આણંદ : ડભાણની 22 વર્ષિય યુવતીએ પ્રેમીને પામવા તેના જ સગા પિતા પર હેરાનગતિનો આક્ષેપ કરી અભયમની મદદ લીધી હતી. જેને પગલે પહોંચેલી અભયમને અલગ જ બાબત જાણવા મળી હતી. પ્રેમીને પામવા યુવતીએ તેની સગાઇ પણ ફોક કરી હતી. જોકે, તેનો પ્રેમી લગ્ન બાબતે ગોળ ગોળ જવાબ આપતાં આખરે એક મહિના બાદ આંખ ખુલી હતી. ડભાણ ગામે રહેતી 22 વર્ષિય યુવતીના માતા – પિતાના વરસો પહેલા જ છુટાછેડા થઇ ગયાં હતાં. આથી, તે પિતાના ઘરે ઉછરી હતી. હજુ થોડા મહિના પહેલા જ તેનું લગ્ન નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ વટવામાં એક લગ્ન સમારંભ દરમિયાન અન્ય યુવકના પ્રેમમાં પડી હતી. આથી, ડભાણ આવ્યા બાદ સગાઇના આગલા દિવસે જ અભયમને ફોન કરી તેના પિતા બળજબરી સગાઇ કરાવતા હોવાની ફરિયાદ કરી હતી.
આથી, કાઉન્સેલર રિટાબહેન ભગત સહિતની ટીમ સ્થળ પર પહોંચી માતા – પિતાને સમજાવ્યાં હતાં અને ઇચ્છા મુજબ લગ્ન કરાવવા જણાવ્યું હતું. જોકે, દિકરીના પ્રેમપ્રકરણથી અજાણ પિતા મામલો જાણી ચોંકી ગયાં હતાં. આમ છતાં દિકરીનું માન રાખી તેઓએ તેના પ્રેમી સાથે લગ્ન કરાવવા હા ભણી હતી. આથી, તેના પ્રેમીને ડભાણ બોલાવવાનું કહેતાં જે તે સમયે તે છટકી ગયો હતો. આ વાતને થોડા દિવસ બાદ યુવતીએ પિતા પર ટોર્ચરનો આક્ષેપ કરી તેની માતાના ઘરે રહેવા જતી રહી હતી. પરંતુ તેના ઓરમાન પિતાએ સ્વીકારી નહતી. આથી, ફરી 181માં જાણ કરતાં કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રેમમાં પાગલ યુવતીએ પિતા હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સમયે પણ પિતાએ કહે ત્યાં લગ્ન કરાવી આપવા બાહેંધરી આપી હતી. પરંતુ પ્રેમી હાજર થતો નહતો. એકાદ મહિના સુધી ચાલેલી રમતમાં આખરે યુવતીને ભાન થયું કે પ્રેમી લગ્ન કરવા ઇચ્છતો નથી. આમ તેણે પણ પિતાની માફી માંગી કહે ત્યાં લગ્ન કરવા જણાવ્યું હતું.