ફિનટેક ધિરાણકર્તા રૂપીકે એક કાર્ડ લોન્ચ કર્યું છે જે ગ્રાહકોના ગીરવે રાખેલા સોનાના હોલ્ડિંગ્સ જેમ કે જ્વેલરી અને આભૂષણોની કિંમતનાં આધારે ક્રેડિટ ઓફર કરે છે. રૂપીક ફિનટેક ધિરાણકર્તાએ ગોલ્ડ બેકડ કાર્ડસ ઑફર કરવા માટે RBL બેંક સાથે હાથ મીલાવ્યા છે. ગ્રાહકો ફકત તેમનું સોનું ગીરવે મૂકી શકે છે તે ઉપરાંત અન્ય કાર્ડની જેમ આ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. રૂપિક પ્રાઈમ ક્રેડિટ કાર્ડની જેમ જ કામ કરે છે સિવાય કે તેમાં કોઈ એપ્લિકેશન ફી કે વાર્ષિક રીન્યુઅલ શુલ્ક નથી પરંતુ સમયસર ધિરાણ ક્લિયર ન થાય તો બિલો સામે વ્યાજ ચૂકવવું પડે છે. કાર્ડ પસંદગી મુજબની યોજના હેઠળ લઇ શકાય છે તેમાં 37 દિવસ અને 45 દિવસની વ્યાજમુક્ત ક્રેડિટ ઑફર પણ છે. વ્યાજમુક્ત ક્રેડિટ મુદ્દત પછી બાકી લેણાં કે મુદ્દલ પર દર મહિને 2 1/2 % વ્યાજ એટલે કે વાર્ષિક 30% વ્યાજ વસૂલવામાં આવે છે. તે ક્રેડિટ કાર્ડના ધોરણે જ કામ કરે છે. આ કાર્ડ હૈદરાબાદ, મુંબઈ, પુણે, ચેન્નાઈ, કોલકાતા, જયપુર, રાજકોટ, વડોદરા, ચંદીગઢ, અમદાવાદ, સુરત અને બેંગલુરૂ અને અન્ય શહેરોમાં ઓફર કરવામાં આવે છે. વર્ચ્યુઅલ અને ફિઝિકલ કાર્ડ માટે ઓનલાઈન અરજીઓ કરી શકાય છે.
ગોલ્ડ બેકડ કાર્ડ ગોલ્ડ લોન કે ક્રેડિટ કાર્ડથી કેવી રીતે અલગ પડે છે તે ધારકોએ ખાસ જાણવું જોઈએ. ફિનટેક ધિરાણકર્તા રૂપીકે જે કાર્ડ લોન્ચ કર્યું છે જે ગ્રાહકના ગીરવે રાખેલા સોનાના હોલ્ડિંગ્સ જેમ કે જ્વેલરી અને આભૂષણોના આધારે ક્રેડિટ ઓફર કરે છે. રૂપીક પ્રાઇમ તરીકે ઓળખાતું આ એક એસેટ બેક્ડ કાર્ડ છે. RBL બેંક સાથે ભાગીદારીમાં રૂપીક ગોલ્ડ કાર્ડ ઓફર કરે છે. ફિનટેક ધિરાણકર્તાઓ કાર્ડ ઇસ્યુ કરી શકતા નથી, તેથી બેંક સાથે જોડાણ જરૂરી છે. કાર્ડ ઘરેલુ રૂપે નેટવર્કનો ઉપયોગ કરે છે. ગ્રાહકો તેમની સોનાની જ્વેલરી ગીરવે મૂકીને કાર્ડ મેળવી શકે છે . રૂપીક ગીરવે રાખેલા સોનાના મૂલ્યના 75 % સુધીની ક્રેડિટ લિમિટ ઓફર કરે છે. મહત્તમ ક્રેડિટ લિમિટ 50 લાખ રૂપિયા છે. પગારદાર કર્મચારીઓ અને નિવૃત્ત લોકો (જેની પાસે સોનું છે) જેવી વ્યક્તિઓએ કટોકટીમાં ઉપયોગ કરવા માટે આ કાર્ડ પસંદ કર્યું છે. નાના વેપારીઓએ આ કાર્ડ માટે અરજી કરી છે.
કાર્ડધારકો રૂપિયા પણ ઉપાડી શકે છે (મંજૂર ક્રેડિટ મર્યાદાના 100 % સુધી). પૈસા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. 1 % પ્રોસેસિંગ ફી લેવામાં આવે છે. સામાન્ય ક્રેડિટ કાર્ડસ રોકડ ઉપાડ માટે વધુ પ્રોસેસિંગ ફી વસૂલ કરે છે કારણ કે તે અસુરક્ષિત છે. કાર્ડ એવા લોકોને અપીલ કરે છે જેમને સામાન્ય ક્રેડિટ કાર્ડ મેળવવામાં મુશ્કેલી પડે છે. આ કાર્ડનો ઉપયોગ કરીને સમયસર બાકી ચૂકવણી કરીને સરળતાથી ક્રેડિટ રેકોર્ડ બનાવી શકાય છે અને ભવિષ્યમાં અસુરક્ષિત ક્રેડિટ કાર્ડ અથવા હોમ લોન અથવા ઓટો લોન મેળવવા માટે તૈયારી કરી શકાય છે.
