Sports

પોતાની સ્પીડથી IPLને જીવંત બનાવતો ઉમરાન મલિક

આજકાલ ભારતીય ક્રિકેટમાં એક નામ ઘણું ઝડપથી ઊભરી રહ્યું છે અને તે છે જમ્મુ અને કાશ્મીરનો ઝડપી બોલર ઉમરાન મલિક, યુએઇમાં રમાયેલા 2021ની આઇપીએલના બીજા ભાગમાં ઉમરાન મલિક 150 કિમીની ઝડપે બોલ ફેંકીને લાઇમ લાઇટમાં આવ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે તે પછી પોતાના આ નેટ બોલરને રિટેન કરવાનો નિર્ણય લીધો અને 2022ની આઇપીએલ સિઝનમાં ઉમરાન મલિક કાચા હીરામાંથી હવે એક સંપૂર્ણ પાસાદાર હીરો બન્યો છે અને તેને યોગ્ય શેપ આપવાનું શ્રેય સનરાઇઝર્સના બોલિંગ કોચ ડેલ સ્ટેનને જાય છે. ઉમરાન મલિકનું નસીબ જોર કરતું હશે એટલે જ તો તેને ડેલ સ્ટેન જેવા સ્પીડસ્ટારના કોચિંગ હેઠળ તૈયાર થવાની તક મળી છે. શરૂઆતમાં જે ઉમરાન મલિક માત્ર સ્પીડથી બોલ ફેંકી શકતો હતો તે હવે પોતાની સ્પીડની સાથે જ બોલને યોગ્ય લાઇનલેન્થ સાથે ફેંકતો થયો છે અને તેના કારણે તેની તાકાત વધુ મજબૂતાઇ મેળવી રહી છે.

આઇપીએલના કમેન્ટેટરો પણ ઉમરાનની પ્રશંસા કરવાની તક ચુકતા નથી. સાઇમન ડોલે આરસીબી સામેની સનરાઇઝર્સની મેચ દરમિયાન કહ્યું હતું કે ઘણાં લોકો સનરાઇઝર્સ હૈદરાબાદની મેચની આતુરતાથી રાહ જુએ છે અને તેનું કારણ છે ઉમરાન મલિક. તેની સ્પીડને કારણે તે લોકોમાં પોતાની એક અલગ છાપ ઊભી કરી રહ્યો છે. એ મેચમાં ઉમરાન મલિકે પોતાનો પ્રથમ બોલ ફેંક્યો તેની સ્પીડ હતી 146 કિમી કે જે હાલના મોટાભાગના ઝડપી બોલરોની મહત્તમ સ્પીડ છે, તે સ્પીડ ઉમરાન મલિક માટે વોર્મઅપ સ્પીડ છે. તેની એવરેજ સ્પીડ 150થી ઉપરની રહે છે અને તેની આ સ્પીડને કારણે જ આઇપીએલ જીવંત બની રહી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની એ મેચમાં માર્કો યાન્સેને બીજી ઓવરમાં ત્રણ વિકેટ લીધી અને મેચની શરૂઆત કરી દીધી. યોગ્ય ગતિ, અવિશ્વસનીય ઊંચાઈ, સીમ, સ્વિંગની સચોટતાની સાથે બોલીંગ કરનારો યાન્સેન ભલે થોડા વર્ષોમાં વિશ્વનો શ્રેષ્ઠ બોલર બની જાય. પણ ઉમરાન મલિકની ક્ષમતા તેનાથી ઓછી થવાની નથી. ઇંગ્લેન્ડની ટીમનો માજી કેપ્ટન કેવિન પીટરસન કહે છે કે વિશ્વમાં ઘણાં ઝડપી બોલરો આવ્યા અને ગયા પણ તે સમયે જે બોલરો હતા તે 90 માઇલ એટલે કે 145 કિમીની ઝડપે બોલ ફેંકી શકતાં હતા, પરંતુ મલિક એ બધા કરતા વધુ સ્પીડ ધરાવે છે અને કેટલાક જ્યાં જવલ્લે જ પહોંચતા હતા તે સ્પીડથી મલિક સતત બોલ ફેંકી શકે છે.

