સુરત: (Surat) ઇકો કારના ચાલકની (Car Driver) પાસેથી પ્રિન્ટર સ્કેનર બોક્ષ સહિતના સામાન લઇ જવા બાબતે પાંચ હજાર માંગ્યા બાદ ગુગલ-પે માંથી રૂા.2500 પડાવી લેનાર સસ્પેન્ડેડ (Suspended) પો.કો. સામે ગુનો નોંધાયો છે. કારના ચાલકની પાસેથી રૂપિયાનો તોડ કરી લીધા બાદ કોઇપણ પ્રકારની રસીદ આપવામાં નહીં આવતા આખરે પોલીસ ફરિયાદ (Police Complaint) થઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સચીનપારડીના શિવદૃષ્ટિ રેસીડેન્સીમાં રહેતા હર્ષલ નવીનભાઇ સોની સચીન જીઆઇડીસીમાં ‘એસપી થ્રી ટેકનોલોજી’માં હેન્ડલિંગની નોકરી કરે છે. તેઓ કંપનીના સહકર્મચારી વિશાલ બડગુજરની સાથે બે દિવસ પહેલા ઇકો ગાડીમાં પ્રિન્ટર સ્કેનરના બોક્ષ લઇને દિલ્હીગેટ પાસે કંપનીમાં કામ કરતા અન્ય વ્યક્તિને આપવા માટે આવ્યા હતા. આ દરમિયાન અહીં સફેદ કલરની મહિન્દ્રા કેયુવી ગાડી લઇને ઊભા રહેલા પોલીસના કર્મચારીએ હર્ષલ સોનીને અટકાવ્યો હતો. ડ્રાઇવરસીટની બાજુમાં પ્રિન્ટર બોક્ષ હોવાનું કહીને રૂા.5000ની માંગણી કરી હતી.
વિશાલે આ તમામ વાત હર્ષલને કહી હતી. હર્ષલે રૂપિયા ન હોવાનું કહેતા પોલીસ કર્મચારીએ હર્ષલનું ગુગલ-પે ચેક કર્યું હતું. તેમાં રૂા.2600 બેલેન્સ જોવા મળતા પોલીસ કર્મીએ હર્ષલને મોબાઇલ નંબર આપીને 2500 ટ્રાન્સફર કરાવી લીધા હતા અને પોતાની કાર લઇને દિલ્હીગેટ જતો રહ્યો હતો. આ બનાવમાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
પ્રકાશ પાટીલે 2019માં ઉધના વિસ્તારમાં રૂપિયા માંગતા સસ્પેન્ડ કરાયો હતો
તોડ કરનાર પ્રકાશ પાટીલ પોલીસ કોન્સ્ટેબલ હોવાનું બહાર આવ્યું હતું. અમદાવાદમાં ફરજ બજાવ્યા બાદ તેની બદલી 2019માં સુરતમાં કરવામાં આવી હતી. અહીં પ્રકાશને ઉધના પોલીસમાં મુકવામાં આવ્યો હતો. પરંતુ ઉધનામાં પણ આવી જ રીતે રૂપિયા લઇને કોઇને રસીદ આપી ન હતી. જેને લઇને ઉધના પોલીસમાં પણ પ્રકાશ પાટીલની સામે ગુનો નોંધાયો હતો. ત્યારબાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. ત્રણ વર્ષ સુધી સસ્પેન્ડ રહ્યા બાદ પણ પ્રકાશ પાટીલે ફરીવાર ઉઘરાણા કરવાનું શરૂ કરી દીધું છે. હાલ તો મહિધરપુરા પોલીસે પ્રકાશ પાટીલની સામે ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ગુનો દાખલ થતા જ પ્રકાશ મહારાષ્ટ્ર તરફ ભાગી ગયો
વિવાદીત અને સસ્પેન્ડેડ પો.કો. પ્રકાશ પાટીલની સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મહિધરપુરા પોલીસના પીએસઆઇ વસાવા સહિતનો સ્ટાફે પ્રકાશ પાટીલના ઘરે તપાસ કરી હતી, પરંતુ ત્યાં તે મળી આવ્યો ન હતો. બીજી તરફ પોલીસે પ્રકાશનો ફોન ટ્રેસમાં મુક્યો હતો, જેમાં તેનું લોકેશન મહારાષ્ટ્ર તરફ આવતુ હોવાનું કહેવાઇ રહ્યું છે. પ્રકાશને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હોવાનું પણ જાણવા મળ્યું છે.