આ કાર્ડને સબસ્ક્રાઇબ કરવું અને મેળવવું વધુ સરળ છે કારણ કે તે ગીરવે મૂકેલા ઘરેણાં કવચની જેમ સમર્થિત છે. સામાન્ય ક્રેડિટ કાર્ડ સંભવિત ગ્રાહકોને ઓછામાં ઓછી વ્યાજબી રીતે ખાતરી કરવા માટે કડક સ્ક્રીનીંગ પ્રક્રિયાને આધીન કરે છે કે તે બિલ સમયસર ચૂકવાશે. રૂપીક નેટવર્ક પરનાં તમામ સ્ટોર્સ, કાઉન્ટર રૂપીક પ્રાઈમ સ્વીકારશે. તેનો ઉપયોગ ઓનલાઈન ખરીદી કરવા માટે પણ થઈ શકે છે. ખર્ચવામાં આવેલા દરેક રૂપિયા 200 સામે એક પુરસ્કાર પોઇન્ટ મળે છે.
રૂપીક કેશ મેનેજમેન્ટ, સોલ્યુશન અને સુરક્ષા વાહનો સહિત તિજોરીઓમાં ગીરવે મૂકેલ સોનાનો સંગ્રહ કરે છે. તે સંગ્રહ ખર્ચ સહન કરે છે. રૂપીક ગ્રાહકોને લગ્નમાં હાજરી આપવા જેવા હેતુઓ માટે તેમની ગીરવે મૂકેલી જ્વેલરી અથવા સોનું અસ્થાયી રૂપે પાછું લેવાની મંજૂરી આપે છે, જોકે ગોલ્ડ કાર્ડ પરની ક્રેડિટ મર્યાદા તે મુજબ ગોઠવવામાં આવે છે. ગ્રાહકોને તેમના અધિકારોનો ઉપયોગ કરવા અને ઇન્શ્યોઅર બેંક સાથે તેમની ફરિયાદોનું નિરાકરણ મેળવવા માટે એક મજબૂત ફરિયાદ અને સહાયક પદ્ઘતિની જોગવાઈ કરવામાં આવી છે. એમ ગ્રાહકો હંમેશાં કોઈ પણ વધારા માટે RBIની સંકલિત લોકપાલ યોજનાનો ઉપયોગ કરી શકે છે.
હવે બીજી બાજુ પણ તપાસવી જરૂરી છે. અન્ય ક્રેડિટ કાર્ડની જેમ સમયસર ચૂકવવામાં ન આવતા બિલ પર વાર્ષિક 30% વ્યાજ વસૂલવામાં આવે છે. જો કે, આ દર 7 – 12 ટકાના ગોલ્ડ લોન રેટ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. આ એક ગેરલાભ છે કારણ કે ગોલ્ડ પાવર્ડ કાર્ડ પરનો વ્યાજ દર (વાર્ષિક ટકાવારી દર) અસુરક્ષિત ક્રેડિટ કાર્ડની લગભગ નજીક છે. જો વાર્ષિક ટકાવારી દર વધારે રહેશે, તો તે ગ્રાહકોને આ કાર્ડ તરફ આકર્ષણ દોરવામાં મર્યાદિત ભૂમિકા ભજવશે.
ટૂંકા કાર્યકાળ (35 – 45 દિવસનો મફત સમયગાળો) માટે ક્રેડિટ મેળવવી વ્યાજબી છે, પરંતુ લાંબા કાર્યકાળ માટે તે ખર્ચાળ છે. બાકી રકમ ન ચૂકવવાથી વ્યક્તિના ક્રેડિટ સ્કોરને પણ અસર થાય છે. ખૂંચે તેવી બાબત એ છે કે ડિફોલ્ટના કિસ્સામાં રૂપીક અંતિમ ઉપાયના માપ તરીકે ગીરવે રાખેલા સોનાની હરાજી કરી શકે છે! જે વ્યક્તિ અસુરક્ષિત (સામાન્ય) ક્રેડિટ કાર્ડ માટે પાત્ર છે તેણે મૂડી (ગોલ્ડ) બ્લોક ન કરવી જોઈએ અને સુરક્ષિત ક્રેડિટ કાર્ડ મેળવવા માટે લોન લેવી જોઈએ નહીં. આ કાર્ડ લાંબા ગાળાની ક્રેડિટ અથવા લાંબા ગાળાની આકાંક્ષાઓને બદલે વધુ સગવડ આપે છે.
કાર્ડ પર લાંબા ગાળાની અસ્કયામતો ખરીદવી નહીં, જે નાણાંકીય બાબતોને મુશ્કેલીમાં મૂકશે. મોટી ખરીદી માટે જ્યાં કોઈ વ્યક્તિએ ઘણા મહિનાઓ સુધી ચૂકવણી કરવી પડશે, જો છેલ્લા ઉપાય તરીકે ઉધાર લેવું જ જોઈએ, તો સોનું સીધું બેંક અથવા નોન બેંકિંગ ફાયનાન્સ પાસે અથવા તો રૂપીક પાસે ગીરવે મૂકીને ગોલ્ડ લોન લેવી સરળ રહેશે અથવા શ્રેષ્ઠ, સામાન્ય ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો, જો જરૂરી હોય તો મોટી ખરીદીને EMIમાં કન્વર્ટ કરો અને પછી સમયસર તમારા બિલની ચૂકવણી કરો. ગ્રાહકોએ એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે કેટલા દિવસો પછી રૂપીક સૌથી ખરાબ પરિસ્થિતિમાં ગીરવે મૂકેલું સોનું વેચી શકે છે? રૂપીક પ્રાઈમ ક્રેડિટ કાર્ડ એક અલગ સુવિધા પ્રદાન કરે છે પણ વ્યવસાયમાં સમયસૂચકતા અનિવાર્ય હોય છે. આ કાર્ડમાં તે પ્રાથમિકતા છે!