તે લોકી ફર્ગ્યુસનની કેટેગરીમાં આવે છે, અને કદાચ તે તેના કરતાં વધુ સ્પીડથી બોલીંગ કરે છે. મલિક પહેલા માત્ર સ્પીડથી બોલ ફેંકી જાણતો હતો અને તેમાં તેની લાઇન અને લેન્થ જળવાતી નહોતી, ક્યારેક તે વધુ પડતા બાઉન્સર ફેંકતો હતો અને ઘણીવાર તેના બોલ લાઇન બહાર રહેવાના કારણે સતત વાઇડ જાહેર થતાં રહેતા હતા. પણ 2022ની આઇપીએલમાં તેનામાં જો સૌથી મોટો બદલાવ જોવા મળ્યો હોય તો તે પોતાની ગતિને હવે યોગ્ય રીતે નિયંત્રીત કરી શકે છે અને તેની લાઇન અને લેન્થ પણ ઘણી સુધરી છે. હવે સ્પીડ બાબતેની ટેકનીકલ સમજ તેનામાં વિકસી છે અને તેના કારણે તે હવે પોતાની સ્પીડ જાળવી રાખીને પણ નિયંત્રીત બોલીંગ કરતો થયો છે.

મેથ્યુ હેડન તેની સરખામણી હવે વકાર યુનુસ, સાઇમન ડોલ અને હારિસ રઉફ સાથે કરે છે. ઉમરાન મલિક જ્યારે કોઇ મોટા ખેલાડીને આર્ઉટ કરે છે ત્ચારે સનરાઇઝર્સના ડગ આઉટમાં બેઠેલો ડેલ સ્ટેન હરખાઇ ઉઠે છે. ઉમરાન મલિક જમ્મુ કાશ્મીરમાં સિમન્ટની વિકેટ પર બોલીંગ કરતો હતો ત્યારે અંડર 19ના પસંદગીકારોએ તેને જોયો અને તેની ઝડપી બોલીંગને કારણે તે IPLમાં રમનાર જમ્મુ અને કાશ્મીરનો ચોથો ખેલાડી બન્યો.

જમ્મુ અને કાશ્મીરમાંથી ભારત વતી રમનારો પહેલો ક્રિકેટર હતો પરવેઝ રસૂલ, જેણે બે મર્યાદીત ઓવરોની મેચ રમી છે. તે પછી મિથુન મનહાસ કે જે આ પ્રાંતમાં જનમ્યો હતો પરંતુ તેણે પોતાની ક્રિકેટ કેરિયર દિલ્હી વતી શરૂ કરી હતી. આ સિવાય રસિક સલામ, અબ્દુલ સમદ અને મંઝૂર દાર પણ હતા. જેમાંથી રસીક સલામ અને અબ્દુલ સમદને રમવાની તક મળી છે પણ મંજૂર દારને એવી તક મળી નથી. જમ્મુ કાશમીરનો કોઇ ઝડપી બોલર ભારતીય ક્રિકેટમા ઝળક્યો હોય તેવી કંઇ આ પહેલી ઘટના નથી. આ પહેલા 2000ના મધ્ય ગાળામાં આબિદ નબીના રૂપમાં જમ્મુ કાશમીરમાથી પહેલો ઝડપી બોલર આવ્યો હતો. આબિદ નબી રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેવાના કારણે લાઇમલાઇટમા આવ્યો અને તે ઇન્ડિયન ક્રિકેટ લીગ (આઇસીએલ)માં રમીને થોડો સફળ થયો હતો. જો કે તે આઇપીએલમાં રમી ન શક્યો. જો નબી એ વાસ્તવિક ગતિનું સ્વપ્ન હતો તો ઉમરાન મલિક વાસ્તવિકતા છે.

