આમના શરીફ ૩૯ મા વર્ષે મેચ્યોર ભૂમિકાઓ મેળવવાથી ખુશ છે. તે કહે છે કે ફિલ્મોમાં હોત તો હું ભાભી યા મા તરીકે કામ કરતી હોત પણ હવે ટી.વી. અને વેબસિરીઝમાં વિષય વૈવિધ્ય ખૂબ આવી ગયું છે. એટલે દરેક વયના પાત્રોનું પણ મહત્વ વધી ગયું છે. ફિલ્મો કરતાં સ્મોલ સ્ક્રિન પર કામ કરવું અભિનેતા – અભિનેત્રીને વધારે આનંદ આપે છે. ફિલ્મો કરતાં ઓછી ફી મળે છે પણ સતત કામ મળે છે એટલે આખર ભરપાઇ થઇ જાય છે. ફિલ્મોમાં પાત્રના ડેવલપમેન્ટ માટે વધારે તક નથી હોતી જયારે અહીં તક જ તક છે.
મુંબઇમાં જન્મેલી આમના કોલેજમાં હતી ત્યારથી જ મોડેલ તરીકે ઓફર મેળવવા માંડી હતી અને મ્યુઝિક વિડીયોથી કામ શરૂ કરેલું. તેને ‘કહીં તો હોગા’ ટી.વી. શ્રેણીમાં કશિશ સિંહા બનવાનું મળ્યું. આ સિરીયલ પાંચ વર્ષ સુધી ચાલી હતી એટલે ઓળખ બનાવવાની સ્ટ્રગલ પૂરી થઇ ગઇ હતી. એકતા કપૂરની સિરીયલ હોય એટલે જોવાનું હોય નહીં અને જેમ ઓસ્ટિનની ‘પ્રાઇડ એન્ડ પ્રેજયુડાઇસ’ નવલકથા આ સિરીયલનો આધાર હતી. એ સિરીયલ દરમ્યાન તે બીજી કોઇ સિરીયલમાં મોટી ભૂમિકા કરી શકે તેમ ન હતી એટલે ચારેક સિરીયલમાં ખાસ ભૂમિકા પૂરતી આવી. ‘કહી તો હોગા’ પૂરી થઇ પછી ‘હોંગે જૂદા ના હમ’ માં મુસ્કાન દુગ્ગલ બની.
આમના શરીફ કયારેય કામ વિનાની રહી નથી અને ‘કસૌટી જિંદગી કી-2’ માં કોમોલિકા તરીકે તો ખૂબ જ જામી હતી. એ પાત્ર હીના ખાન ભજવતી હતી. કોણ કોમોલિકા તરીકે વધુ સારી હતી તે તો પ્રેક્ષકો જ જાણે પણ આમનાને ત્રણ-ચાર ભૂમિકામાં યાદ કરવામાં આવે છે તેમાંની એક કોમોલિકા પણ છે. આવી કેટલીક ભૂમિકાએ જ તેને ફિલ્મો અપાવી અને તેમાં પહેલી ફિલ્મ તમિલ હતી. પણ પછી ‘આલુ ચાટ’ માં તે આફતાબ શિવદાસાનીની હીરોઇન હતી. ‘આઓ વિશ કરે’ માં પણ આફતાબ જ હીરો હતો. આમ કરતાં તેને ‘એક વિલન’ની ભૂમિકા મળેલી. જોકે તેને હજુ સંતોષ નથી અને વધુ સારી ફિલ્મો અને વેબસિરીઝની તલાશમાં રહે છે. આમનાનું નામ અને શરીફ અટક બંને જાણી ઘણા ચોંકે છે પણ તેની હકીકત એવી છે કે તેના પિતા મહારાષ્ટ્રીય છે અને મા પર્શીયન – બહરૈની છે. જોકે હવે તે કપૂર અટક રાખી શકે એમ છે કારણકે ૨૦૧૩ માં તે અમિત કપૂરને પરણી છે. ‘આધા ઇશ્ક’ની ભૂમિકા વિશે તે કહે છે કે મારું પાત્ર પડકારરૂપ છે અને પ્રેક્ષકોને બાંધી રાખશે. કૃણાલ રોય કપૂર આ સિરીઝમાં તેના પતિની ભૂમિકામાં છે.