નવસારી : નવસારીના (Navsari) ધોળાપીપળા-આમરી રસ્તા (Road) ઉપર કન્ટેનર પલ્ટીને ઇકો કાર (Car) ઉપર પડ્યું હતું. જેના પગલે ઇકો કરામાં સવાર ચીખલીમાં રહેતા એક જ પરિવારના 5 સભ્યોના મોત (Death) નિપજ્યા હતા. જેથી ત્યાંના સરપંચ, જૂથ ગ્રામ પંચાયત કસ્બાપાર-કાદિપોર તથા અન્ય ગ્રામજનો તરફથી ધોળાપીપળા-આમરી-કસ્બાપાર-કાદિપોર ગામમાંથી કન્ટેનરો, ડમ્પર અને હાઇવા જેવા ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવા તથા બમ્પર બનાવવા રજૂઆત કરવામાં આવી હતી. કસ્બાપાર-કાદિપોર-આમરી અને તેની આજુબાજુના ગામોમાંથી નેશનલ હાઇવે નં-227 અને સુરત-નવસારી સ્ટેટ હાઇવે નં-6 પસાર થાય છે. નેશનલ હાઇવે પલસાણાથી સચિન તરફ જતા રસ્તાથી હેવી વાહનો જેવા કે કન્ટેનરો, ડમ્પર અને હાઇવા જેવા ભારે વાહનો ભાટિયા ટોલનાકા ઉપર ટોલટેક્ષ બચાવવાના હેતુસર આ ગામોમાંથી પસાર થાય છે. હેવી વાહનો 24 કલાક બેફામપણે પસાર થતા હોવાથી ગ્રામજનો રસ્તાઓ ઓળંગી શકતા નથી તેમજ ગામોમાં આંગણવાડી, પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા આવેલી હોઇ, જેથી વિદ્યાર્થીઓ પણ આવા હેવી વાહનોના કારણે અકસ્માતનો ભોગ બને છે.
- ધોળાપીપળા, આમરી-કસ્બાપાર, મરોલી જતા રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું નવસારી અધિક જિલ્લા કલેકટરે બહાર પાડ્યું
- કન્ટેનર પલટીને ઈકો કાર પર પડતાં ચીખલીના પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા હતા
- ટોલ બચાવવા ભારે વાહનો આ રોડનો ઉપયોગ કરતા હતા
જે અન્વયે નવસારી અધિક જિલ્લા કલેકટરે કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ તાત્કાલિક અસરથી આગામી 13મી જુલાઈ સુધી ધોળાપીપળા, આમરી-કસ્બાપાર થઇ મરોલી જતા રોડ પર કન્ટેનરો, ડમ્પર અને હાઇવા જેવા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હુકમનો અનાદર કે ભંગ કરનાર વ્યકિતને ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે.
જો કે આ વાહનોને જાહેરનામાંથી મુક્તિ અપાશે
આ વાહનોમાં સરકારી-અર્ધસરકારી કામે રોકાયેલ વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓની હેરફેર કરતાં વાહનો, પોલીસ વાહનો, સ્કૂલ બસ, એમ્બ્યુલન્સ, એસ.ટી.બસ, ફાયરના વાહનો, વિદ્યાર્થી પ્રવાસ બસ, લગ્ન પ્રસંગની બસ તેમજ ઇમરજન્સી સર્વિસમાં સમાવેશ થતો હોય તેવા વાહનોને આ જાહેરનામામાંથી મુકિત રહેશે. ખાસ કિસ્સામાં ઉક્તિ પ્રતિબંધિત સમયગાળા દરમિયાન કોઇ ભારે વાહનોને પ્રવેશ કરવા માટે જરૂરિયાત જણાય તેવા કિસ્સાઓમાં અરજદારોએ નવસારી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક તથા નવસારી ટ્રાફીક શાખાના પોલીસ ઇન્સ્પેકટરની લેખિત મંજૂરી મેળવી લેવાની રહેશે.