સુરત(Surat) : છેલ્લા કેટલાક સમયથી સુરતમાં નાણાંકીય તરલતાનો અભાવ છે અને તેમાં જમીનના ધંધામાં ચાલી રહેલી મંદીને કારણે જમીનના અનેક વેપારીઓમાં ભારે માથાકૂટ ચાલી રહી છે. ભૂતકાળમાં આવી જ માથાકૂટમાં મામલો છેક પોલીસ સુધી પહોંચી ગયો હતો અને હવે ફરી આવા એક મામલાએ વરાછાવાસીઓમાં ભારે ચર્ચા ઊભી કરી છે. જેમાં સુરત અને મુંબઈના હીરાના એક જાણીતા સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિએ સૌરાષ્ટ્રના જ એક જમીનના વેપારીની સારી જગ્યા લઈને તેને ખરાબ જગ્યા પધરાવી દેતા આ વેપારીએ વિડીયો કોલ કરીને ઉદ્યોગપતિને ભારે ગાળો ભાંડી હતી. જેને પગલે ઉદ્યોગપતિએ આ વેપારીને પોલીસ પાસે ઉંચકાવી લીધો હતો. આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નહીં હોવાથી વધુ વિગતો બહાર આવવા પામી નથી.
- ‘પોચા’ નામથી ઓળખાતા આ જમીનના વેપારીની મોકાની જગ્યા ઉદ્યોગપતિએ કબજામાં લઈ લીધી અને સામે ખરાબ જમીન પધરાવી દીધી
- ઉદ્યોગપતિએ કરેલી છેતરપિંડીને પગલે ‘પોચા’એ વિડીયો કોલ કરીને છેલ્લી કક્ષાની ગાળો ભાંડતા મામલો વિસ્ફોટક બની ગયો
સુરતના સૌરાષ્ટ્રવાસીઓમાં ચાલતી ચર્ચા પ્રમાણે, મૂળ ભાવનગર જિલ્લાના વતની અને સુરતમાં જમીન અને ટેક્સટાઈલનો વેપાર કરતા ‘પોચા’ તરીકે જાણીતા વેપારીએ દાનવીર તરીકે જાણીતા હીરાના ઉદ્યોગપતિ પાસેથી 21 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા. બીજી તરફ બીજા ધંધાના વહેવારના 21 કરોડ રૂપિયા ‘પોચા’એ મોટા સમાજસેવક તરીકે જાણીતા વરાછાના આગેવાનને આપવાના થતાં હતા. ‘પોચા’ની આ સ્થિતિનો આ સમાજસેવકે સારો લાભ ઊઠાવ્યો અને ઉદ્યોગપતિ અને પોતાના 21 કરોડ રૂપિયાની ઉઘરાણી સામે ‘પોચા’ની પાસોદરા પાસે આવેલી 60થી 65 કરોડની જમીન લઈ લીધી હતી. ‘પોચા’એ ત્યારે એવું કહ્યું હતું કે, આ જગ્યામાંથી જે રકમ બચે તે મારે બીજા લેણદારોને આપવાની છે. પરંતુ હીરાના ઉદ્યોગપતિએ આ આખી જગ્યા લઈને ‘પોચા’ને સચીન-મગદલ્લા રોડની નકામી જમીન પધરાવી દીધી હતી. પોતાની સારી જમીનની સામે ખરાબ જમીન આવતા અને તેને વેચવાની તકલીફ પડતા ‘પોચા’એ પોતાને છેતરનાર આ ઉદ્યોગપતિને વિડીયો કોલ કરીને દુનિયાભરની ગાળો દઈ દીધી હતી.
કહે છે કે ‘પોચા’એ ગાળો આપતાં ગુસ્સે ભરાયેલા આ ઉદ્યોગપતિએ તેને મદદનીશ પોલીસ કમિશનરની મદદ લઈને પોલીસ પાસે બે દિવસ પહેલા ઉંચકાવી લીધો હતો. ચર્ચા પ્રમાણે પોલીસે આ મામલે કોઈ ફરિયાદ નોંધી નહોતી પરંતુ બે દિવસ ‘પોચા’ને ગોંધી દીધો હતો. ‘પોચા’ બે દિવસથી ગાયબ થઈ જતાં આખો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. પોલીસે ‘પોચા’ને છોડ્યો કે કેમ? તેની વિગતો બહાર આવી નથી. આ મામલે જોકે, પોલીસ ફરિયાદ નોંધાઈ નહીં હોવાથી આખો મામલો બહાર આવ્યો નહોતો પરંતુ આ મામલાએ સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓમાં ભારે ચર્ચાઓ ઉઠી હતી. જે રીતે આ ઘટના બની છે તે જોતા આગામી દિવસોમાં આ મામલે નવા ધડાકા થાય તો નવાઈ નહીં હોય
જમીનના એક વેપારીએ એક મોટા બિલ્ડરને ત્રણ દિવસમાં જાહેરમાં મારવાની જાહેરાત કરી દીધી
સૌરાષ્ટ્રવાસી જમીનના વેપારીઓમાં પૈસાના મામલે એટલી હદે માથાકૂટ ચાલી રહી છે કે આગામી દિવસોમાં મોટી ઘટનાઓ બને તેવી સંભાવના જોવામાં આવી રહી છે. જમીનના એક વેપારીએ ત્રણ જ દિવસમાં એક મોટા બિલ્ડરને જાહેરમાં મારવાની ધમકી પણ આપવા માંડી છે. ભૂતકાળમાં પણ આ બંને વચ્ચે પોલીસ કેસ થઈ ચૂક્યા છે ત્યારે હવે પૈસાની લેતીદેતીનો મામલો જીવલેણ બને તેવું માનવામાં આવી રહ્યું છે.