દાહોદ: કોંગ્રેસના (Congress) પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધી દાહોદ (Dahod) ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીનું (Adivasi styagraha Rally) સંબોધન કરવા માટે ગુજરાત આવી પહોંચ્યા હતા. જ્યારે રાહુલ ગાંધી સભામંડપમાં આવ્યા ત્યારે સૌ કોઈ હાથ ઉંચા કરી તેમનું સ્વાગત કર્યું હતું તેમજ સભામંડપ જય આદિવાસી, જય જોહર અને લડેંગે જીતેંગેના નારાથી ગુંજી ઊઠ્યો હતો. રાહુલ ગાંધીએ આદિવાસી સત્યાગ્રહનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ એક પબ્લિક મિટિંગ નથી પણ એક સત્યાગ્રહની શરૂઆત છે.
- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહનો પ્રારંભ કરાવ્યો, સત્યાગ્રહ એપને પણ ખુલ્લી મૂકી
- આ પબ્લિક મિટિંગ નથી પણ સત્યાગ્રહ છે-રાહુલ ગાંધી
- આદિવાસી પરંપરા મુજબ રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું
- કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, રઘુ શર્મા, હાર્દિક પટેલ, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિતના નેતા હાજર રહ્યા
- કોંગ્રેસ બે ભારત નથી ઈચ્છતી, નાગરકોને સમાન હક્ક તેમજ તમામ સુવિધા મળે-રાહુલ ગાંધી
- કોંગ્રેસ વિધાનસભાની 125 બેઠક જીતશે – રઘુ શર્મા
- જો કોંગ્રેસની સરકાર બનશે તો આદિવાસી જે ઈચ્છશે તે ગુજરાત સરકાર કરશે
- 2 વાગ્યે રાહુલ ગાંધીએ ધારાસભ્યો સાથે બેઠક કરી
રાહુલ ગાંધી અને ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીઆએ સ્ટેજ પર ડાન્સ કર્યો
દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ સંમેલનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા સભાને સંબોધવામાં આવી હતી. ત્યાર બાદ કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટી રે..કોંગ્રેસ પાર્ટી રે…સોન્ગ વગાડવામાં આવ્યું હતું. જ્યાં સ્ટેજ પર ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીઆ અને રાહુલ ગાંધીએ ડાન્સ કર્યો હતો. રાહુલ ગાંધી પર ગીતના તાલે ધારાસભ્ય સાથે ઝૂમતા જોવા મળ્યા હતા.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના એંધાણ શરૂ થઈ ગયા છે. આગમી ટૂંક સમયમાં ચૂંટણી હોવાથી તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય બની રહી છે. ત્યારે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની હાજરીમાં દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ સંમેલન યોજાઈ રહ્યું છે. સંમેલનમાં પ્રજાનું સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ પબ્લિક મિટિંગ નથી પરંતુ સત્યાગ્રહની શરૂઆત છે. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે 2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા તે પહેલા તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમણે જે ગુજરાતમાં કર્યું તે હવે ભારતમાં કરી રહ્યાં છે. જેનું ગુજરાત મોડલ કહેવાય છે. વધુમાં તેમણે કહ્યું કે બે ભારત કોંગ્રેસને નથી જોઈતા, જેમાં એક અમીરોનું ભારત જેમની પાસે સત્તા, ધન, અહંકરા છે. અને બીજી તરફ સામાન્ય નાગરિકોનું ભારત છે. આ પહેલા ગુજરાતમાં મોડલ ટેસ્ટ કરવામાં આવ્યું અને ત્યાર બાદ તે ભારતમાં ટેસ્ટ કરવામાં આવ્યું. કોંગ્રેસ બે ભારત નથી ઈચ્છતી, અમને એક ભારત જોઈએ, જેમાં સૌનો આદર થાય, સૌને તક મળે, સમાન હક્ક મળે અને સૌને સુવિધા મળે.
પીએમ મોદી પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોરોનામાં લાખો લોકો માર્યા ગયા પણ ટીવી પર એક જ ચહેરો દેખાતો હતો નરેન્દ્ર મોદીનો. વધુમાં તેમણે કહ્યું કે બીજેપી મોડલમાં જનતાનુ ધન કોઈ ઉદ્યોગપતિનુ નથી, એ નાગરિકોનું છે. યુપીમાં અમારી સરકારે કોશિશ કરી તેમ જળ, જંગલ, જમીનનો ફાયદો ભારતના સામાન્ય લોકોને મળે. અમે મનરેગા, જમીન અધિકરણ બિલ આપ્યું. કોરોના કાળમાં જો મનરેગા ન હોય તો દેશની પરિસ્થિતિ ખરાબ હોત. લોકસભામાં પીએમ મોદીએ મનરેગા યોજનની મઝાક ઉડાવી હતી. અને કહ્યું કે મનરેગા હું રદ નહીં કરું. આ જ પ્રોગ્રામને આજે બીજેપી ચલાવે છે.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો આદિવાસી ઈચ્છશે એ રીતે ગુજરાત સરકાર કામ કરશે. બે-ત્રણ લોકોનો નહીં પણ જનતાનો અવાજ સરકાર ચલાવશે. છત્તીસગઢની જેમ અમે ગુજરાતમાં ગરીબ બાળકો માટે અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરીશું. મિશન 2022ની ચૂંટણી માટે રાહુલ ગાંધીની સૌ પ્રથમ જાહેરસભા છે. આ અગાઉ આદિવાસી વોટ બેંક રિઝાવવા માટે તા. 1 મે આપ નેતા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.
દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ સંમેલનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત નેતા, ધારાસભ્યો હાજર રહ્યા હતા. કોંગ્રેસના પ્રભારી નેતા રઘુ શર્મા, હાર્દિક પટેલ, જગદીશ ઠાકોર સહિતના દિગ્ગજ નેતા કાર્યક્રમમાં પહોંચ્યા હતા. કાર્યક્રમમાં નેતા મધુસુદન મિસ્ત્રીએ આદિવાસી પરંપરાથી છોડ આપીને રાહુલ ગાંધીનું સ્વાગત કર્યુ હતું. તેમજ તીર-કામઠાથી રાહુલ ગાંધીનુ સ્વાગત કરી વારલી પેન્ટિંગ ભેટમાં આપવામાં આવ્યું હતું. આ સિવાય વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ રાહુલ ગાંધીની સભામાં જોવા મળ્યા હતા.
પ્રદેશ કોગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ કહ્યું હતું કે, તા.૧૦મી મેના રોજ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો સાથે બપોરે 2 કલાકે બેઠક કરશે. તેમજ આદિવાસી વિસ્તારના તમામ આગેવાનો સાથે પણ વિશેષ સંવાદ બેઠક યોજશે અને સ્થાનિક પરિસ્થિતિ વિશે વાર્તાલાપ કરશે. ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીને દાહોદ ખાતે રાહુલ ગાંધી કાર્યકરોને માર્ગદર્શન આપી આગામી સમયમાં વધુ મજબૂતીથી આદિવાસી સમાજના પ્રશ્નો માટે લડતના કાર્યક્રમો ખુલ્લા મૂકશે. ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે લડતનો નિર્ધાર જાહેર કરાશે. આદિવાસી સમાજનાં ભાઈ-બહેનોને તેમના બંધારણીય હક્ક અને અધિકાર મળે એ માટે કોંગ્રેસ પક્ષ અંબાજીથી ઉમરગામ સુધીની તમામ આદિવાસી વિસ્તારોમાં ૧૦,૦૦૦થી વધુ ચોપાલ કરીને આદિવાસી સમાજનો અવાજ બુલંદ કરશે.