નવસારી(Navsari) : લાલમ લાલ… એવી બૂમો સાથે તડબુચ (Watermelon) વેચાતું હોય છે. લીલી છાલ અને લાલ ગરવાળા તરબુચમાં હવે બી પણ ઓછા હોય. પાણીથી ભરપુર હોય એવું તડબુચ ઉનાળામાં (Summer) ખાવાનું હિતકારી હોય છે. પરંતુ હવે જમાનો બદલાઇ રહ્યું છે. લાલમ લાલને બદલે લો પીળું પીળું તરબુચ લો એવી બુમ સાંભળવા મળે તો નવાઇ નહીં. એ પીળી છાલમાં લાલ ગર અને પીળી છાલમાં પીળો ગરવાળું પણ તરબુચ મળતું થઇ ગયું છે. ગણદેવી તાલુકાના એંધલ ગામના પ્રગતિશીલ ખેડૂત સુનિલ પટેલે હવે તરબુચની ત્રણ વેરાયટીની ખેતી કરી છે.
એંધલ ખાતે ખેતી કરતા સુનિલ પટેલ પ્રગતિશીલ ખેડૂત છે અને અવનવા પ્રયોગો કરતા રહે છે. ખાસ કરીને ગ્રીન હાઉસ ખેતી તેમને પ્રિય રહી છે. બોર, કન, સૂરણ જેવી ખેતી ઉપરાંત પાલખ તથા બીજી ભાજીઓની મોટા પાયે ખેતી કરીને સારી કમાણી પણ કરી છે. તેઓ ખેતીમાં અવનવા પ્રયોગ કરતા રહે છે. આ વર્ષે તેમણે તરબુચની ત્રણ વેરાયટીની ખેતી કરી છે. પહેલી તો આપણે ત્યાં મળતા લીલી ચામડી અને લાલ ગરવાળા દેશી તરબુચની ખેતી તો ખરી જ સાથે, બીજી બે વેરાયટી ઉગાડી છે. ત્રણ મહિનામાં પાક તૈયાર થઇ જાય એવા પીળી ચામડીના તરબુચની બે વેરાયટી તેમણે ઉગાડી છે. હવે તેમના ખેતરમાં એ તરબુચ વેચાતા થઇ ગયા છે. આ બે તરબુચ સ્વાદે મીઠા અને રંગમાં પીળા છે. એક તરબુચ તો પીળા ગરનું ખરૂં પણ તેનો સ્વાદ મીઠો, તો એક વેરાયટી એવી કે તેનો સ્વાદમાં તમને પાઇનેપલનો પણ સ્વાદ માણવા મળે. આ ત્રણે વેરાયટી એવી સોફ્ટ કે મોમાં મૂકો એટલે જાણે પીગળી જાય !
સુનિલ પટેલે ખેતી માટે અનોખો પ્રયોગ એવો પણ કર્યો છે કે તેમણે ગ્રાહક અને ખેડૂત વચ્ચેનો વચેટીયો કાઢી નાંખ્યો છે, તેને કારણે ગ્રાહકોને બજાર ભાવ કરતાં સસ્તું તરબુચ મળે છે. તેમના એંધલ ખાતેના ફાર્મ પર જઇને તમે પસંદ કરીને તરબુચ ખરીદી શકો છો. ત્રણ વેરાયટીના ભાવ બજાર કરતાં ઓછા હોય છે. એ ખરૂં કે આ ખેતી એટલી સારી રીતે થાય છે કે લગભગ તરબુચ ચારેક કિલોનું તો થાય જ છે. આ સંજોગોમાં તમે રજાના દિવસે એંધલ પહોંચો તો આઉટીંગ પણ થઇ જાય અને ઓર્ગેનિક ખેતીની પેદાશ પણ બજાર કરતાં સસ્તા ભાવે તમે ખરીદી શકો છો.
ઓર્ગેનિક ખેતી હોવાને કારણે સ્વાસ્થ્ય માટે વધુ ઉપકારક
પાઇનેપલ જેવો રંગ અને સ્વાદમાં પણ તેનો સ્વાદ પણ ભળેલો હોય એટલે તરબુચ ખાવામાં અનોખું લાગે. પહેલાં તો પીળું તરબુચ આપણે ભાગ્યે જ જોયું હોય, તેથી જાણે કોઇ બીજું જ ફળ ખાતા હોઇએ એવો અહેસાસ જરૂર થાય. તરબુચ જેવા મીઠા સ્વાદમાં પાઇનેપલનો સ્વાદ ભળે એટલે સોનામાં સુગંધ ભળે એવો સ્વાદ મોં બાવી જતો હોય છે. વળી ઓર્ગેનિક ખેતી હોવાને કારણે સ્વાસ્થ્ય માટે પણ તે વધુ ઉપકારક છે.
અન્ય તડબુચ કરતાં આ તરબુચની વેરાયટીની મીઠાશ વધુ છે
સુનિલ પટેલે જણાવ્યું હતું કે આ વેરાયટી એવી છે કે તે સ્વાદમાં અનોખી હોવાને કારણે તેની માંગ સારી એવી છે. ઉત્પાદન પણ વીંઘાએ 15 ટન જેટલું થાય છે. વળી મારી આ ખેતી 90 ટકા ઓર્ગેનિક છે, તેને કારણે પણ તરબુચની વેરાયટીની મીઠાશ અન્ય તરબુચ કરતાં વધુ છે.