માંડવી: (Mandvi) એક તરફ પીઠી, લગ્નનાં (Marriage) અરમાન અને પરિવારનો હર્ષ સમાતો ન હતો, ત્યાં જ માંડવીના અરેઠ ગામના ચૌધરી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. એક યુવાન 33 વર્ષની વયે લગ્નની વેદીએ પગ મૂકે એ પહેલાં જ લગ્નના ડીજેમાં નાચતી (Dance on DJ) વેળા હાર્ટ એટેક આવતાં મોતને ભેટ્યો હતો. જેને કારણે યુવાનની જાન નીકળવાને બદલે અર્થી નીકળી હતી. આ ઘટનાને પગલે સમગ્ર ચૌધરી સમાજમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી.
- અરેઠના યુવાનના લગ્નનાં ઓરતાં અધૂરાં રહ્યાં, ડીજેમાં નાચતી વેળા હાર્ટ એટેકથી મોત
- માત્ર 33 વર્ષની વયે યુવાન મોતને ભેટ્યો, યુવાનની જાન નીકળવાને બદલે અર્થી નીકળતાં સમગ્ર ગામમાં શોકની કાલીમા
માંડવીના અરેઠ ગામના નવા ફળિયામાં રહેતા રમેશભાઈ માવજીભાઈ ચૌધરીના ઘરે મોટા દીકરા મિતેશ (ઉં.વ.33)નાં લગ્ન નક્કી થયા હોવાથી પરિવારમાં હર્ષનો માહોલ હતો. જેનાં લગ્ન વાલોડના ધામોદલા ખાતે રહેતા વિરસિંગ હગમાભાઈ ચૌધરીની પુત્રી મીતા સાથે નક્કી થયાં હતાં. પરિવારમાં પુત્રનાં લગ્નનો આ પહેલો જ પ્રસંગ હતો, એટલે સગાસંબંધીઓ પણ મિતેશનાં લગ્નની તૈયારીમાં જોતરાઈ ગયા હતા. પીઠી સહિતની રસમ પણ પૂરી થઈ ગઈ હતી. ગત તા.4 મેના રોજ મંડપમુહૂર્ત હતું. અને રાત્રે જમણવાર બાદ ડીજેનો કાર્યક્રમ રાખ્યો હતો. ડીજે શરૂ થતાં જ મિતેશના મિત્રો અને સ્નેહીજનોનો ઉત્સાહ સમાતો ન હતો. અને મોડી રાત સુધી ડીજે ચાલુ રહ્યું હતું.
દરમિયાન તા.5મીએ મધરાતે 1-30 વાગ્યાના અરસામાં મિતેશ પણ મિત્રો સાથે નાચગાન કરી રહ્યો હતો. એ વેળા જ હાર્ટ એટેકને કારણે મિતેશની છાતીમાં એકાએક દુખાવો ઉપડ્યો હતો. અને મિતેશ ત્યાં જ ઢળી પડ્યો હતો. એકાએક બનેલી ઘટનાને પગલે પિતા રમેશભાઈ અને મોટા કાકા વજીરભાઈ સહિત સ્નેહીજનોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. અને મિતેશને પિતા રમેશભાઈ અને વજીરભાઈ બાઇક ઉપર બેસાડી અરેઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. જ્યાં તબીબોએ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે બારડોલીના સરદાર સ્મારક કેન્દ્રમાં રિફર કર્યો હતો. પરંતુ સારવાર દરમિયાન મળસકે 4-30 કલાકે મિતેશનું પ્રાણપંખીડું ઊડું ગયું હતું. આ બનાવને પગલે સમગ્ર અરેઠ ગામ સહિત ચૌધરી સમાજમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી. તેની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
બે વર્ષ પહેલાં સગાઈ થઈ હતી, કોરોનાને કારણે લગ્ન લંબાયાં હતાં
મિતેશ ચૌધરીએ ધો.10 સુધીનો અભ્યાસ કર્યો હતો. ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી અભ્યાસ છોડવો પડ્યો હતો. જે અરેઠ ગામ ખાતે વજન કાંટા પર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. તેની એન્ગેજમેન્ટ બે વર્ષ પહેલાં થઈ હતી. પરંતુ કોરોનાની મહામારીના કારણે લગ્ન લંબાવ્યાં હતાં. મિતેશ ચૌધરી વ્યસનમુક્ત હતો. અને મિત્રવર્તુળ પણ સારું હતું.
બહેને એકનો એક ભાઈ, પિતાએ આધાર ગુમાવ્યો
રમેશભાઈ માવજીભાઈ ચૌધરી જેઓ હીરા ઘસવાનું કામ કરતા હતા. તેમને એક પુત્રી પણ છે. પુત્રીનાં લગ્ન મઢી નજીક વાંસકુઈ ગામે 7 વર્ષ પહેલાં કર્યાં હતાં. આ ઘટનામાં બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો છે.
કન્યાના પિતા બેભાન થઈ ગયા
વાલોડના ધામોદલા ખાતે રહેતા વિરસિંગ હગમા ચૌધરીની પુત્રી મિતા સાથે લગ્નની તૈયાર કરતાં અડધું રસોડું પણ તૈયાર થઈ ગયું હતું. પરંતુ વરરાજાના દુઃખ સમાચાર મળતાં પિતા વિરસિંગ ચૌધરી બેભાન થઈ ગયા હતા. અને આખા પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી. આ દુઃખદ ઘટના બનતાં કન્યા પણ અંતિમયાત્રામાં અરેઠ આવી પહોંચી હતી.
ફાસ્ટફૂડના પ્રમાણમાં વધારો અને કસરતનું પ્રમાણ ઘટતાં યુવાઓમાં હાર્ટ એટેકની ઘટના વધી છે: ડો.પરિમલ ચૌધરી
માંડવી રેફરલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.પરિમલ ચૌધરીએ જણાવ્યું હતું કે, મોટા ભાગના યુવાનો ફૂટફાસ્ટ જેવી વસ્તુઓ ખાવામાં ઉપયોગ કરે છે. તેમજ મોબાઈલ કારણે તેઓ વોકિંગ, કસરત માટે સમય આપતા નથી. જેના કારણે યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે.