વડોદરા : સ્માર્ટ વિકાસ કરવા હવે મંદિરો પર નિશાન સાધવામાં આવી રહ્યા છે.વડોદરાના સૌથી લાંબા અને આશરે 300 કરોડના ખર્ચે બની રહેલા ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજને નડતરરૂપ ઓપી રોડ પર ત્રણ મંદિર રાતોરાત તોડી પાડી ઓપરેશન પાર પાડતા વિરોધના વંટોળ ઘેરાયા છે.મંદિરના પૂજારી સહિત વિસ્તારના લોકોને વિશ્વાસમાં લીધા વિના મંદિરો તોડી પાડ્યા તેમજ લાગણી દુભાઈ હોવાના આક્ષેપ સાથે મંદિરના પૂજારી ભીખાભાઈ દ્વારા મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જોકે પોલીસ દ્વારા આ મામલે આગળ કોઈ કાર્યવાહી નહીં કરતા વિશાળ જન સમુદાય સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જેના ભાગરૂપે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી ,ટીમ રીવોલ્યુશનના સ્વેજલ વ્યાસ, કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ તેમજ આમ આદમી પાર્ટીના અમીનાબેન સામાજિક કાર્યકરો સહિત કેટલાક શહેરીજનો ભેગા થયા હતા અને સરકાર ધર્મ અને સંસ્કૃતિનું માન સન્માન જાળવે તેવા બેનર સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.જોકે જીલ્લા કલેકટર હાજર નહીં હોવાથી નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી મંદિર તોડવા મુદ્દે પોલીસ ફરિયાદ આપી હોવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી તેમજ જે જગ્યાએથી મંદિરો હટાવવામાં આવ્યા હતા.ત્યાં નજીકમાં નડતરરૂપ ના હોય તેવી એક જગ્યા આપવામાં આવે જ્યાં નાની સરખી ડેરી બનાવવામાં આવશે તેવી રજૂઆત કરી હતી.સાથે જો માંગણી નહીં સંતોષવામાં આવે તો સમગ્ર રાજ્યમાંથી ભક્તો ગામે ગામથી ટ્રેક્ટરો ભરી ભરીને ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ ભેગી કરી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
મેયર કેયુર રોકડિયાને ધર્મનું કોઇ જ્ઞાન જ નથી
ભગવાનનું સત જે જગ્યાએ હોઈ ત્યાંથી પૂજાવિધિ વગર ભગવાન હટી ના શકે. કેદારનાથ બાબા પણ છ મહિના ઉપર રહે છે અને છ મહિના નીચે.પૂજાવિધિ વગર પછી સ્થાપના થતી નથી. મેયરને ધર્મનું જ્ઞાન નથી. મેયર અડધી રાત્રે ઊઠીને તાનાશાહ કરવા માંગે છે પોતે સાબિત કરીને બતાવ્યું છે કે અમે રાતોરાત તોડીશું જે કરવું હોય તે કરી લો.જે ભગવાન તમે લઈ ગયા છો જે પાપ કર્યું છે એ ભગવાનને પાછા લાવો. જેથી અમે સ્થાપના કરીશું. મેયરને 24 કલાકમાં તો ખબર પડી હશે કે એમના સ્નાયુઓ કંઈક ખેંચાયા હતા. મેચ પણ હારી ગયા છે. આ બધી પડતી ભગવાનને લીધે થઈ છે. રાજકારણના દાવપેચ હોઈ તે તમારી સાથે રમો શ્રદ્ધા ભક્તિ અને આસ્થામાં ના કરશો. -સ્વેજલ વ્યાસ,ટીમ રિવોલ્યુશન
સુરતમાં જે મેયર સાથે થયુ તે કર્મ ચક્ર છે
મેયર અને મ્યુ.કમિ.ના ઇશારે જે મંદિર તૂટ્યું છે.તે પણ અડધી રાત્રે તૂટ્યું છે. ભાજપના નેતાઓ ક્યાં સંતાઈ ગયા હતા કોઈ દેખાવા તૈયાર નથી કોઈ બોલવા તૈયાર નથી. મેયરને શરમ આવી જોઇએ.ભગવાન રામના નામે તમે મૂર્તિ ખંડિત કરી બુલડોઝર અને જેસીબીથી મૂર્તિ ખંડિત કરી ત્યારે તમારા હાથ કેમ ન ધ્રુજીયા કેમ અધિકારીઓને ન રોક્યા, મેયરને સુરતમાં ક્રિકેટ રમવાનો સમય છે અને આ મુદ્દા પર વાત કરવાનો સમય નથી.પરંતુ કુદરતનો સમય ચક્ર હોય છે બધુ અહીંયા જ ભોગવવાનું હોય છે.જે સુરતમાં એમની સાથે થયું છે તે કર્મ ચક્ર છે.-ઋત્વિજ જોષી ,પ્રમુખ કોંગ્રેસ
દોસીઓને સજા ન મળે તો અમે આંદોલન કરીશું
વિકાસના નામે જે પણ કંઇ કરી રહ્યા છે જેવી રીતે કાયદાકીય જોગવાઈ છે કેવી રીતે હિંદુ સનાતન ધર્મમાં પણ જોગવાઈ છે તમે મંદિર હટાવી રહ્યા છો ભૂતકાળમાં પણ આપણે મંદિર હટાવ્યા છે. આવોજ એક ચુકાદો પણ આવ્યો છે કે મૂર્તિ ખંડિત કરનાર 4 આરોપીઓને એક વર્ષની સજા થઇ છે. મંદિર હટાવવાની જોગવાઈ સૌથી પહેલા મંદિરની અંદર મૂર્તિની ચારણ વિધિ કરી જે પછી મૂર્તિ હટાવતા જો ખંડિત થાય તો એને ભંડારીત કરવાની જોગવાઈ છે પરંતુ આ લોકોએ ધર્મને કોઈ જગ્યાએ આગળ કર્યો નથી. અમે તો ફરિયાદ દાખલ કરી છે અને અમારી પાસે ચુકાદો હશે અને આ ચુકાદા પર અમે હાઇકોર્ટમાં જઈશું આમાં જેટલા દોસી છે તેમને સજા આપવી જોઈએ અને જો સજા નહીં મળે તો અમે અમારી ધારાધોરણ પ્રમાણે આંદોલન કરીશું. -મહેન્દ્રસિંહ રાઠોડ પ્રવક્તા કરણી સેના