સાપુતારા: ડાંગ (Dang) જિલ્લાનાં આહવા (Ahwa) તાલુકામાં સમાવિષ્ટ ચીંચલી (Chinchli) ગામે વાસ્મોની 52 લાખની યોજના લાગુ થયા બાદ પણ લોકોને પાણી (Water) માટે વલખા મારવા પડી રહ્યા છે. ચીંચલી ગામે લોકો જૂની પરંપરા મુજબ બળદગાડામાં પાણી લાવવા મજબુર બની ગયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા ચીંચલી ગામમાં વર્ષ 2017-18માં ઘરઘર નળ કનેક્શન હેઠળ રૂ.52 લાખનાં ખર્ચે વાસ્મો યોજના અમલ કરવામાં આવી હતી.ચીંચલી ગામમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે આ યોજના લાગુ કરવામાં આવી હતી.આ યોજનામાં અધિકારીઓ અને એજન્સીની મિલીભગતમાં હલકી કક્ષાનો પાઈપલાઈનનો સામાન વાપરી ભ્રષ્ટાચાર જ આચરવામાં આવતા આ યોજના નિર્થક સાબિત થઈ છે. હાલમાં ચીંચલી ગામનાં લોકો જૂની પરંપરા મુજબ બળદગાડાથી પાણી લાવવા માટે મજબુર બન્યા છે. આ ઉપરાંત 1 કિલોમીટર દૂર પાણી લેવા જવુ પડે છે. વાસ્મોની આ યોજના બરાબર પરીપૂર્ણ ના થતા તેઓની સમસ્યા બાબતે ગ્રામજનો દ્વારા વારંવાર પાણી પુરવઠાનાં અધિકારીઓને જાણ કરવા છતાંય આજદિન સુધીમાં ઉકેલ આવ્યો નથી.ગામની સંપૂર્ણ પાઇપ લાઇન લીકેજ હોવાના કારણે પાણી ગામ સુધી પહોંચતું નથી.
લગ્ન પ્રસંગોમાં કે ઘરના કોઈ કામકાજ માટે ટેન્કર દ્વારા પાણી મંગાવવું પડે છે
ચીંચલી ગામનાં પોલીસ પટેલ હિરામણભાઈ સાબળે જણાવે છે કે ઉનાળામાં લોકોને પાણીની ભારે તંગી વર્તાય છે. ગામમાં પાણીની સમસ્યા હોવાના કારણે હવે લગ્ન પ્રસંગોમાં કે ઘરના કોઈ કામકાજ માટે ટેન્કર દ્વારા પાણી મંગાવવું પડે છે .હજાર રૂપિયા દીઠ ટેન્કર સામાન્ય માણસને પોસાય એમ નથી. પાણી પુરવઠાનાં કર્મીઓને પાણી બાબતે વારંવાર રજુઆત છતાંય તેઓ દ્વારા યોગ્ય ઉકેલ આપ્યો નથી.
પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પાઈપ લાઈન રિપેર કરતા નથી
ચીંચલી ગામનાં તાલુકા સદસ્ય વિજયભાઈ ચૌધરી જણાવે છે કે પાઈપલાઈનની સમસ્યા બાબતે પાણી પુરવઠાનાં અધિકારીઓને રજુઆત છતાંય તેઓ હંમેશા વાયદાઓ કરે છે.પરંતુ પાઇપ લાઇન રીપેર કરતા નથી. 52 લાખની યોજના હોવા છતાંય ગામમાં પાણી પહોંચી શકતુ નથી. નળ કનેક્શન દ્વારા લોકોને પાણી મળતું નથી. પશુપાલન,ઘર વપરાશ અને અન્ય કામ માટે પાણીની તંગી હોઈ લોકો સ્વ ખર્ચે ટેન્કર દ્વારા પાણી મંગાવવા મજબુર બન્યા છે. પાણી પુરવઠાનાં અધિકારીઓ દ્વારા તેઓને ફક્ત વાયદાઓ કરવામાં આવે છે.
ગામનો એક કુવો 45 પરિવારો, પશુઓની તરસ છીપાવે છે
વાંસદા: વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત પાણી યાત્રા આજે કપડવંજ ગામે પહોંચી હતી. જ્યાં એક કૂવામાંથી ૪૫ ઘરો પીવાનું પાણી તેમજ પશુઓ માટેનું પાણી એકત્રિત કરતા નજરે જોવા અને સમીક્ષા કરવા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા.
- વાંસદના કપડવંજ ગામે બોરવેલમાં પણ પાણી આવતું નથી
- નલ સે જલ યોજના દ્વારા પણ પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવશે તો ધારાસભ્ય અનંત પટેલની આંદોલનની ચીમકી
પાણી યાત્રા રાખવાનું મુખ્ય પ્રયોજન વાંસદા વિસ્તારની પીવાના પાણીની સમસ્યા ઉજાગર કરવા તેમજ આદિવાસી વિસ્તારના લોકોની પાણીની પોકાર સાર્વજનિક કરવા માટે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ગામે-ગામ પાણી યાત્રાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. કપડવંજ ગામ ખાંભલા ગૃપ ગ્રામ પંચાયતનું એક ગામ છે ત્યાંના ઉપલા ફળિયામાં આવેલો ગોકુળીયા ગામનો કૂવો કે જે સ્વર્ગસ્થ ઇશ્વરભાઈ સરપંચે બનાવ્યો હતો. આ કુવો દરેકની તરસ બુજાવી રહ્યો છે. ખાનગી બોરવેલમાં પાણી આવતું નથી.
વાસ્મોમાં કરેલી નલ સે જલ યોજનામાં પાણી આવતું નથી ત્યાં હાજર રહેલા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઇશ્વરભાઈ દ્વારા બનાવેલ કુવો હાલમાં પણ ઉપલા ફળિયા કપડવંજના લોકોની તરસ છીપાવે છે ત્યારે આ કુવા આધારિત પીવાના પાણીની યોજના બનાવવામાં આવશે અને આવનારા દિવસોમાં ઘરે-ઘર પાણીની સુવિધા ઉભી કરવામાં આવશે. હાલની સરકારની નલ સે જલ યોજના સદંતર નિષ્ફળ નીવડી છે જે અંગે સરકારમાં ઉગ્ર રજૂઆત આવનારા દિવસોમાં કરવામાં આવશે. આ પ્રસંગે વાંસદા કોંગ્રેસના પ્રમુખ નિકુંજભાઈ ગામીત, અશ્વિનભાઈ, મહિલા કોંગ્રેસ પ્રમુખ અંજનાબેન, રમણભાઈ, ગંગારામભાઈ, વડીલ આગેવાન પાટીલ આગેવાનો પાણી યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા.