ડચને સુરત છોડયાને દસકાઓ વિતી ગયા છે પણ ડચ લોકો સુરતની પ્રથમ બેકરીની સ્થાપના કરી ગયા હતા. એ બેકરી એટલે કે દોટીવાલા બેકરી આજે 161 વર્ષથી વધુ સમયથી હજી અડીખમ છે એટલું જ નહીં તેની બેકરી પ્રોડક્ટ જયાં જયાં ગુજરાતીઓ વસે છે તે દેશ-દેશાવર સુધી પહોંચી છે. ડચ શાસકોએ નાનપુરા, ડચ ગાર્ડનની સામે આવેલા ડચ લોકોના વેર હાઉસ એટલે કે કોઠી (હાલ આવેલી વેચાણવેરા વિભાગની કચેરી) કોઠીમાં પાંઉ બનાવવા માટે ભઠ્ઠી શરૂ કરી હતી. આ ભઠ્ઠીમાં પાંચ પારસીઓ મેંદાનો લોટ મસળવાની નોકરી કરતા હતા. ડચ લોકો સુરત છોડી ગયા તે પછી આ ભઠ્ઠી તેમણે ફરામદી પેસ્તનજી દોટીવાલાને ભેટ આપતા ગયા હતા. ડચ લોકોના ગયા પછી થોડાક સમય અંગ્રેજો રહ્યા હતા. અંગ્રેજો બ્રેકફાસ્ટ અને ભોજનમાં પાંઉનો ઉપયોગ વધુ કરતા હોવાથી અંગ્રેજોની કોલોનીમાં પાંઉ પહોંચાડવાનું કામ ફરામજી દોટીવાલાએ શરૂ કર્યું હતું. આઝાદીની મુવમેન્ટ સમયે અંગ્રેજોની વસ્તી ધીમે ધીમે ઓછી થતી ગઇ હતી અને ધંધો મંદ પડતા પાંઉનો સ્ટોક વધવા માંડયો હતો તે સમયે પાંઉ તાડીના ઉત્તમ ખમીર માંથી બનાવવામાં આવતુ હોવાથી આ પાંઉને કદી ફૂગ લાગતી ન હતી. પાંઉ સુકાઇને ટોસ્ટ જેવા બની જતા હોવાથી તેનું પણ વેચાણ થતું હતું. સુરતના લોકોને સુકવેલા પાંઉ એટલે કે ટોસ્ટ પસંદ આવી જતા નાના પાંઉને કાચા રાખી ભઠ્ઠીનું બારણું ખુલ્લુ રાખીને સુકવ્યા બાદ બજારમાં વેચવા મુકયું હતું. જેનો વેપાર ખૂબ ફૂલ્યોફાલ્યો હતો. ડચ ગાર્ડનની જગ્યા સરકાર હસ્તક જતા 1925થી દોટીવાલા બેકરી નાનપુરા મક્કાઇપુલ, વિક્ટોરીયા ગાર્ડન (હાલનું ગાંધીબાગ) નજીક શરૂ થઇ હતી અને આજે પણ એજ જગ્યાએ કાર્યરત છે. 161 વર્ષથી વધુ જુની દોટીવાલા બેકરી વિશે ગુજરાતમિત્ર રોચક વાતો લઇને આવ્યું છે.
1861 પહેલા જ દોટીવાલા બેકરી શરૂ થઇ હતી
દોટીવાલા બેકરીના સંચાલક જમશેદ દોટીવાલા કહે છે કે પારસી, લસ્ટર ઓન ઇન્ડિયન સોઇલ નામના પુસ્તકમાં બે જાહેરાતો દોટીવાલા પરિવારની પ્રકાશિત થઇ હતી જેમાં ફરામજી દોટીવાલાના નામ સાથે એક જાહેરાત દોટીવાલા બેકરીની પણ પ્રકાશિત થઇ હતી. આ જાહેરાતમાં બેકરીની સ્પેશ્યાલીટીઝ એટલે કે સુરતી બતાસા, નાનખટાઇનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તેનું સરનામું વિકટોરીયા ગાર્ડન, નાનપુરા, સુરત લખવામાં આવ્યું હતું. એ દર્શાવે છે કે આ બેકરી 1961 પહેલા શરૂ થઇ હોઇ શકે છે. દોટીવાલા બેકરીનો ભવ્ય ઇતિહાસ રહ્યો છે. ડચ અને બ્રિટીશ રાજમાં તો તેની ડિમાન્ડ રહી તે પછી દક્ષિણ ગુજરાતના લોકો વિદેશોમાં સ્થાયી થયા ત્યાં પણ તેની ડિમાન્ડ રહેતા છેલ્લા કેટલાક વર્ષોથી બેકરીની જે આઇટમની લોંગ લાઇફ રહે છે તેવી પ્રોડકટ વિદેશમાં મોકલવામાં આવે છે. 161 વર્ષથી વધુની લાંબી સફર પછી દોટીવાલા બેકરીએ ઘણા ઇનોવેટીવ આઇડિયા સાથે બેકરીમાં નવી પ્રોડકટ પણ બનાવી છે. સરેરાશ બેકરી આજે 51થી વધુ પ્રોડકટ બનાવે છે. બેકરી નાનપુરા, પાર્લે પોઇન્ટ, અને વરાછા રોડ ખાતે ત્રણ શાખાઓ ધરાવે છે અને ફેકટરીની મુખ્ય ભઠ્ઠી અને ગોડાઉન સચીન GIDCમાં કાર્યરત છે.
સુરતી ફરમાસુ બિસ્કીટ, સાદા બિસ્કીટ અને દળના શેકેલા માવામાંથી નાનખટાઇ શોધ કરી : જમશેદ દોટીવાલા
જમશેદ દોટીવાલા કહે છે કે નાના પોચા પાંઉ ભઠ્ઠીનું બારણું ખુલ્લુ રાખીને સુકવ્યા પછી આ માલ બજારમાં ખુબ વેચાવા લાગ્યો હતો ત્યારે પારસી ડોકટરોએ દર્દીઓને સૂચન કર્યું હતું કે બેકરીવાળા ફરામજી કાકાને કહો કે નાના પાંઉ બનાવે અને તેમાં થોડું મોણ નાખે. તે પછી ફરામજી કાકાએ ચોખ્ખું ઘી નાંખી જે બિસ્કીટ બનાવ્યા તે પાછળથી સુરતી ફરમાસુ બિસ્કીટ તરીકે ઓળખાયા અને ઘી વિનાના લુખ્ખા બિસ્કીટ સાદા બિસ્કીટ તરીકે જાણીતા થયા. એટલે કે ફરમાસુ બિસ્કીટ અને સાદા બિસ્કીટની શોધ દોટીવાલા બેકરીનું ક્રિએશન હતું. તે સમયે ભારતમાં દળ બનતું હતું પરંતુ તેને શેકવામાં આવતું ન હતું પણ અમારા વડીલોએ આ દળના માવાને ભઠ્ઠીમાં ભૂંજીને શેકયું અને આ શેકેલા દળનો માવો સુરતીઓને ખુબ ગમ્યો અને તેમાંથી સુરતી નાનખટાઇની શોધ થઇ. નવી નવી રેસીપી, તરકીબોની શોધ થતી બિસ્કીટ અને નાનખટાઇની વેરાયટીઓ બેકરી ઉદ્યોગને મળી. તે સમયે સુરતમાં પારસીઓની ત્રણ બેકરીઓ હતી અને આ બેકરીના માલિકો કારીગરોને વધુ બક્ષીસ અને વધુ દરમાયો આપીને ખેંચી જતા હતા.
1925માં બનેલી લાકડાની ભઠ્ઠી દોટીવાલા બેકરીએ આજે પણ જાળવી રાખી છે: સાયરસ દોટીવાલા
દોટીવાલા બેકરીની છઠ્ઠી પેઢીના સંચાલક સાયરસ દોટીવાલા કહે છે કે વહાણના સઢમાં જે કપડુ વપરાય છે તેને દોટી કહે છે. અમારા વડવાઓનો તેનો બિઝનેસ હોવાથી અમારી સરનેમ દોટીવાલા પડી હતી. નાનપુરા, મક્કાઇપુલ, વિક્ટોરીયા ગાર્ડન એટલે કે હાલના ગાંધીબાગ સામે દોટીવાલા બેકરી શરૂ કરવાનો પ્લાન મ્યુનિસિપલ બરોમાં 1925માં મંજૂર થયો હતો. તે સમયે અહીં લાકડાની ભઠ્ઠીમાં ફરમાસુ બિસ્કીટ અને ઘઉંના લોટમાંથી શેકીને ચોખ્ખા ઘીની નાનખટાઇ બનતી હતી તે પછી અહીં આવેલી ચાર જુની ભઠ્ઠીઓ ’90ના દાયકામાં બ્રિટીશ ગેસ (ગુજરાત ગેસ)ના આગમન પછી LPG ગેસમાં તબદીલ થઇ હતી. 2006ના તાપી પૂરમાં બેકરીમાં પાણી ભરાતા આ ભઠ્ઠીઓને વ્યાપક નુકશાન થયું હતું. સવા મહિના સુધી રીપેરીંગ કામ કરી આ ભઠ્ઠીને મૂળ સ્વરૂપમાં લાવવામાં આવી હતી. જુનો પરંપરાગત વારસો જાળવી રાખવા આ ભઠ્ઠી જાળવી રાખી છે સાથે સાથે આધુનિક ઇલેકટ્રીક ભઠ્ઠી પણ અહીં ચલાવવામાં આવી રહી છે. ખારી બનાવવા માટે મિક્ષ્ચર રોલીંગ ફોલ્ડીંગ મશીન અને રોટરી રેક અવન સુરતમાં પ્રથમ વસાવનાર પણ અમારી બેકરી હતી.
દોટીવાલા બેકરીની પ્રોડકટ અમેરિકા પહોંચી
સાયરસ દોટીવાલા કહે છે કે સમય સાથે વેપાર વધારવા માટે દોટીવાલા બેકરીએ અમેરિકાના પટેલ બ્રધર્સ સાથે વેપારીક સંબંધો વિકસાવી તેમના મોલમાં નાનખટાઇ, પડવાળી બિસ્કીટની ચાર વેરાયટી, ટોસ્ટની બે વેરાયટી અને માખણિયા બિસ્કીટ એકસપોર્ટ કરવાનું શરૂ કર્યું છે. તે ઉપરાંત ગ્રાહકો કોઇ ઇનોવેટીવ આઇડિયા લાવે તો તેને આધારે પણ નવી પ્રોડકટ ક્રિએટ કરે છે. મીઠી ખારીની બિસ્કીટ પૂણેનો ગ્રાહક અને ફુટ બિસ્કીટ હૈદ્રાબાદનો ગ્રાહક લાવ્યો હતો. કવોલીટી મેઇન્ટેન કરવા સાથે બેકીંગમાં ધ્યાન આપવાથી પ્રોડકટની શેલ્ફ લાઇફ વધે છે.
તાડી પર સરકારે પ્રતિબંધ મુકયો ત્યારે બેકરીના સંચાલકો મુંઝાયા હતા
જમશેદ દોટીવાલા કહે છે કે મેંદો કે લોટ દળવા માટે ઘંટી ન હતી ત્યારે તે પીસવા માટે બહેનોને કામ આપવામાં આવતું હતું. તે સમયે ચામડાના હાંડા (ઘડા)માં ગામડેથી ચોખ્ખુ ઘી ભરી સુરત લાવવામાં આવતું. બિસ્કીટ, પાંઉ અને નાનખટાઇના ડોને ખિલવવા માટે ખમીર જરૂરી વસ્તુ હતી. આ ખમીર ત્યારે તાડીનો ઉપયોગ કરી ઉઠાવવામાં આવતુ હતું. ગુજરાત જયારે મહારાષ્ટ્ર રાજયમાં હતું ત્યારે સરકારે તાડી પર પ્રતિબંધ મુકી દેતા બેકરીઓએ હોપ્સ પાદડામાંથી અને પપેટાનું ખમીર શરૂ કર્યું હતું પણ બિસ્કીટના સ્વાદમાં મજા આવતી ન હતી. તે પછી લાઇવ ચીસ્ટમાંથી માલ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
1969માં 6 રૂપિયે કિલો બિસ્કીટ વેચાતા હતા
જમશેદ દોટીવાલા કહે છે કે 1969માં હું દોટીવાલા બેકરીમાં કામે ચઢયો ત્યારે 6 રૂપિયે કિલોના ભાવે બિસ્કીટ વેચાતા હતા. આજે બિસ્કીટ 280 રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે. દોટીવાલા બેકરી કેટલીક પ્રોડકટ એવી વેચી રહી છે જે ફરામજી દોટીવાલા બનાવીને વેચતા હતા. આજે પણ ઇરાની સાદા, મીઠી વેનિલા, સુરતી બતાસા, નાનખટાઇ, કરાકરી, સ્વીટ સ્ટીકસ, કેક, ખારી બનાવે છે. એનો ટેસ્ટ આજે પણ જળવાઇ રહ્યો છે. 1969માં ક્રિસમસ કેક અને માવા કેક બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પડવાળી બિસ્કીટમાં ઇનોવેશન પણ તે પછી શરૂ થયું હતું. દોટીવાલા બેકરીમાં દાયકાઓ પહેલા નવટાંક એટલે કે 50 ગ્રામ, સવાસેર એટલે કે 625 ગ્રામ અને સેર એટલે 450 ગ્રામના માપદંડથી પ્રોડકટ વેચાતી હતી. આજે પણ એવા ગ્રાહકો છે જેમની આ ત્રીજી ચોથી પેઢી ખરીદી કરવા આવે છે. એક સમયે મલમલના કાપડમાં ઘઉંનો લોટ છાણવામાં આવતો હતો. આજે હવે હોલવીટ નાનખટાઇ, ખારી અને બ્રેડ બને છે.
નેધરલેન્ડથી આવતા પ્રવાસીઓ આજે પણ દોટીવાલા બેકરીની મુલાકાત લે છે
સાયરસ દોટીવાલા કહે છે કે નેધરલેન્ડથી સુરત આવતા પ્રવાસીઓ આજે પણ દોટીવાલા બેકરીની મુલાકાત લેતા હોય છે. બ્રેડ અને માખણીયા બિસ્કીટનો ટેસ્ટ કર્યા પછી એવું સ્ટેટમેન્ટ આપતા હોય છે કે આજ પ્રકારનો સીમીલર ટેસ્ટ અમને નેધરલેન્ડમાં બ્રેડ અને માખણિયા બિસ્કીટમાં મળતો હોય છે.
ફિલ્ડ માર્શલ માણેકશાના પ્રિય ફરમાસુ માખણિયા સુરતથી ટ્રેનના પાર્સલમાં જતા
જમશેદ દોટીવાલા કહે છે કે તે સમયના ભારતના ચીફ ઓફ આર્મી ફિલ્ડ માર્શલ શામ માણેકશા દોટીવાલા બેકરીમાં બનતા ફરમાસુ-માખણિયા બિસ્કીટના ચાહક હતા. તેમના માટે બિસ્કીટના પાર્સલ બનાવી સુરત રેલ્વે સ્ટેશનના પાર્સલ વિભાગમાં ડીલીવરી માટે મોકલવામાં આવતા હતા. પાર્સલ પર ફિલ્ડ માર્શલ માણેકશાનું નામ જોઇને જ પાર્સલ ઓફીસના અધિકારીઓ દિલ્હી જતી ટ્રેનમાં સેમ-ડે ડીલીવરી મોકલતા હતા જયારે અન્ય પાર્સલને દિલ્હી પહોંચવામાં 3 થી 4 દિવસ લાગતા હતા. નામ વાંચીને જ પાર્સલ વિભાગના અધિકારીઓ ફરમાસુ-માખણિયા બિસ્કીટના પાર્સલને દિલ્હી મોકલવા પ્રાયોરીટીનું કામ ગણતા હતા.
વંશવેલો
ફરામદી પેસ્તનજી દોટીવાલા
એદલજી ફરામજી દોટીવાલા
જમશેદજી એદલજી દોટીવાલા
હોમી જમશેદજી દોટીવાલા
જમશેદ પેસોતન દોટીવાલા
સાયરસ જમશેદજી દોટીવાલા