સુરત: (Surat) અઠવા પોલીસની (Police) હદમાં આવેલી હાજી દાઉદ મસ્જીદ નજીક રહેતી 16 વર્ષની સગીરા સાથે તેના સાવકા પિતા છેલ્લા 6 વર્ષથી રાત્રે ઊંઘતી વખતે શારિરીક અડપલા કરતા હતા. સાવકા પિતાની (Stepfather) આ હરકતથી કંટાળી ગયેલી સગીરાએ આ અંગે અંતે અઠવા પોલીસમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી.
અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હાજી દાઉદ મસ્જીદ સામે કુરેશી મંજીલમાં રહેતા ફિરોજઅલી શેખ સામે તેની 16 વર્ષની સાવકી પુત્રીએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના સગા પિતા મુંબઈમાં રહે છે. તેને બે સગા ભાઈ અને સાવકા પિતા થકી તેની માતાને બીજા બે ભાઈ બહેન છે. સાવકા પિતા ફિરોજઅલી શેખ વર્ષ 2017 થી રાત્રે ઉંઘતી વખતે શારીરિક અડપલા કરતાં આવ્યા હતાં.
સાવકા પિતાના ત્રાસથી કંટાળીને સગીરા તેના મુંબઈ ખાતે રહેતા પિતાના ઘરે રહેવા માટે ચાલી ગઈ હતી. તેણે મુંબઈના મેઘવાડી પોલીસ મથકના સાવકા પિતા ફિરોજઅલી સામે ફરિયાદ નોંધાવતા મુંબઈ પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ લઈ સુરતમાં ટ્રાન્સફર કરી હતી. જેથી અઠવા પોલીસે ગુનો દાખલ કરી ફિરોજઅલીની અટક કરી હતી. બાદમાં મેડીકલ માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સગીરાનું નિવેદન લેવા માટે એક ટીમ મુંબઈ પણ પહોંચી છે.
અમરોલીમાં પિતાની સાવકી દિકરીની બહેનપણી સાથે આંખ મળી, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
સુરત: શહેરના અમરોલી ખાતે રહેતી મહિલાના બીજા પતિની તેની સાવકી દિકરીની બહેનપણી સાથે આંખ મળી હતી. મહિલાને પતિના આ સંબંધની જાણ થતા તે ઘર છોડીને જતો રહ્યો હતો. બાદમાં દિકરીની બહેનપણીએ વોઈસ મેસેજ કરીને હત્યા કરવાની ધમકી આપતા મામલો અમરોલી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
અમરોલીની સ્મિત રેસિડેન્સીમાં રહેતાં 38 વર્ષીય હેમલતાબેન રાજુભાઈ ગુજરીયાએ ઋતુ રાજેશ શાહુ (રહે. હર સિદ્ધિ સોસાયટી, અમરોલી) ની સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના પ્રથમ પતિ જયંતિભાઈનું વર્ષ 2013માં અવસાન થયું હતું. તેમના પતિ થકી તેમને ત્રણ સંતાન છે. દરમિયાન વર્ષ 2020 માં તેમણે રાજુભાઈ ગુજરિયા સાથે કોર્ટ મેરેજ કર્યા હતાં. હેમલતાબેનની દિકરીના લગ્ન પહેલાથી તેની બહેનપણી ઋતુ તેમના ઘરે આવજાવ કરતી હતી. દરમિયાન ઋતુની આંખ રાજુભાઈ સાથે મળતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
1 મે 2022 ના રોજ રાજુ ફોન ઉપર ઋતુ સાથે વાત કરતા હેમલતા સાંભળી ગઈ હતી. જેથી તેમણે પતિને ઋતુ સાથે વાત કરવા અંગે પૂછપરછ કરતાં પતિએ તેમને ગાળાગાળી કરી માર માર્યો હતો. અને હું ઋતુને લઈને ભાગી જાઉ છું તારી સાથે રહેવાનો નહી તેમ કહી રાજુ ઘરેથી નીકળી ગયો હતો. બીજા દિવસે હેમલતાએ ફોન કરીને ઘરે આવી જવા કહ્યું તો રાજુએ તારી સાથે રહેવા માંગતો નથી મને છૂટાછેડા આપી દે તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. ગત 5 મે ના રોજ બપોરે ઋતુએ તેના મોબાઈલ નંબરથી વોટ્સએપ વોઈસ મેસેજ કરીને ફોન ઉપાડ રાજુ મારી સાથે છે, હું રાજુ સાથે લગ્ન કરવાની છું, તારાથી થાય તે કરી લેજે. તને રાજુ જોઈએ છે મારી પાસે આવ તને રાજુ આપુ ફોન ઉંચક મારી સાથે વાત કર નહીં તો તારૂ મર્ડર કરી નાખીશ તેવી વોઈસ મેસેજથી ધમકી આપી હતી. અમરોલી પોલીસે બનાવ આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.