. થયેલી કરુણા સારી ડાન્સર, કોરિયોગ્રાફર પણ છે. અંબાલા, શિલોંગ, ચેન્નઇ, આગ્રા, ઉદ્યમપુર, લખનૌમાં ભણેલી કરુણા પાંડે માને છે કે મારી કેળવણી જુદા જુદા શહેરોમાં થઇ એટલે મને મુંબઇમાં રહેવામાં વાંધો નથી આવ્યો.

દરેક એકટ્રેસ માટે નવી ભૂમિકા નવી શકયતા લઇને આવે છે અને એટલે તે ‘પુષ્પા ઇમ્પોસિબલ’ બાબતે ઉત્સાહી છે. સબ ટીવી પર રજૂ થનારી આ સિરીયલમાં તેની સાથે દેશના દગડ, નવીન પંડિત, દર્શન ગુર્જર, ભકિત રાઠોડ વગેરે છે. આ સિરીયલના નિર્માતા જે.ડી. મજિથીયા અનેક સફળ સિરીયલ આપી ચુકયા છે. કરુણા પાંડે પહેલીવાર જે.ડી. મજિથીયા માટે કામ કરે છે ત્યારે કહે છે કે ટી.વી. સિરીયલો સામાન્યપણે સ્ત્રીપાત્રો કેન્દ્રી જ હોય છે એટલે અમે ‘પુષ્પા ઇમ્પોસીબલ’ને પણ પોસીબલ બનાવીશું.

Most Popular

To Top