અનાવલ: મહુવા (Mahuva) તાલુકાના વિશિષ્ટ કામગીરીથી અનેરી ઓળખ પામેલ અને બહુધા ચૌધરી (Chaudhary) સમાજની વસતી ધરાવતા કાછલના (Kachhal) ચૌધરી સમાજના લોકોએ ગામનું જ એક બંધારણ (constitution) બનાવી અનોખી પહેલ કરી છે.
- લગ્નપ્રસંગે ગામમાં કંકોતરી વહેંચવી નહીં, ફક્ત નોતરું જ નાંખવું, મરણ બાદ વાસો કે દિહાડાના દિવસે જમણવાર પર પ્રતિબંધ
- સામાજિક પ્રસંગોએ બીડી, તમાકુવાળી થાળી મૂકવાની પ્રથા ઉપર પણ પ્રતિબંધ, બંધારણમાં 33 મુદ્દાનો સમાવેશ
- મહુવાના કાછલ ગામના ચૌધરી સમાજે બનાવ્યું સામાજિક સુધારા સાથેનું ગામનું બંધારણ
સાંપ્રત સમયમાં આદિવાસી ચૌધરી સમાજમાં સામાજિક પ્રસંગોમાં નવા નવા રીત-રિવાજો દાખલ થવાથી ખર્ચાઓનું ભારણ વધી રહ્યું હતું અને આદિવાસી સમાજની અસલ વિધિઓ વિસરાતી જતી હોવાથી કાછલ ગામના ગ્રામજનોએ ભેગા મળી ગામનું ચૌધરી સમાજનું બંધારણ બનાવવાનું નક્કી કર્યુ હતું. જેને લઈ કાછલ ગામના ગ્રામજનોએ ગત જાન્યુઆરી માસથી ગામના વડીલો સાથે તબક્કાવાર મીટિંગો યોજી તમામ વર્ગના લોકો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ બંધારણને આખરી ઓપ અપાયો હતો.
કાછલ દૂધમંડળીના પ્રમુખ રવીન્દ્ર ચૌધરીના અધ્યક્ષ સ્થાને અને કાછલ ગામના પૂર્વ સરપંચ અને મહુવા તાલુકા ચૌધરી સમાજના પ્રમુખ નરેન ચૌધરીની આગેવાની હેઠળ યોજાયેલી કાછલની ચૌધરી સમાજના બંધારણ સભામાં ગામના દરેક ઘરમાંથી ગ્રામજનો હાજર રહ્યા હતા અને આદિવાસી ચૌધરી સમાજનો સામાજિક ખર્ચ ઘટાડવા અને આદિવાસી રીતિ-રિવાજો પ્રમાણે વિધિઓ થાય એ હેતુથી અને તાજેતરમાં અમૂક દાખલા એવા સામે આવ્યા છે કે, આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે રીતિ-રિવાજો ન કરતાં જાતિના દાખલાઓ મેળવી શક્યા નથી, તો ગામના યુવાઓને અને આવનારી પેઢીઓને આ મુજબની સમસ્યાઓનો સામનો ન કરવો પડે એ માટે ગ્રામજનોએ એકમત થઈ સર્વાનુમતે ગામનું બંધારણ બનાવ્યું છે.
જેમાં કુલ 33 મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ચૌધરી સમાજની ચૌધરી બોલી વિસરાતી જતી હોય અને નવી પેઢીને એ બોલી આવડતી ન હોવાથી ફરજિયાત ઘરમાં ઘરનાં સદસ્યો સાથે ચૌધરી બોલીમાં જ વાત કરવી, સગાઈમાં સોનાની વીંટી પહેરાવવાની પ્રથા નાબૂદ કરવી, સગાઈમાં કેક કાપવાની પ્રથા નાબૂદ કરવી, સગાઈની વિધિ આદિવાસી સમાજની અસલ રીતિ-રિવાજો મુજબ જ કરવી અન્ય વિધિથી કરવી નહીં, સગાઈમાં જમણવાર રાખવું નહીં, સાકર-પડોની પ્રથા નાબૂદ કરી સગાઈ જ કરવી, લગ્નપ્રસંગ નિમિત્તે પ્રિ-વેડિંગ કરવું નહીં, લગ્નપ્રસંગે ગામમાં કંકોતરી વહેંચવી નહીં, ફક્ત નોતરું જ નાંખવું, લગ્ન પ્રસંગે ચૌધરી સમાજના ધારાધોરણ મુજબ 15 તોલા ચાંદીનાં ઘરેણાં ચઢાવવાનો નિયમ છે, એનું પાલન કરવું અને લગ્નવિધિ દરમિયાન ફરજિયાત ચાંદીનું જ મંગળસૂત્ર પહેરાવવું, લગ્નપ્રસંગ દરમિયાન રાત્રે 1.30 કલાક સુધી જ ડી.જે.
સંગીત વગાડવું, મૃત્યુ પામનારની વરસીની વિધિ કરવી નહીં, મરણ પ્રસંગ નિમિત્તે વાસો કે દિહાડાના દિવસે જમણવાર રાખવું નહીં, આદિવાસી પરંપરાના તહેવારો ગામ ઉજાણી કરવી, વાઘબારસ, બીમહા એક જ દિવસે કરવા, સામાજિક પ્રસંગોએ બીડી, તમાકુવાળી જે થાળી મુકાય છે તેને નાબૂદ કરવી તેમજ આવા સામાજિક પ્રસંગોમાં જે વ્યસન અંગેની અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવે છે તેને નાબૂદ કરવી વગેરે આમ કુલ 33 પ્રકારના સામાજિક સુધારાનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ નક્કી થયેલા બંધારણની બુક બનાવવામાં આવશે અને તેને ગામનાં દરેક ઘરોમાં વિતરણ કરવામાં આવશે અને ગામનું આ બંધારણ 1 જૂન-2022થી કાછલ ગામમાં અમલમાં આવશે અને ચૌધરી સમાજનાં તમામ ઘરોએ તેનો અમલ કરવાનું રહેશે. જે અંગે તમામ ગ્રામજનોએ બહાલી આપી હતી.
સંસ્કૃતિ બચાવવાની પરંપરા સાથેનું બંધારણ બનતાં ગ્રામજનોમાં ખુશી
ગામના સામાજિક ખર્ચા બચાવવા અને આદિવાસી સંસ્કૃતિ બચાવવાની પરંપરા સાથેનું બંધારણ બનતાં સમગ્ર કાછલ ગામમાં એક ખુશીની લહેર છવાઈ ગઈ હતી. આ બંધારણ સભામાં કાછલ ગામનાં મહિલા સરપંચ કલ્પનાબેન ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં અને આ બંધારણ સભાને સફળ બનાવવા દૂધમંડળીના મંત્રી ધર્મેન્દ્ર ચૌધરી, મનોજભાઈ, ધીરુભાઈ, શૈલેષભાઇ તેમજ ગામના તમામ વડીલો અને યુવાઓએ ભારે જહેમત ઉઠાવી ગામના ભવિષ્ય માટે આ બંધારણ સભાને સફળ બનાવી હતી.