જંબુસર: જંબુસરના (Jambusar) દહરી (Dahri) ગામની સીમમાં ઝાડ ઉપર સગીર વયના યુવક અને યુવતીના ફાંસો ખાધેલી અવસ્થામાં મૃતદેહ (Death) લટકતા હોવાની જાણ ગામમાં ફેલાઈ જતાં ગામના જ હોવાની ઓળખ થતાં પોલીસે પ્રેમ પ્રકરણમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનું અનુમાન લગાવી બંને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે.
- ગામની જ સીમમાંથી ઝાડ ઉપર બંનેના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા
જંબુસર તાલુકાના દહરી ગામે રહેતા એક પરિવારના મોભીની સગીર વયની દીકરી વહેલી સવારે પોતાના ઘરમાં પથારીમાં ન દેખાતાં તેના પરિવારજનોએ સગીરાની શોધખોળ કરી હતી. દરમિયાન ગામની સીમમાં કોઈ છોકરી અને છોકરાની લાશ ઝાડ ઉપર લટકતી હોવાની માહિતી મળતાં પરિવારના મોભીએ સ્થળ ઉપર દોડી જઈ જોતાં ફાંસો ખાધેલી અવસ્થામાં લટકતી છોકરી તેમની દીકરી હોવાની ઓળખ થઈ હતી. આ સાથે ફાંસો ખાધેલી અવસ્થામાં મળી આવેલી કિશોરની પણ ગામમાં રહેતા રમેશ રાઠોડનો પુત્ર શનુ રાઠોડ હોવાની ઓળખ થઈ હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાથી એકબીજાને પ્રેમ કરતા હોઈ શકે અને આ કારણને લઈ બંને જણાએ આપઘાત કર્યો હોય શકે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.
આ બનાવ અંગેની જાણ કાવી પોલીસને થતાં ઘટના સ્થળે પોલીસ કાફલાએ દોડી આવી ઝાડ ઉપર લટકતાં બંને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી બંને જણાએ પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવી પોલીસે આગળની તપાસ આરંભી છે.
ઘરની એંગલ બદલતી વેળા વીજ કરંટ લાગતાં ગરીબ દેવીપૂજક દંપતીનું મોત
બીલીમોરા: બીલીમોરા નજીકના તલોઘ ગામે રહેતા દેવીપૂજક દંપતી પોતાના ઘરની લોખંડની એંગલ બદલતું હતું, તે વખતે વીજ કરંટ લાગતાં પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જેને કારણે દંપતીના ત્રણ સંતાનોના માથા ઉપરથી મા-બાપની છત્ર છાયા છીનવાઈ જતા બાળકો અનાથ બની ગયા હતા.
તલોઘ ગામના દેવીપુજક વાસમાં રહેતા દિલીપ ભગવાનભાઈ ભીડભિડીયા (ઉ.39) અને તેની પત્ની સંગીતાબેન દિલીપ ભીડભીડીયા (ઉ.39) કાપડની ફેરીનો વ્યવસાય કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પોતાના ઘરમાં લોખંડની એંગલ બદલવાનું કામ તેઓ જાતે જ કરતા હતા ત્યારે વખતે સંગીતાબેને લોખંડની એંગલ ઘરની અંદરથી પકડી હતી, જ્યારે પતિ દિલીપે એંગલ બહારથી પકડી રાખી હતી.
આ દરમિયાન એંગલ ઘરના જીવંત વીજ વાયર સાથે અડી જતા બંનેને જોરદાર ઝટકો લાગતા પતિ પત્નીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ સ્થળે દિલીપભાઈનો ભાઈ હાજર હોય લાકડાના સહારે દિલીપભાઈ અને સંગીતાબેનને એંગલના સંપર્કમાંથી છુટા પાડી તાત્કાલિક અત્રેની મેંગુષી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ઇન્ચાર્જ ડો. આશિષ અનાજવાલાએ બંનેને મૃત જાહેર કર્યા હતા. દિલીપભાઈ અને સંગીતાબેનના અચાનક નીપજેલા આકસ્મિક મોતથી તેઓના બે પુત્રો અને એક પુત્રી અનાથ થઇ ગયા હતા. બનાવની જાણ બીલીમોરા પોલીસને કરાતા આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે.