Vadodara

ગુમ થયેલા ધારાસભ્ય મળતિયા સાથે મતવિસ્તારમાં આખરે દેખાયાં

વડોદરા : રાજ્યકક્ષાના મંત્રી અને શહેરવાડી વિધાનસભાન ધારાસભ્ય મનીષાબેન વકીલ ગુમ થયા હોવાના ખોડિયાર નગરમાં પોસ્ટર લાગતા અચરજ સર્જાયું હતું. જોકે ગુજરાતમિત્રમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ મનીષાબેન વકીલ માતૃ દિવસ નિમિત્તે વોર્ડ 6ના મત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા.જોકે લોકોનો રોષ ભભૂકી ઉઠે નહીં તે માટે તેમણે સ્વચ્છ છબી ધરાવતા અને લોકોના પડખે ઉભા રહેતા ડો.શીતલ મિસ્ત્રીને સાથે રાખવાની ફરજ પડી હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું હતું.જ્યારે કેટલાક લોકોએ તો વારસિયામાં સીટી બસ આવતી નથી.તેને ચાલુ કરાવો કહી બળવો પોકાર્યો હતો.

વડોદરામાં શહેર વાડી વિધાનસભાના ધારાસભ્ય તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજયમંત્રી મનિષાબેન વકીલ ગુમ થયા હોવાના પોસ્ટર ખોડિયારનગર વિસ્તારમાં સામજિક કાર્યકરે લગાવતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો હતો.ત્યારે માતૃ દિવસ નિમિત્તે મંત્રી મનીષાબેન વકીલ ચૂંટણી વોર્ડ નં 6 માં જનસંપર્ક ફેરણી યોજી હતી.વિસ્તારની માતાઓ સાથે મુલાકાત કરી હતી.જ્યાં તેમનું શાલ ઓઢાડી બુકે મોમેન્ટોથી સન્માન પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વોર્ડ પ્રમુખ,સ્થાનિક કોર્પોરેટરો, મહામંત્રી,યુવા મોરચાની ટીમ તેમજ શહેર વિધાનસભાના કાર્યકરો સહિત સ્થાનિકો જોડાયા હતા.ત્યારબાદ તેમણે વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી.

જ્યાં વૃદ્ધોને વસ્ત્રોનું દાન કરી તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો.જ્યારે બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વિસ્તારના પ્રજાલક્ષી કામો નહીં થતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.જે આક્રોશ મંત્રી મનીષાબેન વકીલ પર ના ઠલવાય તે માટે તેમણે કોરોનામાં કામગીરી કરનાર અને સ્વચ્છ છબી ધરાવતા તેમજ લોકોની પડખે ઉભા રહેતા ડો.શીતલ મિસ્ત્રીને સાથે રાખ્યા હતા.તેમજ દાજીનગરમાં પોતાના જ મળતીયાના ઘરે પહોંચી હારતોરા કરાવવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ કર્યા હતા.જ્યારે કેટલાક રહીશોએ વારસિયામાં સીટી બસ આવતી નથી,બસ ચાલુ કરો સહિતના વિવિધ પ્રશ્ને બળવો પોકાર્યો હતો.અત્રે નોંધનીય છે કે ખોડિયારનગર વિસ્તારમાં મંત્રી મનીષાબેન ગુમ થયા હોવાના પોસ્ટર લાગ્યા બાદ ગુજરાત મિત્રમાં ધારદાર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.જેનાથી હવે મંત્રી મનીષાબેન દેખાવા લાગ્યા છે.પરંતુ લોકો સમક્ષ જતા પહેલા તેમને જે તે વિસ્તારના સ્વચ્છ છબી ધરાવતા અગ્રણીઓને સાથે રાખવાની ફરજ પડી રહી છે.

Most Popular

To Top