દેલાડ: સાયણ (Sayan) વિસ્તારમાં માર્ગમાં રેલવે સ્ટેશન (Railway Station) પર ગુજરાત-ભીલાડ સુપરફાસ્ટ, ફિરોજપુર જનતા, દાહોડ ઈન્ટરસિટી સુપરફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ, ફૂટ ઓવરબ્રિજની અગવડતાની સમસ્યાઓ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તાલુકાના સૌથી વધુ વસતી ધરાવતા હોવા છતાં તંત્ર દ્વારા સાયણ રેલવે સ્ટેશનની સુવિધાઓ માટે ઓરમાયુ વર્તન દાખવવામાં આવી રહ્યું હોવાથી સ્થાનિક લોકોની સમસ્યાઓમાં (Problem) ઘટાડો થવાને બદલે વધારો થઈ રહ્યો છે.
સાયણ રેલવે ઓવરબ્રિજ બનતા સાયણ મેઈન માર્કેટ ઓવરબ્રિજ નીચે આવી ગયું હતું. જનતા માટે અવરજવર માટે બ્રિજને અડીને ફૂટ બ્રિજ બનાવવામાં આવ્યો છે. પરંતુ ફૂટ બ્રિજ ઘણો ઊંચો હોવાથી ગ્રામજનો ઉપયોગ કરતા નથી. માર્કેટમાં ખરીદી માટે ત્રણ કિલોમીટર ચકરાવો કરવો પડે છે. જેથી ગ્રામજનોએ વારંવાર પગદંડી અને અન્ડરગ્રાઉન્ડ પાસ માટે રજૂઆત કરતા આવ્યા છે. પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ફૂટ બ્રિજનો ઉપયોગ નહીં થતાં ફૂટ બ્રિજ પણ શોભાના ગાંઠિયાસમાન બની ગયો છે.
સાયણ ગામ ૨૦ હજાર આસપાસ વસતી ધરાવતું ગામ હોય અને વિસ્તારોમાં ઈન્ડસ્ટ્રિયલ, સુગર ફેક્ટરી, સહકારી મંડળી આવેલી હોવાથી સાયણ ગામમાં સુરત, તાપી, ભરૂચ જિલ્લામાંથી રોજ હજારો લોકો રોજગારી માટે આવતા હોય છે. મોટા ભાગના નોકરિયાત વર્ગના લોકો અવરજવર માટે સાયણ રેલવેનો ઉપયોગ કરતા આવ્યા છે. જેથી સાયણ રેલવે લાખોની કમાણી કરે છે.
સહકારી અને ખેડૂત આગેવાન તથા પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે તંત્રને આડે હાથ લેતાં માંગ કરી છે કે, સાયણ દેલાડ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ, બબ્બે હાઇસ્કૂલ, સાયણ સુગર ફેક્ટરી તથા અન્ય નાના ઉદ્યોગ ગૃહો આવેલા છે, જેમાં રોજગારી મેળવવા હજારો લોકો આવતા હોવા છતાં સાયણ રેલવે સ્ટેશન ઉપર સુવિધાઓની હાડમારી જોવા મળી રહી છે. આ વિસ્તારના વર્ષો જૂના વણ ઉકેલાયેલા પ્રશ્નોનો હલ થયો નથી. પ્રશ્નો હલ ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુવિધાઓ નહીં અપાય તો સરકારી કચેરીએ ઢોલ વગાડી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરાશે.
ઉનાળા અને ચોમાસામાં ભારે મુશ્કેલી
સાયણ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ 1,2 તથાં 3,4 ઉપર શેડ નાનો હોવાથી મુસાફરોને ઉનાળા અને ચોમાસાની ઋતુમાં ભારે મુશ્કેલી પડે છે. મુસાફરોને ઘરે જવા માટે રેલવે સ્ટેશન પર ફૂટ બ્રિજ બનાવવામાં આવ્યો છે. પરંતુ ફૂટ બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી મુસાફરો જીવના જોખમે ટિકિટ લેવા માટે રેલવે ટ્રેક ક્રોસિંગ કરીને જતા હોય છે. સાયણ સ્ટેશન પર જોઈતી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.