Dakshin Gujarat

ભરૂચના ગોલ્ડન બ્રિજને મળશે સ્વદેશી ઓળખ, તિરંગાના રંગે રગાશે ગોલ્ડન બ્રિજ

ભરૂચ, અંકલેશ્વર: નર્મદા (Narmada) મૈયા બ્રિજ (Bridge) ભરૂચની (Bharuch) નર્મદા નદી ઉપર કાર્યરત થયાને આજે ૧૦ મહિના થઈ ગયા છે. આ વિતેલા ૧૦ મહિનામાં ગોલ્ડન બ્રિજ (Golden Bridge) ઉપરથી માંડ ૧૦ હજાર વાહન પણ પસાર થયાં નહીં હોય. ફોરલેન નવો બ્રિજ કાર્યરત થતાં ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ સેવા નિવૃત્ત થઈ ગયો હતો.

  • જાજરમાન ગોલ્ડનબ્રિજ ભારતના કલર શણગારથી બનશે તિરંગા પુલ

તા.૧૬મી મે ગોલ્ડનબ્રિજ ૧૪૨માં વર્ષમાં પ્રવેશ્યો છે. ત્યારે તે હવે અંગ્રેજોનો ગોલ્ડનબ્રિજ કે સુવર્ણ પુલ નહીં રહે. પણ આગામી સમયમાં સ્વદેશી ઓળખ ઊભી કરશે. ભરૂચની ૨ કલર કંપનીએ ગોલ્ડનબ્રિજને તિરંગા રંગે રંગવાનું ધારાસભ્ય MLA દુષ્યંત પટેલના પ્રસ્તાવને સહર્ષ સ્વીકારી આહવાન કર્યું છે. સોના કરતાં પણ જે મોંઘો છે તેવા ગોલ્ડન બ્રિજની આજે જન્મ જયંતી છે. ગોલ્ડન બ્રિજ આજે ૧૪૧ વર્ષ પૂર્ણ કરી ૧૪૨માં વર્ષમાં પ્રવેશ્યો છે. આટલા અધધ કહી શકાય એટલાં વર્ષોમાં ઠંડી, ગરમી, વરસાદ, પૂર, ભૂકંપ તમામ પરિસ્થિતિઓમાં ગોલ્ડન બ્રિજ અડીખમ રહ્યો. આજે નિવૃત થયાને ૧૦ મહિનાનો સમય વીતી છતાં ગોલ્ડન બ્રિજ ઘરડો નહીં પણ આજે પણ ભાર વેઠવા સમક્ષ છે. વર્ષ-૨૦૧૨માં સૌપ્રથમ વખત ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ કલરથી શણગાર થયો હતો.

અત્યાર સુધી દેશની આ ધરોહર અંગ્રેજોની દેન તરીકે જ ખ્યાતિ પ્રાપ્ત હતો. પણ હવે તેને સ્વદેશી ઓળખ અને દેશની આન, બાન અને શાન ગણાતા તિરંગાનું સન્માન મળશે. ગોલ્ડન બ્રિજ આગામી તિરંગાના રંગે રંગાઈ દેશનો પહેલો બ્રિજ બનશે. જેને આ ગૌરવ પ્રાપ્ત થશે.

141 વર્ષમાં ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની ઝાંખી

  • તા.૧૬મી મે-૧૮૮૧માં કાર્યરત થયેલો સુવર્ણબ્રિજ આજે પણ અડીખમ
  • બ્રિજની ડિઝાઇન સરજોન હોકશાએ બનાવી હતી. તેનું બાંધકામ ટી.વાઇટ અને જી.એમ.બેલી દ્વારા થયું હતું
  • ચીફ રેસિડન્ટ એન્જિનિયર એફ.મેથ્યુ અને રેસિડન્ટ એન્જિનિયર એચ.જે.હારચેવ દ્વારા તા.૭ ડિસેમ્બર-૧૮૭૭ના રોજ બ્રિજ બાંધવાનું શરૂ કરાયું
  • ૧૮૬૦માં સૌપ્રથમ નર્મદા બ્રિજ રેલવે માટે બ્રિટિશરોએ નિર્માણ કર્યો હતો
  • નર્મદા બ્રિજના સોનાનો પુલ નામ પાછળ તેને મરાયેલું સોનાનું તાળું અને તેની પાછળ સદી પહેલા જે-તે સમયે થયેલો સોના જેટલો અધધ ખર્ચ
  • ૧૪૦ વર્ષથી ૨.૮૦ લાખ રિવેટ, ૮૫૦ ગર્ડર અને ૨૫ સ્પામ ઉપર ટકેલો ૧.૩ કિમી લાંબો ઐતિહાસિક બ્રિજ
  • એવું કહેવાતું કે જેણે સાંકડા ગોલ્ડનબ્રિજમાંથી ગાડી કાઢી લીધી એ બધે જ ચલાવી શકે


ભૂકંપ અને પૂરથી પુલને અનેકવાર નુકસાન

  • ૧૮૬૩ની ભયંકર રેલમાં પુલના ૬ ગાળા તણાયા
  • ૧૮૬૮ની રેલમાં ફરી ૪ ગાળાને નુકસાન
  • ૧૮૭૬ની રેલમાં પુલનો ગાળો તૂટી પડતાં પારસી ઇજનેરનું મોત
  • ૧૮૭૬માં જ બીજી રેલમાં થાંભલા તણાતાં પુલ નકામો બન્યો
  • ૨૦૦૧ના ધરતીકંપમાં પુલના માર્ગ ઉપર તિરાડો પડી

ગોલ્ડનબ્રિજ પાછળ થયેલો ખર્ચ

  • રૂ. ૪૬.૯૩ લાખ ૧૮૬૦થી ૧૮૭૧ સુધી ખર્ચ
  • રૂ. ૧.૫૦ લાખના ખર્ચે વર્ષ-૧૮૭૬માં લક્કડિયો પુલ
  • રૂ. ૩.૦૭ કરોડના ખર્ચે ૧૮૮૧માં હાલનો ગોલ્ડનબ્રિજ
  • રૂ. ૩૦ લાખ ખર્ચ મરામત પાછળ વર્ષ ૨૦૦૧-૨૦૦૨
  • રૂ.૬૬.૬૧ લાખના ખર્ચે વર્ષ ૨૦૦૫-૦૬માં રંગરોગાન
  • રૂ. ૨.૩૬ કરોડનો ખર્ચ વર્ષ-૨૦૧૨માં

Most Popular

To Top