ભરૂચ: અંકલેશ્વરના (Ankleshwar) અમરાતપરા ગામમાં સીમમાં અમરાવતી નદી (River) કિનારે દેશી દારૂ (Alcohol) બનાવવાની મીની ફેક્ટરી પર પોલીસે (Police) દરોડા પાડતાં પાઇપલાઇન (Pipline) નેટવર્ક મારફતે દારૂ બનાવાતો કીમિયો જોઇ પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
અંકલેશ્વરના અમરાતપરામાં સીમમાં અમરાવતી નદી કિનારે મોટી માત્રામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. સ્થળ પરથી દારૂ માટે બનાવાયેલી અન્ડરગ્રાઉન્ડ ટાંકીઓ અને ભઠ્ઠીઓ જોઇ પોલીસ પણ ચોંકી ઊઠી હતી. દરોડામાં પાઇપ લાઇનના નેટવર્ક મારફતે દારૂ બનાવાતો હોવાનો નવો કીમિયો હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી 3 હજાર લીટર વોશનો જથ્થો કબજે કર્યો હતો અને અમરતપરા ગામમાં રહેતો બુટલેગર સુંદર ગંભીર વસાવા અને અરવિંદ અંબુ વસાવાને ઝડપી પાડ્યા હતા.
- પોલીસે સ્થળ પરથી 3 હજાર લીટર વોશનો જથ્થો કબજે કર્યો
- અમરતપરાના બુટલેગર સુંદર વસાવા અને અરવિંદ વસાવાની અટકાયત
- પાઇપલાઇન નેટવર્ક મારફતે દારૂ બનાવાતો કીમિયો જોઇ પોલીસ પણ ચોંકી ઊઠી હતી
પોલીસે આ ઉપરાંત નવા કાંસીયા ગામના ભાથીજી મંદિર ફળિયામાં રહેતી મહિલા બુટલેગર સંગીતા બાબુ પાટણવાડિયાના ઘરે પણ દરોડો પાડ્યો હતો. જેમાં સ્થળ પરથી 650 લીટર વોશનો જથ્થો કબજે કર્યો હતો. આમ, પોલીસે અમરાવતી નદી કિનારે બે સ્થળે દરોડા પાડી 7 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
હોન્ડ ગામ પાસેથી 43 હજારના વિદેશી દારૂ સાથે સુરતની 3 મહિલા ઝડપાઈ
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર હોન્ડ ગામ પાસેથી 3 મહિલા પાસેથી 43,125 રૂપિયાની વિદેશી દારૂની 342 નંગ બાટલી નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે પકડી પાડી હતી તેમજ 180 મિલીની 168 જેટલી બાટલીઓનો રૂ. 8400નો વિદશી દારૂ લુઝ પાઉચમાં ભરેલી હાલતમાં મળ્યો હતો, પોલીસે કુલ્લે 51,525 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેથી પોલીસે સુરત સલાબતપુરામાં આંબાવાડી દક્ષિણ મહોલ્લામાં રહેતા નયનાબેન નવીનચંદ્ર રાણા, સુરત માન દરવાજા કિન્નરી ટોકીઝ પાસે રહેતા ચંદ્રિકા ઉર્ફે જ્યોતિ હસમુખભાઈ રાણા અને સુરત કાટાનીવાડ નવાપુરા ગોલવાડ વાડી ફળીયામાં જયશ્રીબેન નરેશભાઈ રાણાને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.