નવસારી : ચીખલીની (Chikli) પરિણીતાને એમરિકા લઈ ગયા બાદ પતિ અને સાસુ-સસરાએ શારીરિક-માનસિક ત્રાસ આપી ૧૦ લાખ રૂપિયાની માંગણી કરતા પરિણીતાએ નવસારી (Navsari) મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હાથ ધરી છે.
- અમેરિકા ગયા બાદ પતિએ પત્નીને મોક્ષમાર્ગી ધર્મ અપનાવી લેવા માટે દબાણ કરતો
- ચીખલીની પરિણીતાને અમેરિકા લઈ ગયા બાદ પતિ અને સાસુ-સસરાએ ત્રાસ આપ્યો
મળતી માહિતી મુજબ, ચીખલી તાલુકાના ખુંધ ગામે સહયોગ સોસાયટી પાછળ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતી શિવાનીબેનના લગ્ન સુરતના પૂર્ણા પાટિયા સ્કાય વ્યુ હાઇટ્સ સામે સદાશિવ ગુરૂકૃપા સોસાયટીમાં અને હાલ અમેરિકાના ન્યુ જર્સી ઇસ્ટ બ્રુન્સ્વીક સીવીક સેન્ટર ડ્રાઈવમાં રહેતા અંકુરભાઇ તુલસીભાઈ ચૌધરી સાથે થયા હતા. ત્યારબાદ શિવાનીબેન અમેરિકાના વિઝા માટે લગ્નની રજીસ્ટર નોંધણી કરાવી હતી. અને વિઝાની કાર્યવાહી શરૂ કરી હતી. લગ્ન બાદ એક મહિના સુધી શીવાનીબેન સુરત રહેવા ગયા હતા. જ્યાં સાસુ ઉર્વશીબેન અને સસરા તુલસીભાઈએ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. શીવાનીબેનનું મંગલસૂત્ર તૂટી જતા તેને સરખું કરાવા માટે કહેતા સાસુ ઉર્વશીબેને તું તારા ઘરે જઇને, સરખું કરાવી લેજે તેમ બોલ્યા હતા. ત્યારબાદ શીવાનીબેનનું અમેરિકા જવાનું નક્કી થતા તેણી અમેરિકા જતી રહી હતી. પણ તેણી ઘરેણા, ભેટ-સોંગાદો સાસરે જ મૂકી ગઈ હતી. અમેરિકા ગયા બાદ પતિ અંકુરભાઇએ શીવાનીબેનને મોક્ષમાર્ગી ધર્મ અપનાવી લેવા માટે દબાણ કરતા હતા. પણ શીવાનીબેને ધર્મ અપનાવવા માટે ના પાડી દેતા પતિ અંકુરભાઇ તેણી સાથે સરખી વાત પણ કરતા ન હતા. ત્યારબાદ વાર-તહેવારમાં કપડા પહેરવા માટે પાર્સલમાં મોકલવા માટે સાસુ-સસરાને કહેતા તેઓ પાર્સલમાં ખર્ચો વધી જાય તેમ કહી પાર્સલ મોકલતા ન હતા.
ગત એપ્રિલ મહિનામાં શીવાનીબેન અને અંકુરભાઇ ચીખલી ખાતે મોક્ષમાર્ગી ધર્મ અંગે અનાવલ ખાતે મોટો કાર્યક્રમ હોવાથી અમેરિકાથી આવ્યા હતા. જ્યાં પણ અંકુરભાઇ શીવાનીબેનને તેણીના ઘરે મૂકી કાર્યક્રમમાં જતા રહ્યા હતા. દરમિયાન શીવાનીબેનની તબિયત સારી નહીં હોવાથી સાસુ-સસરા તેણીના ઘરે ગયા હતા. પરંતુ ત્યાં સાસુ-સસરાએ શીવાનીબેનના માતા-પિતા સાથે ઝઘડો કરી અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહ્યા હતા. આ બનાવ અંગે શીવાનીબેને નવસારી મહિલા પોલીસ મથકે પતિ અંકુરભાઇ, સાસુ ઉર્વશીબેન અને સસરા તુલસીભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. શિલ્પાબેન દેસાઈએ હાથ ધરી છે.