મલિકની કારકિર્દીની શરૂઆતની એક કથા ઓછી જાણીતી છે. તે સમયે મલિક સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં નેટ બોલર તરીકે સામેલ હતો. તે સમયે નેટ પ્રેક્ટિસ દરમિયાન સનરાઇઝર્સમાં સામેલ જોની બેરસ્ટો નેટ્સમાં તેનો સામનો કરી રહ્યો હતો અને તેણે મલિકને ધીમી બોલિંગ કરવા માટે કહેવું પડ્યું હતું. અને જ્યારે યુએઇમાં આઇપીએલ દરમિયાન ટી નટરાજન ઘાયલ થવાના કારણે ટીમમાંથી આઉટ થયો ત્યારે આ નેટ બોલરને ટીમમાં સ્થાન મળ્યું અને જેવો તે IPLમાં આવ્યો ત્યારે તેની કેરિયરની શરૂઆતની મેચમાં માત્ર થોડા બોલ જ તેણે ફેંક્યા કે પછી લોકોએ તેના તરફ ધ્યાન આપવાનું શરૂ કરી દીધું હતું.

તે સ્પષ્ટપણે ઉપલા લેવલની સ્પીડ હતી. ઉમરાન મલિક જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં પોતાની ત્રીજી ઓવર ફેંકવા માટે આવ્યો ત્યારે સ્ક્રીન પર એક ચાઇરોન શરૂ થયું હતું જેમાં, એક સરળ સવાલ પુછાયો હતો કે શું ઉમરાન મલિક ભારતનો અત્યાર સુધીનો સૌથી ઝડપી બોલર છે? ઉમરાન મલિક અંગે સુનિલ ગાવસ્કર શું કહે છે કે પણ જાણવા જેવું છે. ગાવસ્કર કહે છે કે બોલરોની સ્પીડ અંગે તમે આધુનિક યુગમાં જ જાણી શકો છો, પરંતુ એકંદરે ભારતીય બોલરો ઐતિહાસિક રીતે ઝડપી રહ્યા નથી.

જો કે તે પછી સમય બદલાયો અને ભારત પાસે જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને વરૂણ એરોન જેવા ઝડપી બોલરો આવ્યા કે જેઓ વધુ ઝડપી બોલીંગ કરી શકતા હતા અથવા એમ કહો કે તેઓ પોતાના બોલને મહત્તમ સ્પીડ આપી શકતા હતા. જો કે મલિક તેમનાથી અલગ છે. તે માર્ક વુડની જેમ સતત ઝડપી બોલ ફેંકી શકે છે. તેના જે બોલ ધીમા હોય છે તે પણ ખરેખર તો ધીમા હોતા નથી. મલિકની જે સૌથી ધીમી બોલ છે તે 138.6kmph છે, જે ખરેખર તો કેટલાક બોલરોની ઝડપી બોલ હોય છે.

મલિકની એવરેજ સ્પીડ 145kmph છે. જે કેટલાક બોલરોની ખરેખર તો મહત્તમ સ્પીડ હોય છે. હકીકતમાં, મલિક ધીમા બોલ ફેંકતો નથી. તેની માત્ર 2.8% ડિલિવરી 130kmph થી ઓછી સ્પીડ ધરાવે છે. કારણ કે તે ખૂબ જ ઝડપી છે, તેની કેટલાક ધીમા બોલ 130થી નીચે હોય છે. પરંતુ તે માત્ર 6.4% બોલ 130 થી 139ની વચ્ચેની સ્પીડના ફેંકે છે. મલિકની કોઇ એક ઓવરનું સ્પીડ એનાલિસીસ કંઇક આ પ્રકારનું રહે છે. પહેલો બોલ 151kmph, તે પછી 148kmph, તે પછી 151kmph, અને ત્યારબાદ 141kmph અને 147kmph છે. તેથી જ કદાચ 77% ક્રિકેટ ચાહકો અને ક્રિકેટ દિગ્ગજોના મતે હાલમાં મલિક ભારતનો સૌથી ઝડપી બોલર છે.

Most Popular

To Top