અનિલ કપૂરની નિર્માતા અને અભિનેતા તરીકેની ફિલ્મ ‘થાર’ ને OTT પર રજૂ કરવામાં આવી છે. એમાં પુત્ર હર્ષવર્ધનની મહત્ત્વની ભૂમિકા હતી એ પરથી ખ્યાલ આવી જાય છે કે નિર્માણનો મૂળ હેતુ કયો હતો. પરંતુ ‘થાર’ માત્ર હર્ષવર્ધન માટે જ બનાવવામાં આવી નથી એ પણ સાબિત થાય છે. ‘થાર’ માં હર્ષવર્ધને એક રહસ્યમય વ્યક્તિની ભૂમિકા નિભાવી છે. તેણે બહુ સહજ રીતે કામ કર્યું છે. એવું એક પણ દ્રશ્યમાં લાગતું નથી કે તે જબરદસ્તી કામ કરી રહ્યો છે. સંવાદ ઓછા છે પણ આંખોનો પ્રભાવ વધુ છે. તેની દરેક ફિલ્મમાં અલગ જ ભૂમિકા રહી છે. એક અભિનેતા તરીકે તેનો વિકાસ ધીમે ધીમે દેખાઇ રહ્યો છે કેમ કે તે બીજા ફિલ્મી હીરો જેવું કામ સ્વીકારતો નથી. તેની ‘ભાવેશ જોશી સુપરહીરો’ ફ્લોપ રહી હતી. છતાં સમીક્ષકોને જબરદસ્ત અનુભવ આપી ગઇ હતી.
અનિલ કપૂર પોતાના પુત્રને અભિનેતા તરીકે પ્રોત્સાહન આપવા સાથે પોતાની કારકિર્દી ઉપર પણ ધ્યાન આપી રહ્યો છે. વરુણ ધવન સાથેની ‘જુગ જુગ જિયો’ નો પ્રચાર શરૂ કરી દીધો છે. આ ઉપરાંત ફાઇટર, એનિમલ તખ્ત જેવી 6 ફિલ્મો કરી રહ્યો છે. અનિલ સાથે અનેક કોમેડી ફિલ્મો કરનાર સતીષ કૌષિક ‘થાર’ માં દેખાયા છે. બંનેનું ટ્યુનિંગ કમાલનું છે. ‘થાર’ માત્ર માસ કે માત્ર ક્લાસ માટે જ નથી. એનો ભેદ સમજતા દર્શકો માટે છે. ફિલ્મની વાર્તાને એકદમ અલગ રીતે જ રજૂ કરવામાં આવી છે. શરૂઆતથી અંત સુધી ફિલ્મમાં અનેક હત્યા થતી હોવાથી નબળા હૃદયના દર્શકો માટે બની નથી. કેટલાક દ્રશ્યો તો આંખો બંધ કરી દેવા મજબૂર કરે એટલા ભયાનક છે.
ફિલ્મનો ક્લાઇમેક્સ એકદમ ચોંકાવનારો છે. ચોર-પોલીસની વાર્તામાં એકદમ વળાંક આવે છે. આવી દમદાર વાર્તાવાળી ફિલ્મો બહુ ઓછી આવે છે. ફિલ્મમાં ગીતો નથી એ તેનું મોટું જમા પાસું બની જાય છે. કેટલીક નબળાઇઓને ભૂલી જનારાને અનિલ કપૂરની આ ફિલ્મ પસંદ આવી શકે છે. ‘શાદીસ્તાન’ જેવી કોમેડી ફિલ્મ પછી નિર્દેશક રાજસિંહ ચૌધરીએ ‘થાર’ ને હોલિવૂડ જેવી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો છે એમાં બહુ સફળતા મળી નથી.